ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વળાંક

Revision as of 08:05, 13 April 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વળાંક

‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય. તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’

સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઈંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર

લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય

વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટીપતો કંસારો
જીભ કાઢતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ...ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
...વાતની શરૂઆત કોણ કરે?

સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે

(૨૦૦૭)