અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /છાતીમાં મારી…


છાતીમાં મારી…

સાહિલ પરમાર

છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય —
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૩૮)