અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/તો જાણું!

Revision as of 14:25, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારી ગાગર ઉતારો તો જાણું {{space}}કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને! હું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મારી ગાગર ઉતારો તો જાણું
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!
હું તો ઘરે ઘરે જઈને વખાણું
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્‌હાન!
         એમાં શા હોય ઝાઝા વેતા?
કાંટાળી કેડી પર ગાગર લઈને અમે
         આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી
         ને છાંય મહીં ખાઈ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે
         અહીં નાનકડો ગોકુળનો છોરો.
ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૪)