ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/નવલકથા

Revision as of 01:45, 3 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉપસંહાર: નવલકથા | }} {{Poem2Open}} ઉમાશંકરે જેમ નાટ્યક્ષેત્રે એક ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉપસંહાર: નવલકથા

ઉમાશંકરે જેમ નાટ્યક્ષેત્રે એક ‘અનાથ’ ત્રિઅંકી આપી એવા દીર્ઘ સાહિત્યપ્રકારમાં કામ કરવાનું છોડી દીધું તેમ કથાક્ષેત્રે પણ એક ‘પારકાં જણ્યાં’ નવલકથા આપી એવા દીર્ઘ સાહિત્યપ્રકારમાં કામ કરવાનું છોડી દીધું. ઉમાશંકરની સર્જનપ્રતિભા દીર્ઘ સાહિત્યપ્રકારોમાં સ્થિર એકાગ્રતા સાધી શકી નથી એમ લાગે છે. મહાકાવ્ય, મહાનવલ કે મહાનાટકની જેમની પાસે આશા રાખવાનું મન થાય એવા એ લેખક હતા; પરંતુ ખરેખર એવું કશું એ આપી શકે એ પહેલાં તેઓ વિદાય થયા. ઉમાશંકરનો જીવનમાંનાં ‘મહાન’ એવાં કેટલાંક તત્ત્વો સાથેનો સંબંધ ‘પારકા જણ્યાં’માં સૂચવાય છે, છતાં એ મહાન કૃતિ તો ન જ થઈ. એક ‘ઍપિકનેસ’ એના રચનાસંવિધાનમાં – એની સંકલ્પનામાં વરતાય ને છતાં ‘ઍપિક’ નથી. જેમ ‘અનાથ’નું થયું એમ ‘પારકાં જણ્યાં’નું. એ ઉમાશંકર માટે ‘પારકા જણ્યા’ જેવી લેખાઈ ! આ નવલકથામાં સ્નેહ અને મૃત્યુ, પુત્રૈષ્ણા ને મિત્રૈષણા – આ બધાં તત્ત્વોની એક ગંભીર મહત્ત્વાકાંક્ષીભરી સંયોજના છે. એ સંયોજના કલાપરિણતિ સુધી ન પહોંચી શકી એ એની નિષ્ફળતા. આમ છતાં ગુજરાતી નવલકથા-સાહિત્યના ઇતિહાસમાં મનોવૈજ્ઞાનિક નવલકથાનો વળાંક દાખવતી મજલથંભરૂપ કૃતિ તરીકે તેની ગણના થઈ છે.