અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૨ (મૃગશાવકનું...)


વ્હાલેશરીનાં પદો ૨ (મૃગશાવકનું...)

હરીશ મીનાશ્રુ

મૃગશાવકનું કરી ઉશીકું
સપનામાં સંચરીએ હાં રે
વ્હાલેશરીએ કીધું કાનમાં
વહેલે મહુરત વરીએ હાં રે

હરિ કરતાં વ્હાલુડાં અિધકાં અમને હરસિંગાર
એ મિષ હરિને ચૂંટ્યા સૂંઘ્યા ગૂંફ્યા સ્તનમોઝાર

મદનવૃક્ષની ઓથે અઢળક
ચુંબ્યાં છે સાંવરિએ હાં રે
કુંબલા કુંબલા મરવા પેખી
આંબલિયા પર મરીએ હાં રે

ધૂળીપડવાને દહાડે જેવાં વણચૂંટ્યાં કેસૂડાં
હરિવછોયાં મથે ફીટવા ત્વચા ઉપર ત્રાજૂડાં

માંડ જરી જંપ્યાં ત્યાં વેરણ
ઝબકાવ્યાં ઘૂઘરીએ હાં રે
ઝલ મલ્હાર ગૂંથી લોચનિયે
સુંદિરવરને ધરીએ હાં રે