અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં (ફૂલ કહે ભમરાને)

માધવ ક્યાંય નથી મધુવનમાં (ફૂલ કહે ભમરાને)

હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીનાં જલ પર ઝૂકી
         પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
         વાતા'તા વનમાળી?

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પન્દનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ
         કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
         રાવ કદી ક્યાં કરતી!

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી
         મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
         ગયાં ભાગ્ય મુજ ફૂટી;

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૩૭-૧૩૮)