આત્માની માતૃભાષા/62


ઉમાશંકરભાઈનાં મુક્તકો-લઘુકાવ્યોનું ભાવવિશ્વ — એક આસ્વાદ

યૉસેફ મેકવાન

સંસ્કૃતિ


ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાં, ના કદી થડ;
રૂઢિઓ ખરતી રુક્ષ, ટકી ર્હે સંસ્કૃતિ-વડ.
અમદાવાદ, ૧૯-૮-૧૯૪૫

નાનાની મોટાઈ


મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
અમદાવાદ, ૬-૪-૧૯૪૯

ઝંખના

ઝંઝા કેરી પુત્રી છો હોય ક્રાન્તિ,
હૈયે લ્હેરે ખેતરો કેરી શાન્તિ.
પેઇચિંગ, નવું વર્ષ: ૧૯-૧૧-૧૯૫૨

રીઝે બાળક જોઈ જેને—

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
અમદાવાદ, જાન્યુઆરી ૧૯૬૫


ત્રણ વાનાં


ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું.
અમદાવાદ, ૧૯૭૭

વસંત છે


તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો: ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.
… …
અમદાવાદ, ૩૦-૩-૧૯૭૬

લઢ્યો ઘણું

લઢ્યો ઘણું, છેવટ મારી સાથે;
મળ્યું ન કો, આત્મસમાન જે ન હોય.
ચાહ્યે ગયો વ્યક્તિ પૂંઠેની વ્યક્તિને.
પ્હોંચ્યો મુકામે, લઈ સ્કંધ થેલો,
થતો શરૂ ત્યાં જ નવો પ્રવાસ કો.
મૉસ્કો, ૨૩-૯-૧૯૭૮


સંવેદનશીલ માણસનું ચિત્ત તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓના અનુલક્ષમાં સતત વિચારતું હોય છે. એમાંય કવિજીવ તો એ ચિત્તવ્યાપારોને ગદ્યપદ્ય રૂપે શબ્દસ્થ કરી જીવનદિશાનો ઊંચો-નીચો ગ્રાફ આકારતો રહે છે. તેમાં જીવનોત્સવનાં, પ્રેમનાં, ઉલ્લાસનાં, હ્રાસનાં, વ્યંગનાં, મૃત્યુનાં ગૂઢ રહસ્યોનાં, પ્રકૃતિસૌંદર્યનાં વગેરેનાં પ્રતિબિંબો ઝિલાયાં હોય છે. એ બધું સર્જન જમાને જમાને જનલોકના ચિત્ત સાથે ભળી નવા અર્થસંકેતો આપતું રહે છે, રૂપાંતરિત થતું રહે છે. એટલે કાવ્યવિચારને ક્યાંય પૂર્ણવિરામ હોતું નથી! કવિ ભાષાને પૂરી સભાનતાથી આત્મગત કરી અનુભૂતિ, ઊર્મિઓ, સંવેદનો વગેરેને શબ્દલયમાં રમતાં મૂકે છે. તેથી જ તો ઉમાશંકરભાઈએ પોતાને ઉદ્દેશીને ગાયું છે ને —  સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે. મુક્તક અને લઘુકાવ્યોનું સ્વરૂપ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં થઈ ભાષાના વિકાસ સાથે આધુનિક સાહિત્યમાં પણ વિસ્તરી રહ્યું છે. તેમાં વિષયવૈવિધ્ય હોવાથી હ્ય્દ્ય અને રસિક લાગે છે. અનુભવની કે વિચારોની ગહનતામાંથી જન્મ્યાં હોઈ સ્મરણમાં રહી જતાં હોય છે. તેની મર્માળી ચોટ પાણીદાર મોતીની જેમ ચિત્તમાં ઝળકે છે. ખુદ ઉમાશંકરભાઈએ કહ્યું છે કે, ‘મુક્તક એટલે છૂટું કાવ્ય.’ મુક્તકમાં જીવનને કોઈ એવો અનુભવ રજૂ થયો હોય કે સાંભળતાંવેંત જ મનમાં રમી રહે, જીવનમાં ભાથાંરૂપ બની રહે. અર્વાચીન સાહિત્યમાં બ.ક.ઠા.એ એક કાવ્યપ્રકાર તરીકે મુક્તકને સ્થાપ્યું છે. ઉમાશંકરભાઈનાં ઊર્મિસભર મુક્તકોમાં — લઘુકાવ્યોમાં ભાવનાઓ, લાગણીઓ, સંવેદનો વગેરે અસંદિગ્ધપણે રસાઈને મર્માળાં કાવ્યાત્મક બન્યાં છે. અહીં એમની એવી રચનાઓનો આસ્વાદ માણવો ગમશે. ઋતુચક્ર છે પ્રકૃતિનો શ્વાસોચ્છ્વાસ. વસંતમાં પ્રકૃતિ હરિત બને, ખીલે, મહોરે. એ વૈભવને એ પાનખરમાં ત્યજી દે. આદિકાળથી ચાલી આવતી આ ઘટના કવિચિત્તને કોઈ એવી ક્ષણે સ્પર્શી ગઈ હશે કે ચિત્તમાં એક વિશાળ અર્થપૂર્ણ ચિત્ર ઝડપાઈ ગયું. જુઓ — 

ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાં, ના કદી થડ;
રૂઢિઓ ખરતી રુક્ષ, ટકી રહે સંસ્કૃતિ-વડ.

સમય થતાં વૃક્ષ પોતાનાં પાંદડાંને ખંખેરીને ફેંકી દે છે. પણ તે થડને કદી ફેંકી દેતું નથી! તે તો યથાવત્ રહે છે. પ્રથમ પંક્તિમાં વૃક્ષ કર્તા રૂપે છે. પ્રકૃતિની આ સામાન્ય ઘટના. પ્રથમ પંક્તિના આવા અભિધાત્મક વિધાન પછી કવિચિત્તમાં એ ‘થડ’ અથવા ‘વૃક્ષ’ ‘સંસ્કૃતિ-વડ'ના કલ્પનમાં ફેરવાઈ જાય છે. ‘સંસ્કૃતિ-વડ’ શબ્દ જ વિશાળ વડલો બની આંખો સામે ઝૂલી રહે છે! આ સંસ્કૃતિ-વડ પરથી રુક્ષ — વ્યર્થ લાગતી — રૂઢિઓ આપોઆપ ખરે છે. સંસ્કૃતિ-વડ તેને ખંકેરતો કે ખેરવતો નથી! આમ, સંસ્કૃતિ-વડ મનુષ્યજાતિના વિકાસનું રૂપક બની ધબકે છે. વિજ્ઞાનના વિકાસ સાથે રૂઢિઓ — માન્યતાઓ જાતે જ દૂર થઈ જાય છે ને તેને સ્થાને નવું પ્રગટે છે. જો ‘વૃક્ષ’ સનાતન છે તો આ સંસ્કૃતિ-વડ પણ શાશ્વત છે, તેના વડે જ મનુષ્યજાતિનું અવનવીન રૂપે અસ્તિત્વ પણ ટકી રહેશે. અનુભવો ને અનુભૂતિનું જીવંત ચક્ર એટલે જ જીવન. જાગ્રત મન આ સૂક્ષ્મ પ્રક્રિયાને જાણી-માણી-પ્રમાણી શકે. સામાન્ય રીતે આપણામાં એવી પૂર્વગ્રંથિ બંધાયેલી જોવા મળે છે કે સામાન્ય, ગરીબ, મહેનતકશ, અબૂધ, અભણ, ચરિત્રવાન હોતા નથી. પણ એવું સાવ નથી હોતું. એવા લોકોમાંય ઉદારદિલી, માનવતા, નિખાલસતા, દયા, પ્રેમ વગેરે પેલા કહેવાતા ભદ્રલોક કરતાં વિશેષપણે જોવા મળે છે. એવા નિચોડમાંથી જન્મેલું આ મુક્તક 


મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.

અહીં ‘અલ્પતા’ અને ‘મોટાઈ'ના વિરોધી ભાવ દ્વારા જે વ્યંગ્ય કર્યો છે તેમાં કવિહૃદયનું કારુણ્ય પ્રગટે છે. કહેવાતા મહાનુભાવોના સંપર્કમાં આવીએ ત્યારે ‘ડુંગરા દૂરથી જ રળિયામણા'નો અનુભવ થઈ જતો હોય છે! જ્યારે પેલો સાદો-સરળ-સામાન્ય લાગતો જન તેનાં વાણી, વર્તન, ભાવના, વિચારો વડે વેંત ઊંચો સાબિત થતો હોય છે! ત્યારે તેની એ ‘મોટાઈ’ જીવવાનું પ્રેરકબળ બની રહેતી હોય છે. કુદરતી આફતોમાં, ધરતીકંપોના વિનાશટાણે, મોટા અકસ્માતોમાં કે નિજી જીવનની સામાન્ય ઘટનામાંય એવા જનનો આપણે અનુભવ કર્યો હોય છે. શાલિની છંદમાં રચાયેલા ‘ઝંખના’ મુક્તકમાં ‘ક્રાંતિ’ સાથે ‘શાંતિ'નો પ્રાસ મેળવી માનવસમાજના સત્ય-તથ્યને આકાર્યું છે.

‘ઝંઝા કેરી પુત્રી છો હોય ક્રાંતિ,
હૈયે લ્હેરે ખેતરો કેરી શાંતિ.’

ઝંઝા પ્રકૃતિને અસ્તવ્યસ્ત — ખેદાનમેદાન કરે છે. તે રીતે ક્રાંતિ પણ સમાજને નુકસાન તો કરે જ છે. જીવનને અખળડખળ કરી જ દે છે. તેથી તેને ‘ઝંઝા'ની પુત્રી કહી છે. પુત્રી એટલે સ્ત્રીરૂપ. સ્ત્રીરૂપ એટલે એ શક્તિનું પ્રતીક. પણ વિનાશાત્મક એવી ક્રાંતિ પછી હર્યાંભર્યાં હરિયાળાં ખેતરો જેવી શાંતિ હૈયાના લાંબા સમયપટ પર છવાયેલી રહે છે. એવા સૂક્ષ્મભાવને તાકતું આ મુક્તક વિશ્વની માનવસંસ્કૃતિની અવિરામ યાત્રાનું દ્યોતક છે. આ માનવસંસ્કૃતિની અવિરામ યાત્રામાં કેન્દ્રસ્થાને તો છે બાળક. એ જ તો છે વિશ્વની ધરી. એનું ખિલખિલાટ હાસ્ય… ગુંજન… એની ધમાલમસ્તી વગેરેથી ઘર પ્રાણવાન બને છે. આવા બાળકને જોઈ જે રીઝે તે જન ભાગ્યવાન… પણ એથીય વધુ ભાગ્યવાન તો પેલું બાળક જ ગણાય કે એ આવા મોટાને મળતા એ રીઝે છે!

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદયહૃદયનાં વંદન તેને.

બાળકને જોઈ રીઝનાર તે વ્યક્તિ બાળક માટે ‘વત્સલ મૂરત’ બની જાય છે તો એ વ્યક્તિ માટે બાળક ‘સ્નેહલ સૂરત’ બની જાય છે. પરસ્પરના આ ભાવને પ્રાસસાંકળી રચી મૂર્ત કર્યો છે. કવિ ધન્યતા અનુભવતા બોલી ઊઠે છે ‘હૃદયહૃદયનાં વંદન તેને.’ તેમાં કવિ આપણાં હૃદયનાંય વંદન તેને — એવા ભાગ્યવાનને પાઠવી દે છે તેમાં તેમના ઉરનો ઉલ્લાસ અછતો રહેતો નથી. ઉરના આવા ઉલ્લાસને કવિ એક અન્ય મુક્તકમાં સાવ અલગ રીતે ફોકસ કરે છે. જુઓ…

ત્રણ વાનાં મુજને મળ્યાં: હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માંગવું.

પૂર્વ-પશ્ચિમના સમન્વયથી રચાતી શિક્ષણપ્રણાલીના આગ્રહી એવા ઉમાશંકરભાઈ ગાંધીજીની નઈ તાલીમમાંય શ્રદ્ધા ધરાવતા હતા. એટલે નસીબ આધારે રહેવા કરતાં ‘આપણે ભરોસે આપણે હાલીએ ભાઈ'નો મંત્ર રટી રટી જીવનવાસ્તવિકતાને બતાવી છે. હૈયું-મસ્તક-હાથ એ મનુષ્યમાત્રની મુદ્દલ મૂડી છે. આ ત્રણ ‘વાનાં’ જીવનને ‘જીવન’ બનાવવા પૂરતાં છે. ચોથાની જરૂર નથી. હૈયું એટલે સંવેદના, લાગણી, ભાવના, કરુણાને રહેવાનો માળો. જેમાં માનવતા હૂંફાય-સેવાય. મસ્તક એટલે જેમાંથી વિચારશક્તિ વહ્યા કરે… ને સારાનરસાનો ભેદ સમજાવે. હાથ તો છે પરિશ્રમનું પ્રતીક. આદિકાળથી મનુષ્યે આ ત્રણના સરવાળે જ વિકાસ સાધ્યો છે ને! એનો ખ્યાલ થતાં જ કવિ ખુમારીથી બોલે છે —  જા, ચોથું નથી માંગવું. કવિની આ મગરૂરી જીવન જીવવાનું પ્રોત્સાહક બળ બની રહે છે. જીવતરને ધન્ય બનાવવા આ ત્રણ સિવાય અન્ય ચોથાની શી જરૂર હોઈ શકે ભલા! બિનસાંપ્રદાયિકતાના તરફદાર ઉમાશંકરભાઈ સમાજવાદી સમાજરચના રૂપે ભારતનો ઉત્કર્ષ ઇચ્છતા હતા. પણ પ્રજાના નેતા બનતા લોકો સ્વાર્થી બની પ્રજા ચૈતન્ય ઠીંગરાવી દેતા. તેના વ્યંગ-કટાક્ષની ધાર આ મુક્તકમાં નિહિત છે સાંભળો…

તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો: ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.

કેટલીક વાર અભિધાથી પર કોઈ વિલક્ષણ અર્થ તાકતાં મુક્તકો પણ હોય છે. પ્રથમ વાચને તરત ન પકડાય પણ… પછી ચિત્તમાં તેની વ્યંજના ઊઘડે ત્યારે ‘વાહ!’ ઉદ્ગાર નીકળી જાય… અહીં કહેવાતા નેતાઓ પર પ્રજાનો રોષયુક્ત વ્યંગ-કટાક્ષ છે. પ્રથમ પંક્તિમાં નેતાઓની ચાપલૂશી આલેખાઈ છે. તેઓ પ્રજાના યુવાવર્ગને ‘વસંત છો’ કહી બિરદાવે પણ… જે યુવકો પંખી જેવું ઉડ્ડયન કરે એને ધરાર ‘ચૂપ’ કરી દે. આના સંદર્ભમાં બીજી પંક્તિ Far-fetched — દૂરાન્વિત લાગે. પણ એનો સંદર્ભ ઊઘડતાં ખુશ થઈ જાય. નેતા પ્રજાને પોતાનું ‘દર્પણ’ સમજે છે… અને તેમાં ‘જોયાં કરો છે પોતાનું રૂપ.’ — એટલે કે પોતાના જેવા જ દુર્ગુણો પ્રજાજનમાં છે એવું સમજે છે, માને છે. અને જ્યાં સુધી આવા ગંદા રાજકારણના ગંદા આટાપાટા રમાતા રહેશે ત્યાં સુધી આ મુક્તકનો આ રણકાર રણક્યા કરશે! કવિના જીવન-દર્શનની જેમ કવિનું આંતરદર્શન પણ માણવા જેવું છે ‘સમજવું રિબાઈય તે'-નો ધ્રુવમંત્ર એમના જીવનમાં ને કવનમાં ગૂંથાઈ ગયેલો હતો. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧)થી ‘સપ્તપદી’ (૧૯૮૧)ના શબ્દ સાથે કવિ સતત વિકસતા રહ્યા છે, તે ‘વિશ્વમાનવી’ થવાની અભિલાષા સેવી રહ્યા છે. પણ અહીં સુધી પહોંચવું એટલે… આ લઘુકાવ્ય જુઓ:

લઢ્યો ઘણું, છેવટે મારી સાથે;
મળ્યું ન કો, આત્મ સમાન જે ન હોય.
ચાહ્યે ગયો વ્યક્તિ પૂંઠેની વ્યક્તિને.
પહોંચ્યો મુકામે, લઈ સ્કંધ થેલો,
થતો શરૂ ત્યાં જ નવો પ્રવાસ કો.

આ લઘુકાવ્યમાં સ્વગતોક્તિ રૂપે એક ઊર્મિલ વિચાર સુ(in)શ્લષ્ટ રૂપે ગૂંથાયો છે. માણસ અસંપ્રજ્ઞાતપણે અન્ય સાથે વૈચારિક મતભેદોથી સતત લડતો જ હોય છે. પણ એનો ઉકેલ ક્યાં? છેવટે થાકી-હારીને કવિ પોતાની જાત સાથે જ લડે છે. કેમકે આત્મસમાનવાળું કોઈ ન મળ્યું. છતાંય માણસમાત્રને કવિ ચાહ્યે ગયા. ને એમ જીવનવર્ષો વીત્યાં. એમ અંતિમ મુકામે (અનુભવોનો) થેલો ખભે નાખી પહોંચ્યા તો ખરા. કવિને લાગે છે કે આખા વિશ્વને બદલવું અશક્ય છે — આમાં One man's revolution જ વિકાસનો માર્ગ છે — આ સમજથી જ નવો પ્રયાસ આરંભાય છે. આમ, ગૂઢ રહસ્યવાદી સ્પર્શ પામેલા આ લઘુકાવ્યમાં મનુષ્યમાત્રની એકલયાત્રાનો સંદેશ છુપાયો છે. કોઈ વાદની કંઠી ન બાંધનાર છતાં જીવનમૂલ્યોના આગ્રહી ઉમાશંકરભાઈનાં આ મુક્તકો-લઘુકાવ્ય તેમને સંસ્કૃતિના પરિવ્રાજક તરીકે સ્થાપી દે છે. એમને મન સાહિત્ય એટલે સર્વશુભસુંદરનું સરિતપણું. એમના જન્મશતાબ્દી વર્ષમાં વિશ્વસંવાદના એ સાધક કવિને મારા હૃદયના શતશત વંદન.