અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નોખું નોખું ને એકાકાર

From Ekatra Wiki
Revision as of 11:57, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે, જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સપનામાં જાગ્યો તેનો
લાગ્યો ઉજાગરો ને
આંખોમાં ભીનો ભીનો ભાર રે,
જોગીડા! આ તે
કેવું રે સૂવું ને કેવું જાગવું હો જી!

લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો સો ત્યાં ઊઘડી,
સો સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
રે જોગીડા! આ તે
કેવું પરાયું કેવું આગવું હો જી!

સામે આવે તે પહેલાં સુખડાં મેં પામી લીધાં,
આડે આવે તે પહેલાં દુખડાં મેં વામી દીધાં;
મારો તે લાગે મુને ભાર :
રે જોગીડા! આ તે
કેવું રે ભોગવવું કેવું ત્યાગવું હો જી!

શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવકજ્યોતે —
ઘૂમી ઘૂમીને વીજલ ખાતી પછડાટ પોતે —
લપસીને લથડે લાખો વાર :
રે જોગીડા! આ તે
કેવું રે રુઝાવું કેવા વાગવું હો જી!

પંખી પોતામાં ઊડી પોતામાં ડૂબી રહેતું,
આખું આકાશ એને ચોગમ લપેટી લેતું
ઊંચું ને ઊંડું હારોહાર
નોખું નોખું ને એકાકાર
રે જોગીડા! આ તે
કેવું તરવું ને કેવું તાગવું હો જી!

(આચમન, ૧૯૭૫, પૃ. ૧૩૧-૧૩૨)