અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/દરવાજો ખોલ


દરવાજો ખોલ

શ્યામ સાધુ

અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ,
ધણ તેજ તિમિરનું છૂટ્યું છે દરવાજો ખોલ!

ત્યાં મૌન બનીને વિહ્‌વળ મસ્તક પટકે છે,
મેં ફૂલ શબ્દનું ચૂંટ્યું છે દરવાજો ખોલ!

પડછાયાની કાયા આ ધરતીને ચૂમે,
હવે હીર પ્રાણનું ખૂટ્યું છે દરવાજો ખોલ!

રસ્તાઓ ગુલમ્હોરો તો સપનાની પાછળ,
ને અહીં નગર નીંદનું તૂટ્યું છે દરવાજો ખોલ!

અવાજના સહુ શ્વેત હંસ તો ઊડી જવાના,
અરે! અરેરે! અર્થોએ ઘર લૂંટ્યું છે દરવાજો ખોલ!
(આત્મકથાનાં પાનાં, ૧૯૯૧, પૃ. ૧)