અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઠીબનાં પાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઠીબનાં પાણી

હરિકૃષ્ણ પાઠક

આ તો ભાઈ ઠીબનાં પાણી!
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
આ તો ઠીબનાં પાણી.
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
તરસ્યું કોઈ આવશે—ખોબો’ક રેડવા, એટલું જાણી;
આ તો ઠીબનાં પાણી.
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
આ તો ઠીબનાં પાણી.
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી.