અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ચેત મછંદર!


ચેત મછંદર!

રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર!

નીરખે તું તે તો છે નીંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર!

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારાં,
સુપના લગ લાગે અતિસુંદર, ચેત મછંદર!

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર!

સાંસ અરુ ઉસાંસ ચલા કર દેખો આગે —
અહાલેક! આયા જોગંદર, ચેત મછંદર!

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર!

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર!