અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/ક્યાંક ઝરણાંની ઉદાસી…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્યાંક ઝરણાંની ઉદાસી…

શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે!

પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે?

આવ મારા રેશમી દિવસોનાં કારણ,
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે!

ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)