ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/યુદ્ધ અને શાંતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યુદ્ધ અને શાંતિ
(‘વોર ઍન્ડ પીસ’ ભીંતચિત્ર, ૧૯૫૨-૫૬)

૧.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દાખલ થતાંની વેંત
જોશો તો બેય બાજુએ અતિકાય ભીંતચિત્ર!
અતિકાય યાને કેવડું? લો ટૂંકમાં કહું :
‘મોનાલિસા’ના સ્મિતથી યે સાતસો ગણું!
ચચ્ચાર વર્ષ રાતદિવસ ચાલ્યું ચિત્રકામ
બ્રાઝિલનો ચિત્રકાર હતો, પોર્ટિનારિ નામ

પ્રકૃતિ ને પ્રતિકૃતિ ચીતરી ચૂક્યો હતો
પણ નાનાં નાનાં ચિત્રથી નહોતો થતો ધરવ
આવો ને આવડો મળે અવસર કદી કદી
(કોપો નહીં તો ટાંકી લઉં હું ‘મરીઝ’નેે?
‘આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.’)

પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો

૨.
કલ્પ્યો વિષય, વહેંચી દીધો બે વિભાગમાં
રાખ્યું છે ‘યુદ્ધ’ નામ પ્રથમ ભીંતચિત્રનું

ભૂરુંભડાક ભાસતું, જો જામલીચટાક
છંટાયેલો નથી જ નથી રંગ રક્તનો
ઊંચા સ્વરે જે વાત કરે તે કળા નથી

સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી જ છે. પુરુષો કશે નથી
યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી
કુરુકુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસ?

કોઈ કરીને પીઠ ઊભી, કોઈ હસ્તથી
ઢાંકી રહી વદન, કોઈ તાકે છે આભમાં
મુખભાવ નારીવૃંદના કેવી રીતે કળાય?
ચીતરી નથી તે વેદના ચિતરાય ચિત્તમાં

‘પિયાટા’ નામે શિલ્પ તો જોયું હશે તમે
ખોળે લઈને ઈસુની નિશ્ચેષ્ટ કાયને
બેઠી છે એની માતૃકા, એક જ ફરક અહીં –
ખોળો છે, માતૃકા ય છે, બેટો કશે નથી.

૩.
ઓચિંતો રક્તસ્રાવ થયો પોર્ટિનારિને
ડૉક્ટર કહે કે રંગમાં સીસું છે ભારોભાર
વિષનો થશે વિકાર, વધુ ચીતરો નહીં

ઊંચું ય જોયા વિના કહ્યું પોર્ટિનારિએ,
‘આજે કહો છો : ચિત્ર ચીતરવાનું મૂકી દે
કાલે કહેશો : શ્વાસને લેવાનું મૂકી દે!’

૪.
‘શાંતિ’નું ભીંતચિત્ર પીળુંવાદળીધવલ
ડુંગર તળેની ખીણ મહીં વાંભુ નામે ગામ
રમતે ચડ્યાં છે બાલુડાં, ગમતે ચડ્યાં જુઓ
ના, સ્ત્રી નથી, પુરુષ નથી, કેવળ છે બાળકો
કિલકારતાં અશે કશે ઝૂલાની પાંખથી
લંબાવી પાય ઘાસમાં બેઠાં છે એક-બે
આનંદની ઉજાણી ચલે પુરબહારમાં
કન્યાને સ્ત્રી થવાની ઉતાવળ કશી નથી
ચીતરેલાં હોય બાળકે એવા આ બાળકો

આજે ય ચિત્ર ચિત્ત હરે આવનારનું,
કાચી વયે જ મૃત્યુ થયું ચિત્રકારનું.
આયુષ્ય અલ્પ કિંતુ કળા તો સુદીર્ઘ છે.

છંદવિધાન : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
જેમ કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’

(૨૦૨૧)