અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ઝાલર વાગે જૂઠડી


ઝાલર વાગે જૂઠડી

વિનોદ જોશી

ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

ધીમે ધીમે રે નખ ઑગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.