અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/લાવ, હજી એક સાદ કરી લઉં

લાવ, હજી એક સાદ કરી લઉં

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગીત;
લાવ, જોઉં કોઈ વિદાયસજલ આંખ માંડે અહીં મીટ.

વણમાણ્યાં સુખદુઃખની પોઠો વહી ચાલી વણઝાર,
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત;
         લાવ, હજી એક સાદ કરી લઉં.

હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
         લાવ, હજી એક સાદ કરી લઉં.

જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત.
         લાવ, હજી એક સાદ કરી લઉં.