ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ક્રૂઝેડ

ક્રૂઝેડ
(ક્રૂઝેડ કહો તો ક્રૂઝેડ, જેહાદ કહો તો જેહાદ)


[આ કાવ્યમાંથી અંશો]


I
પીટર

(પરંપરિત)
રોમની નગરી હતી ને ઈસુનો અગિયારમો સૈકો હતો
ઉગમણી બાજુથી એકાએક
પીટર નામનો કોઈ પ્રવાસી
આવીને ગરજ્યો,
‘રોમના રહેવાસીઓ!
પ્રભુના ધામ જેરૂસલામમાં વિધર્મીઓનું રાજ છે
આપણાવાળાઓને ખાવા પડે છે ખારા ખારા કોરડા,
નકોરડા!
મુક્તિ માટે બંધુઓ, નીકળી પડો!
ઈસુએ સંદેશ આપ્યો છે મને’

ટોળું તો પીટરની પૂંઠે પૂંઠે
‘જેરૂસલામ, જેરૂસલામ...’
કરતું કરતું
પેઠું પોપના દરબારમાં

*

VI
સેનાધિપતિ

(વિષમ હરિગીત - ઓગણીસ માત્રાનો)

ગાજતી ને ગજવતી નીકળે નદી
એમ જેરૂસલામ જાવા નીકળી
ઈસુની અગિયારમી આખી સદી

કેવા કેવા ધર્મયોદ્ધા? શું કહું?
અજડ ને અલમસ્ત, જબરા જોરકસ
લઠ્ઠ ને લડધા વળી બળિયા બહુ
ટેકવાળા ટસ નહીં થાવું કે મસ

શ્રાન્તિને આપે ન મૃત્યુને મચક
આવા ડાલામથ્થાઓને મોખરે
કોણ સેનાધિપતિ થઈ સંચરે?
એક તો બકરી અને બીજું બતક!૧
[૧. ટોળાને મોખરે હતાં બતક અને બકરી, જેમનામાં દેવતાઈ શક્તિનો સંચાર હોવાનું મનાતું.(‘ધ ડિક્લાઈન ઍન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયર, ગિબન)]

*

X
કૉન્સ્ટન્ટિનોપલ
(વિષમ હરિગીત)

લૉંઠકા લ્યુસર્ન, લક્ઝેમબર્ગના
ફાંકડા ને ફૂટડા ફ્લૉરેન્સના
યૉર્કના યુવા વળી યુુયુત્સુઓ
મહાનગરમાં મહાલવાને નીકળ્યા

આમ જોતાં જાય જોતાં તેમ પણ

ચોંકીને જોયું તો ચાચર ચોકમાં
ચાર અશ્વો, ફેંકતા-ફંગોળતા
ઊછળી-ઊછળીને જાણે પૂછતા
શિલ્પીને, કે છૂટવું તો છૂટવું
શી રીતે કાંસાના કારાગારથી?

સાંભળ્યું છે નામ હર્ક્યુલીસનું?
એ જ હર્ક્યુલીસ જેણે ત્રાહિમામ્
ત્રણ મસ્તકવાળા નરકાસુરને
નાથ્યો હતો, ને તેય નકરા હાથથી!
બેળેબેળે આંચકી આણ્યા હતા
અગ્નિમુખ અશ્વોને, આદમખોરને
ડાયોમિડિસની પાસથી!

હસતાં હસતાં હેઠે ઉતાર્યું હતું
સૌરમંડળ, સ્કંધથી એટલાસના!
ઝીયુસે, કહે છે, પુરાતન કાળમાં
આપેલી તેને અમરતા. લિસિપસ,
શ્રેષ્ઠ જે શિલ્પી સિકંદરનો હતો,
ટેરવે તોળીને તેણે ટાંકણું,
આપેલું અમરત્વ બીજી વારનું,
હર્ક્યુલીસને. પેખી તેની પણ પ્રતિમા
આ તો રોમ્યુલસ, રચયિતા રોમનો,
સાથે રેમસ, બંધુબાળકબેલડી
ધાવતી માદા વરુને – કે પછી
ગ્રીસની સંસ્કૃતિને, અવાવરુને?

જોઈ લ્યો, સ્વાતંત્ર્યદેવી એથેના!
વામ હસ્તે, પાંખને ફફડાવતું
ચાંચને ચમકાવતું
બાજ બેઠું, ભમરભાલો ભભૂકતો.
દક્ષિણે હસ્તે; કનકની કલગીઓ,
મુકુટ કેરી એવી તો ઉત્તુંગ કે
માલમો પણ મીટ માંડે મોજથી,
મહેરામણે

ચાંદીચર્ચિત ચર્ચ આ સોફાયાનું
દેવદૂતો ઊડતા ચારેતરફ
જાણે ઉપદેશો હવામાં આપતા
પુસ્તકાલયનાં પગથિયાંઓ દીઠાં
ઊંચાં ઊંચાં; હેતથી હિબ્રુ ઊભી
અઢેલી અરબીને

*

XIV
દોઢ પંક્તિનો ધર્મ

હાથમાં લૂલું લવારું લઈને
ભરવાડ પ્રવેશ્યો જેરૂસલામમાં
સાથીઓની નાગી તલવારો જોઈને
શરમાયો
ટીંબા ઉપર ચડીને બોલ્યો :

(અનુષ્ટુપ)
સામે સન્મુખ ઊભેલા બંધુને પ્રેમ ના કરે
પોથીમાંના પ્રભુને તે ક્યાંથી પ્રેમ કરી શકે?

વિશ્વના લોકની જેવી વર્તણૂક તને ગમે
વર્તજે એ રીતે વહાલા, ધર્મ આ દોઢ પંક્તિનો

ભાઈ તારો ભૂલેચૂકે નવ્વાણુ ભૂલ પણ કરે
ગાંઠની એક ઉમેરી, ક્ષમા સો વાર આપજે

રોજેરોજ જુએ ભૂલો અન્યોની રજ જેવડી
કે દા’ડે દેખશે તારી પોતાની ગજ જેવડી?’*

વારેવારે પુકારે છે : ધર્મનો મર્મ પ્રેમ છે
વારુ, તો કરમાં તારા કામઠું-તીર કેમ છે?
[*આધાર : જ્હૉન (બાઇબલ) ૪. ૨૦, મેથ્યુ ૭. ૧૨, મેથ્યુ ૧૮. ૨૨, મેથ્યુ ૭. ૩]

XV
એલી, એલી, લમા શબકથની*

ટીંબા ફરતે ટોળું ફરી વળ્યું
‘અવળચંડો!’
‘શયતાનની વાણી બોલે છે’
‘ઓળખ્યો? આ તો ઓલો ભરવાડ!’

‘મને નહોતો લેવા દેતો સોનામહોર!’
‘અરે, અસલના ક્રૉસનો ઠઠ્ઠો કરતો’તો!’
‘ચડાવી દો એને જ...’
‘ચડાવી દો... ચડાવી દો...’

પહેલો પહાણો માર્યો પાદરીએ
કોઈ લાવ્યું ક્રૉસ
મૂક્યો ભરવાડના સ્કંધ પર
પછી ‘ખોપરી’ નામની જગ્યાએ લઈ ચાલ્યા
હુરિયો બોલાવતાં
સીધે ચડાણે બેસી પડ્યો ભરવાડ
‘એલી, એલી, લમા શબકથની?’
કોઈ સ્ત્રીએ પાયો દ્રાક્ષાસવ, ખાટો

ભરવાડે મીઠી નજરે સૌને જોયાં
અને સ્કંધ પર ક્રૉસ લઈ, આગળ ચાલ્યો
ફરી એક વાર.

[* ‘પ્રભુ, મારા પ્રભુ, મને કેમ તરછોડી દીધો?’
– વધસ્તંભ પરથી ઈસુની ઉક્તિ.]

(૨૦૧૫)