આંગણું અને પરસાળ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 06:55, 20 October 2023 by Shnehrashmi (talk | contribs) (Created page with " {{Heading|કૃતિ-પરિચય|આંગણું અને પરસાળ}} {{Poem2Open}} આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા ‘લઘુ’નિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી અને ખીલત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

આંગણું અને પરસાળ

આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા ‘લઘુ’નિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી અને ખીલતી જાય છે. અહીં લેખકના વિચારો લાગણી-સંવેદનની ભિનાશવાળા છે ને વાતવાતમાં તે વાંચનારને વિચારતા કરી દે છે. સર્જકના ઉદ્ગારમાં સજીવતા છે. વિચારવ્યાપ જોઈશું તો વૈવિધ્યનો આનંદ મળશે. શીર્ષકો જ વાંચીએ : ‘સમયની સાથે સાથે’, ‘મકાન એ જ ઘર?’, ‘સૂર્ય, ચંદ્ર, સરિતા, પર્વત’, શ્રવણ અને દર્શન’, ‘કવિ ધીરાની ભૂંગળી અને ફેસબુક’, ‘વાચનનો રસ અને કસ’, આંગણું અને પરસાળ’, ‘સ્વીકાર અને શરણાગતિ’ વગેરે. વિષયો પરિચિત પણ રૂઢ નથી. દા.ત. લેખકે નદીને કવિતા સાથે સરખાવી છે : ‘સરિતા અને કવિતા’ બંને ઘણો સરખો આનંદ-અનુભવ આપે છે. વાતો કરતાં કરતાં લેખક ગુજરાતી કે સંસ્કૃત કવિતામાંથી પંક્તિઓ ટાંકે છે. એ માટે એમણે એવું ઉચિત ઠેકાણું પસંદ કર્યું હોય છે કે જે આપણને વિષય અને તેને આલેખનાર બંનેના ઉષ્માસભર વ્યક્તિત્વનો સ્પર્શ આપી રહે છે. છેલ્લો નિબંધ ‘હું કેવો લાગું છું, મને?’માં લેખક જાણે કે બધા નિબંધોનું સારસર્વસ્વ રજૂ કરે છે. વાત વરસાદથી શરૂ થઈને પુસ્તકના ને વ્યક્તિના પહેલા પરિચય ‘વાછંટ’થી સઘન પરિચય ‘પલળવું’ સુધી લઈ જાય છે. વાચક નિબંધમાંથી પસાર થયા પછી કહ્યા વગર રહી ન શકે કે, ‘ના, હું પલળેલો તો ખરો જ.’ ટૂંકમાં, આવાં બીજાં લખાણો માટે વાચકને ભૂખ જાગે એવો અનુભવ પ્રસ્તુત પુસ્તકના નિબંધો કરાવે છે. આપણને બીજું જોઈએ પણ શું?

[‘પરબ’ જૂન ૨૦૨૨માંથી સંકલિત]
—ઉત્પલ પટેલ