અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઢાળ મળે તો ધોડું


ઢાળ મળે તો ધોડું

હરિકૃષ્ણ પાઠક

હરિવર, ઢાળ મળે તો ધોડું
બેઠાં બેઠાં થાક ચડે છે.
હાલ્યાના નહિ હોશ;
મંછા એવી મોટી—
મારે જાવાં સો સો કોશ,
એક વખત જો દીવો પુગાડી
ખૂંટો મારો ખોડું!
હરિવર, ઢાળ મળે તો ધોડું.
પડકારા આવી પડશે
તો ઢાંકી દેશું કાન,
થવું હોય તે થયા કરે છે
શીદને લઈને સાન?
હુંયે ડગલાં બે’ક ભરું—
જો દીવો હટાવી રોડું
હરિવર, ઢાળ મળે તો ધોડું.
ભવરણની આંટી-ઘૂંટીમાં
ઊભાં જુદ્ધ અપાર,
સહેજ જાત સંકોરી ચાલો,
સમજો, ઊતર્યા પાર.
તેજી ઘોડી કોણ પલાણે;
ભલું ટાયડું ઘોડું,
હરિવર, ઢાળ મળે તો ધોડું.
(નવનીત સમર્પણ, જુલાઈ)