આત્માની માતૃભાષા/6


વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ

રાધેશ્યામ શર્મા

વિશ્વમાનવી

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે—તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨

કવિશ્રી ઉમાશંકર જોશીએ વીસાપુર જેલમાં, તા. ૩૦-૬-૧૯૩૨ની સાલમાં પ્રસ્તુત ‘વિશ્વમાનવી’ કૃતિ રચી તે પૂર્વે અમદાવાદ ખાતે, ગૂજરાત વિદ્યાપીઠમાં, ડિસેમ્બર ૧૯૩૧માં ‘વિશ્વતોમુખી’ લખી હતી. (ઉમાશંકરની ચેતનામાં ‘વિશ્વ'નો મહિમા વ્યક્તિથી કંઈક ચઢિયાતો રહ્યો છે. કાવ્યમથાળાં એનાં પ્રમાણ છે: ‘વિશ્વશાંતિ', ‘વિશ્વતોમુખી', ‘વિશ્વમાનવી’…) રચનાના ઐતિહાસિક અનુક્રમમાં, ‘વિશ્વમાનવી’ પહેલાં ૧૯૩૧ની ‘વિશ્વતોમુખી'-ની આ કડીઓમાં વિશ્વ સાથે માનવીની, કવિના વ્યક્તિત્વ સાથે સર્જનની કડીઓનું અનુસંધાન પામી શકાશે:

…લઘુ માનવી મટી,
બની રહું રાષ્ટ્ર-વિરાટ ચેતના:
પ્રજા-પ્રજાના ઉર-સ્પંદ-તાને
ગૂંથી રહું ઊર્મિલ ઐક્યપ્રેરણા.

અહીં ‘ઊર્મિલ ઐક્યપ્રેરણા’ ગૂંથવાની ભાવુક મન:સ્થિતિ નોંધપાત્ર છે. સમગ્ર સંદર્ભમાં ‘વિશ્વમાનવી'ની પ્રારંભિક બે પંક્તિઓ જોઈએ:

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને
હવે ‘વિશ્વતોમુખી’ પૂર્વ-રચનામાંયે તારકનો ઉલ્લેખ માણીએ:
ઉકેલતો તારક-શબ્દપોથી,
ને પ્રેમધારા વહું વિશ્વતોમુખી.

‘તારક', ‘વિશ્વમાનવી'માં ‘નભતારલી’ રૂપે અવતરે છે. તારક-શબ્દપોથી કીકીથી ઉકેલે છે નાયક, ને પછીથી બે નભતારલીની કીકી કરે છે! પ્રેમધારા વિશ્વતોમુખી વહે છે પહેલી રચનામાં, ને બીજીમાં દિગંતરાલને તે મીટમાં માપવા પ્રવર્તે છે. ‘વિશ્વમાનવી'ની વિભાવના કૉઝ્મિક છે. વ્યક્તિત્વનું વિગલન, તિરોધાન મહદ્અંશે અપેક્ષિત. વિભાવનાને કાવ્યસર્જનમાં આકાર અર્પવા સર્જક-નાયકે કઈ રીતિનો વિનિયોગ કર્યો? તે શું શું કરે તો ‘વિશ્વમાનવી'ના આદર્શને પહોંચે? નભતારલીની બે કીકી કરી, મીટમાં દિગંતરાલને માપવાની મહદ્આકાંક્ષા બાદ શું સિદ્ધ થાય છે? ‘માયા વીંધીને જળવાદળીર્નીઅખંડ દેખું પળમાં ત્રિકાલને.’ જળવાદળીનું માયા સાથેનું સાયુજ્ય કલ્પનનું સુચારુ ઉદાહરણ છે, જ્યાં ચમત્કૃતિભર્યો ઇન્સ્ટન્ટ સ્ફોટ થતાં ત્રિકાલ-દર્શક પદ નાયકને સહજ પ્રાપ્ત થાય છે: ‘અખંડ દેખું પળમાં ત્રિકાળને.’ આવી પંક્તિ નજરઅંદાજ ના થાય, કેમ કે પલઝબકારમાં ભૂત-વર્તમાન-ભવિષ્ય એ ત્રિકાલને ફ્રેગમેન્ટેશનમાં નહીં, ખંડદર્શનમાં નહીં, અખંડ રૂપે દેખવાની અ-લૌકિક અનુભૂતિ દૃશ્યાંકિત થઈ છે. ‘અખંડ દેખું'માં નાયકની સકલ સાપેક્ષતા વિસર્જિત થઈ વ્યક્તિ-ત્વનો તત્કાલ વિલોપ વ્યક્ત કરે છે. કાવ્યબાનીમાંની સમાસ-રચના, કર્તાનો શૈલીવિશેષ છતો કરે છે. દા.ત. નભતારલી, જળવાદળી, સંધ્યા-ઉષા, પાંખજોડલી સાથે ચંદ્રહોડલીની પ્રાસયોજના, સ્વર્ગંગ, ધૂમકેતુ-પંથ, પ્રાણપરાગ, પ્રકાશે-તિમિરે વગેરે. બીજા સ્તબકમાં રચના, પ્રથમ સ્તબકના નભપરિવેશને અગ્ર ગતિ અર્પી સંધ્યા-ઉષાનો ઉલ્લેખ તો કરે છે પણ ‘પાંખજોડલી’ કલ્પી એક ભવ્ય કલ્પનની ભેટ ધરે છે, પેલા ‘અખંડ’ દર્શનની સંગતિમાં ‘અનંત'ને પ્રસ્તુત કરે છે: યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો. (અહીં ‘ઊર્ધ્વમુખી’ સાથે ‘વિશ્વતોમુખી’નું સાહચર્ય સુજ્ઞોને સાંભરે તો સાંભરે…) અનંતના યાત્રીની વિક્રમ ક્રીડા પણ આવી હોય ને:

સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો

ધૂમકેતુનો સંગાથી બનવા તાકતો નાયક ચંદ્રની નૌકા બનાવી સ્વર્ગ-ગંગામાં ઝુકાવે તો ભાવક પણ એવા અ-પાર્થિવ વિસ્મયમાં સમસંવેદક બનવાનું ગમાડે. રચના-અંતર્ગત ક્રિયાપદો — જેવાં કે ‘કરું', ‘માપું', ‘દેખું', ‘ઝૂકવું', ‘બનું', ‘પાથરું', ‘છાવરું', ફરી ‘બનું’ ને છેલ્લે ‘ધરું ધૂળ વસુંધરાની’ — નાયક-વ્યક્તિત્વના દૃઢમૂલ અંશો પ્રસ્થાપિત કરે છે. એટલે તો ત્રીજા સ્તબકમાં આંતરિક જરૂરિયાતના ઉપલક્ષ્યમાં કબૂલે છે: ‘વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું.’ એથી વધુ, ‘પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું’ — (‘છાવરું’ એટલે ઢાંકવું, પ્રશ્ન થાય કે વિશ્વમાનવીએ અંતરપ્રેમ છાવરવાની શી જરૂર પડી? પ્રેમ પર ઢાંકપિછોડો શા કાજે?) — એટલે શક્ય છે, ‘પાથરું’ સાથે પ્રાસ મેળવવાની પળોજણમાં, ‘છાવરું’ જેવો વિપરીત અર્થી પ્રયોગ ટપકી પડ્યો હોય! આમ છતાં, ચૌદ પંક્તિ ધરાવતા સૉનેટનુમા ઊર્મિકાવ્યની અંત્ય પંક્તિઓ ગુજરાતી-ભાષાસાહિત્યની યશોલંકૃત નીવડી છે:

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

વિશ્વમાનવી એટલે ‘ધ સિટિઝન ઑફ ધ વર્લ્ડ.’ ઑલિવર ગૉલ્ડસ્મિથના ગ્રંથનો ઉલ્લેખ કરી કવિ-વિવેચક નિરંજન ભગતે એમના ‘પ્રિય (હવે અ-વિદ્યમાન પણ સર્જક રૂપે અમર) ગુજરાતી લેખક’ ઉમાશંકરની સં-સિદ્ધ પંક્તિ ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી'ને ઉલટાવીને આમ મૂકી છે: ‘વ્યક્તિ થવાને બનું વિશ્વમાનવી.’ કારણ? ભગતસાહેબે શોધી આપ્યું આ કથનમાં ‘ઉમાશંકરે તો ‘છિન્નભિન્ન છું’ લખીને જીવનભર વ્યક્તિ બનવાની જ ‘શોધ’ કરી હતી.’ (સ્વાધ્યાયલોક — ૭, પૃ. ૩૯૪-૩૯૫) ભલે વ્યક્તિ બનવાની શોધ કવિએ કરી હોય, પરંતુ વસુંધરાની ધૂળ માથે ધરનાર વ્યક્તિએ જ્યારે જળવાદળીની માયા વીંધીને અ-પાર્થિવ પંક્તિ ‘અખંડ દેખું પળમાં ત્રિકાલને’ રચી ત્યારે તે ક્ષણે સર્જક, વિશ્વમાનવીના દર્શનમાં નહોતા એમ કહી શકાશે? આ વિસ્ફોટ (inner explosion) વીજઝબકાર જેવો હોય તોય નિર્વૈયક્તિકતાના અનુભવનું અ-ક્ષર પ્રમાણ છે. એકદા એ વ્યક્તિપદને અંડોળી આવ્યા, પછી કાલાનુક્રમે પુન: વ્યક્તિ સ્વરૂપે વિશ્વમાનવ બનવાની અભિલાષા સેવવી એમાં નિખાલસ પ્રામાણિકતા છે. વ્યક્તિ થયા જ ન હોત તો ‘વિશ્વમાનવી’ પણ કેમ કરી બનત? વ્યક્તિ હતા અને વ્યક્તિ છે, વચ્ચે અંતરાલમાં ‘વ્યક્તિ મટીને’ વિશ્વમાનવીનું દર્શન ઝબૂકી ગયું એનો રસ-સ્વાદ રહી ગયો એટલે એ બનવાની અભિલાષા સેવી પણ એક શરતે: ‘માથે ધરું ધૂળ વસુંધરાની.’ રવીન્દ્રનાથ ટાગોરની પ્રભાવ-છાયા એમની કવિતા ‘મધુમય પૃથિવીર ધૂલિ’ સાથે, ઉમાશંકરના કાવ્ય સાથે જોવાઈ છે. (‘એકોત્તરશતી'માં ઉમાશંકર જોશીએ જ આ કવિતાનું ભાષાંતર કર્યું છે. પૃ. ૩૫૭ પર) વિશેષમાં, ટાગોરની કૃતિ ‘સ્વર્ગ — હઈતે વિદાય'ની આ પંક્તિઓ પણ રસપ્રદ છે:

સ્વર્ગે તવ બહુક અમૃત,
મર્તે થાક્ સુખે-દુ:ખે-અનન્ત-મિશ્રિત
પ્રેમધારા અશ્રુજલે ચિરશ્યામ કરિ
ભૂતલેર સ્વર્ગખણ્ડગુલિ.

અનુવાદ : તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું

મર્ત્યલોકમાં અનંત સુખદુ:ખથી મિશ્રિત
પ્રેમધારા અશ્રુજલથી
ભૂતલના સ્વર્ગખંડોને ચિરશ્યામ કરતી રહો

(‘એકોત્તરશતી', અનુ. નગીનદાસ પારેખ, પૃ.૧૧૯) ઉમાશંકરની ભાવના — ‘સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું’ — સાથે ભાવક માટે ટાગોરની અશ્રુજલસિક્ત ‘પ્રેમધારા'નો પણ મહિમા છે. સર્જક કવિ ઉમાશંકરને પ્રિય રૉબર્ટ ફ્રૉસ્ટે પણ વ્યક્તિત્વથી ઉપર ઊઠીને સંવર્તવાની વાત ક્યાં નથી કરી? I am against a homogenized society, because I want the cream to rise… (આવી ભાવનાશીલતા ‘વસુધૈવ કુટુંબકમ્’ નિકટની ગણાય.)