અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમન્ત દેસાઈ /પામું છું

Revision as of 11:47, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પામું છું

હેમન્ત દેસાઈ

સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!
ખરેખર માધુરી સ્પર્શી ગઈ છે કૈં પરાજયની,
વિજય કરતાં વળી એમાં અધિક ઉપહાર પામું છું!
અહીં         આ         સૂર્યની         નીચે         નવું         કૈંયે         નથી         બનતું,
છતાં એ સૂર્યની જ્યમ નિત નવો અવતાર પામું છું!
જગતના ચાકડા પર ઘૂમી ઘૂમી કો’ નિગૂઢ હાથે
ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું!
રહ્યો માનવ, અધિક છે પ્યારી માનવતા મને એથી,
દઉં છું ચાંદની જગને, ભલે અંગાર પામું છું!
ગમે તે માની લે દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
કોઈને મારું ક્હેવાનો ફક્ત અધિકાર પામું છું!
તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફક્ત મહોબતનું,
ખરું સદ્ભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું!
(ઇંગિત, ૧૯૬૧, પૃ. ૮૧)