અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/તારા સુધી


તારા સુધી

સુધીર પટેલ

મળ્યો છે શબ્દનો સંગાથ બસ તારા સુધી
ગઝલનો માર્ગ ખૂલે છે સરસ તારા સુધી

નદી, દરિયા, સરોવર કે ઝરણને શું કરું?
પ્રથમથી છે અહીં મારી તરસ તારા સુધી!

મને પૂરી હું બેઠો ચાર દીવાલો મહીં
છતાં પ્હોંચી જવાનું મન અવશ તારા સુધી

ખરે છે પર્ણ પીળું ત્યાં ફરી કૂંપળ ફૂટે
મને પણ લઈ જશે એવી ધગશ તારા સુધી

જીવન શું? લક્ષ શું? મંજિલ શું? મારે મન ‘સુધીર’
શરૂથી અંતની છે કશ્મકશ તારા સુધી!

(જળ પર લકીર)