અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નાઝ’ માંગરોળી/લાગે છે

લાગે છે

‘નાઝ’ માંગરોળી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશિ ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકારને નિરંતર લાગે છે.

આશાઓ કુંવરી રહી જાશે, ઓ મોત! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળના સ્વપ્ના જાગે છે એક ચોટ જીગર પર લાગે છે.

દુઃખદર્દ જીવનના ભૂલી જવા હું ‘નાઝ’ મદીરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.