ઉવેખાયેલી વાર્તાઓ/ઓટીવાળ

ઓટીવાળ

ધીરુ આમ તો બહુ ઝાઝું ટેનિસ ન રમે; પણ આજે મિસ અમીનના ખાસ આગ્રહને માન આપીને તેની સાથે બે સેટ વધારે રમ્યો. મિસ અમીને તો ત્રીજા સેટનો પણ આગ્રહ કર્યો અને ધીરુ રમવા પણ જતો હતો, ત્યાં ક્લબનો નોકર બેચર આવ્યો અને બોલ્યો: ‘ધીરુભાઈસા’બ, તમારો તાર આવ્યો છે.’ ધીરુ, ‘સૉરી મિસ અમીન, આઈ કાન્ટ’ કરીને કોટ કભે નાખી રૂમ તરફ જવા નીકળ્યો. રૂમ તરફ જતાં જતાં તેને અનેક કલ્પનાઓ આવી ગઈ. કોનો તાર હશે? શા માટેનો હશે? બાપુજીનો તો નહીં હોય? હા, એમનો જ હોવો જોઈએ, નહોતા કહેતા કે મુંબઈ જતી વખતે તને તાર કરીને સ્ટેશને બોલાવશું? આમ વિચાર કરતો કરતો એ રૂમ પર પહોંચ્યો, ઝટ ઝટ સહી કરી ન કરી, તારવાળા પાસેથી તાર લઈ, પરબીડિયું એક જ ઝાટકે આડું પાડી, તાર કાઢીને વાંચ્યો: Going Bombay – tonight – see station – Motibhai તરત ધીરુએ કાંડાઘડિયાળમાં જોયું. ‘ઓહ! પોણા આઠ! આઠ ને વીસે તો મેલ પ્લૅટફૉર્મમાં દાખલ થાય છે. હરામખોર તારખાતું પણ બપોરનો મૂકેલો તાર સાંજે પહોંચાડે છે.’ ટપાલખાતાને ગાળો ભાંડતાં ભાંડતાં તેણે ટેનિસ કોર્ટના કપડાં ઉતારીને ખાટલા ઉપર ઢગલો કર્યો અને હાથમાં સાબુદાની લઈ, કમ્મરે ટુવાલ વીંટી, પગમાં લાકડાની ચાખડી પહેરીને પટાક પટાક કરતો નાહવાની ઓરડી તરફ ઊપડ્યો. તેના સાથીદારે કહ્યું: ‘મિસ્ટર દેસાઈ, જરા મેઇક હેઈસ્ટ, બહુ ટાઈમ નથી. કદાચ પહોંચી નહીં શકો.’ ‘પણ નાહ્યા વગર તે ચાલે? ચાર સેટ રમ્યો છું તે પરસેવાથી તો નીતરી રહ્યો છું. આઠની બસ પકડું, તો પણ સવા આઠે તો સ્ટેશનમાં નાખી દે. અને મેલ તો આઠ ને વીસે આવે છે.’ કહી, એ નાહવા ગયો. પાંચ જ મિનિટમાં એ નાહીને આવ્યો. ઝટપટ કપડાં પહેરી ક્લબમાં જમવા જવા નીકળ્યો. ફરી તેના સાથીએ કહ્યું: મેઈક હેઈસ્ટ હોં કે? પાછું બસમાં જવાનું છે. એનું કાંઈ નક્કી નહીં.’ ‘અરે, ત્રણ પૂરી પર ચોથી ખાવી છે જ કોને? ત્રણ જ મિનિટનું કામ.’ કહી એ ચાલતો થયો. સાચે જ, પાંચ મિનિટમાં તો એ લુસપુસ ખાઈને રૂમમાં આવી ગયો. બીજી બે મિનિટમાં કોટ ચડાવી લીધો અને વાળ ઓળી લીધા. પગમાં ચંપલ ઘાલીને ઘડિયાળમાં જોતો એ સામેના રસ્તા પરના બસ-સ્ટૅન્ડ ઉપર જઈ ઊભો. સ્ટૅન્ડ ઉપર જઈને ઘડિયાળમાં જોતાં મનમાં બોલ્યો: ‘હજી તો ઇનફ ટાઈમ છે, આપણા લોકોને ટ્રેન હજી તો ચોથે સ્ટેશને પણ ન આવી ત્યારથી જઈને બેસવાની ટેવ છે.’ પછી બસની રાહ જોતાં જોતાં તેને અનેક વિચારો આવી ગયા: ‘ફાધર છે, અને તેમની સાથે મોટા બાપુજી પણ હશે. અને દાદીમા પણ ખરાં. એમની આંખનો મોતિયો ઉતરાવવો છે એમ ફાધર વાત કરતા હતા. બિચારાં દાદીમા! કેવાં પ્રેમાળ છે! મને અને મારા છત્રીસ ઈંચ પહોળા પાયજામાને જોઈને કકળી ઊઠતાં અને મજાકમાં કહેતાં: ‘આવા લેંઘા કરતાં તો બાયડીઓના ઘાઘરા પહેરો ઘાઘરા!’ અને મારા શર્ટના ઊંધા કોલરને ઝાલીને બોલતાં: ‘કૂતરાને માથા ઉપર કાન હોય છે અને તમને ભણેલાઓને ડોકે ઊગ્યા છે!’ અને શેરીમાં જતી વખતે ભૂલેચૂકે પણ માથે ટોપી મૂકતાં ભૂલ્યો, તો એ ઊધડો લેવાનાં: ‘ભણેલા એટલા ઓટીવાળ!’ ધીરુ આમ મનમાં દાદીમાની મીઠી મજાકથી બ્હીતો બસની પ્રતીક્ષા કરતો હતો, ત્યાં ઉઘાડે માથેની વાત આવતાં તેને ઓચીંતું યાદ આવ્યું: ‘અરે! અત્યારે આમ સાવ ઉઘાડે માથે જઈશ? ફાધર, મોટા બાપુજી, દાદીમા સૌની વચ્ચે આ વેષે જઈને ઊભો રહીશ? ચાલ, ટોપી પહેરી લઉં? સહુને સારું લાગશે. મોટેરાંઓ પાસે જરા મોભાસર અને વિનયશીલ દેખાવ લાગે. પણ ટોપી તો છેક બેગને તળિયે પડી છે. ગામડેથી નીકળતી વખતે ભાગોળ સુધી પહેરેલી, તે એ ટોપી વેકેશને જશું અને ભાગોળ આવશે એટલે પહેરી લઈશું. અત્યારે કોણ બેગનું તળિયું ફેંદવા જાય?’ આમ વિચાર કરતાં કરતાં એની દૃષ્ટિ તો બસ આવવાની દિશા તરફ જ હતી. મનમાં કીધું: ‘સા... બસવાળાઓ પણ ખરે વખતે જ મોડા આવશે.’ પછી કોઈ કાવ્યની લીટી ગણગણ્યો: ‘ન માગે દોડતી આવે.’ ફરી તેના વિચારો મૂળ મુદ્દા ઉપર આવ્યા: ‘ઉઘાડે માથે જ જઈશ? ચાલની અર્ધો કલાક માથે ટોપી નાખી લઈએ. વડીલોની હાજરીમાં એટલું સારું લાગે. બસનો હજી અવાજ પણ નથી સંભળાતો. આવશે આવશે ત્યાં બેચાર મિનિટ તો લાગશે જ અને કાઢતાં તે કેટલી વાર? બેગ ઉઘાડી, તળિયેથી ખેંચીને જ પાછો આવીશ. તાળું આવીને વાસીશ. આમ કહીને એ દોડતો સામે રૂમ પર ગયો.’ સહુએ પૂછ્યું: ‘કેમ મિ. દેસાઈ?’ ‘એ તો જરા ટોપી લેવા આવ્યો છું. બસ આવે તો બૂમ મારજો,’ ધીરુ શ્વાસભર્યો આવીને ટોપી શોધવા લાગ્યો. ‘અરે બસ આવી! આવી!! આવી!!! દેસાઈ, જાવ, કૅચ ઈટ.’ બહાર સહુએ બૂમાબૂમ કરી મૂકી. ધીરુએ ટોપી ખેંચીને પાછળ જોયા વિના જ દોટ મૂકી. પાછળ બેગનું ઢાંકણું ધડ કરીને પછડાયું પણ એ સાંભળવા જેટલો એ નજીક રહ્યો નહોતો. ‘એ આસ્તે! આસ્તે!’ ધીરુએ બધું બળ એકઠું કરીને બૂમ મારી. પણ ઈથરનાં મોજાં એ ‘આસ્તે આસ્તે’ને ઉપાડી, કંડક્ટરના કાનમાં પહોંચાડે,એ પહેલાં તો કંડકટરે યંત્રવત્ ઘંટડીની દોરી ખેંચી દીધી હતી અને ટન અવાજ સાથે ઘુરૂરૂરૂ કરતી બસ ઊપડી. અને ધીરુ સ્ટૅન્ડ ઉપર પહોંચ્યો.દોડી જતી બસનું દર્શન થઈ શક્યું ત્યાં સુધી એ એને જોઈ જ રહ્યો. એ દેખાતી બંધ થઈ એટલે દૃષ્ટિ પાછી વાળી લીધી. એના પગ જાણે કે ભાંગી ગયા અને હૃદય પણ. ઘડિયાળમાં આઠ ને દસ થઈ હતી. દસ જ મિનિટની વાર? હતાશ થઈને રૂમ પર આવ્યો. કોઈની સાઇકલ મળે તો તે ઉપર પણ જઈ શકાય એમ ધારી સાઈકલની તપાસ કરવા માંડી. ‘ભટ્ટ, તમારી બાઇક છે કે?’ ‘એ તો શિવાભાઈ પિક્ચર જોવા ગયા છે તે લઈ ગયા છે.’ તેણે બીજાને પૂછ્યું. ‘મિ. દાંતવાલા, તમારી બાઇક જરા આપશો?’ ‘અરે બેચરને રેસ્ટોરાંમાં સિગાર લેવા મોકલ્યો હતો, તે આગલા વ્હીલમાં પંચર પાડી આવ્યો છે.’ હવે શું કરવું એ જ ધીરુને ન સમજાયું. બરોબર દોઢ ગાઉ દૂરના સ્ટેશને પહોંચતાં, ગમે તેટલી ઝડપથી ચાલતાં પણ સહેજે પાંત્રીસ-ચાળીસ મિનિટ તો થઈ જ જાય. એટલા વખતમાં તો મેલ આવીને ઊપડી પણ ગયો હોય અને ઘોડાગાડીઓ તો એવી જગ્યાએ ઊભે છે, કે લેવા જતાં જ એક કલાક ચાલ્યો જાય. ‘એક બસ આવી હતી તેમાં શા માટે ન બેઠા?’ સહુ ધીરુને ઠપકો આપવા લાગ્યા. ‘બેગમાંથી ટોપી લેવા આવ્યો હતો ને?’ ‘પણ ટોપી લેવાનું કામ વધારે અર્જન્ટ હતું કે બસ પકડવાનું?’ ‘પણ મને એમ કે ટોપી પહેરીને જાઉં તો જરા સારું લાગે.’ ‘જોઈ લેજો વડીલો પ્રત્યેની આમન્યા! આનું નામ છોકરા!’ એક જણે વ્યંગમાં કહ્યું. ‘અરે ભલા માણસ, ખરે ટાંકણે જ ટોપી પહેવાનું સૂઝી આવ્યું? એમ હતું તો રસ્તામાંથી બાય કરી લેવી હતી. બસ તો મિસ ન થાત!’ રાંડ્યા પછીનું ડહાપણ વપરાવા લાગ્યું. ધીરુ અફસોસભર્યો ઓરડીમાં આવ્યો અને કપડાં પણ બદલ્યા વિના ખાટલા ઉપર લાંબો થઈને પડ્યો. બહાર ઊભેલાઓએ વાતોનો વિષય ન મળવાથી બસવાળાઓની ખબર લેવી શરૂ કરી. ‘બે બસ વચ્ચે કેટલીક વખત અર્ધા કલાકથી પણ વધારે ઇન્ટરવલ હોય છે. એની સામે આપણે કંઇક કરવું જોઈએ.’ ‘ઑફ કોર્સ, કોઈ વખત અર્જન્ટ કામ હોય ત્યારે રખડાવી મારે છે.’ ‘અરે ભાઈ, એ તો બિચારા કાંઈ નથી રખડાવી મારતા, તમે ટોપી લેવા ચાલ્યા જાવ, અને હાથે કરીને રખડી પડો એમાં કોઈ શું કરે?’ ‘હા! હા! એ તો વડીલભક્તિ કહેવાય.’ ‘હા! હા! એનું નામ જ દીકરા!’ કોઈ કવિએ પ્રાસ મેળવી આપ્યો: ‘અને બાકીનાં બધાં ફૂટેલ હાંલ્લાનાં ઠીકરાં!’ ‘હા! હા! હા! હા!’ ધીરુ ખાટલામાં પડ્યો પડ્યો આ બધું મૂંગે મોંએ સાંભળી રહ્યો. એનું મન અત્યારે ચગડોળે ચડ્યું હતું. એમ થતું હતું: ‘ટોપી લેવા ન આવ્યો હોત અને બસમાં બેસી ગયો હોત તો સારું થાત. સહુને મળી તો શકાત. હવે તો એ સહુ કોણ જાણે શું ધારશે?’ કહેશે કે. ‘ભાઈસા’બ ભણીને કોણ જાણે શું ઢાલો ઢોળી દીએ છે, તે સ્ટેશને મળવા આવવાનું પણ નથી બની શકતું.’ વળી ઘડીકમાં વિચાર બદલતો: પણ આમાં મારો શું વાંક? મેં તો ઊલટાનું સારા માટે કર્યું હતું. સાવ ઉઘાડે માથે, પટિયાં પાડીને ત્યાં મોટાઓ આગળ ઊભો રહું, તો ઓટીવાળ જ કહે ને? મુરબ્બીઓની હાજરીમાં એટલો શિષ્ટાચાર તો સાચવવો જ જોઈએ ને? બાકી અહીં તો પછી ત્રીસે રોજ ઉઘાડે માથે જ રખડવું છે ને? આમ ક્યાંય સુધી મન સાથે સુલેહસંધિઓ કરી અને તોડી. ફરી નવી રચી અને તોડી. આખરે એણે સમાધાન ગોત્યું: કંઈ નહીં, ભલે બસ ચૂકી ગયો. આપણે સારા હેતુથી જ કર્યું છે ને? આખા ડબાના માણસો વચ્ચે છાકટાની જેમ ઉઘાડે માથે જઈને ઊભા રહીએ તો સહુનો કેવો અભિપ્રાય બંધાય? છો ન જઈ શક્યો, ઓટીવાળ કહેવામાંથી તો બચી ગયો!’ આમ નિરાંત અનુભવાતાં, તેની આંખો મળી ગઈ. બીજે દિવસે તેણે પિતાશ્રીને વિગતવાર પત્ર લખ્યો. કમનસીબે, જમવાને વખતે જ ટપાલી એ પત્ર આપી ગયો. ધીરુના પિતાશ્રીએ ઘરમાં સહુ સાંભળે એમ મોટેથી વાંચ્યો: અમદાવાદ, તા. ૨૮, શનિવાર પૂજ્ય પિતાશ્રીની સેવામાં, ‘જત લખવાનું જે તમારો બપોરનો મૂકેલ તાર અહીં સાંજે સાત ને પિસ્તાળીએ મળ્યો. હું ટેનિસ કોર્ટ ઉપર હતો ત્યાં ક્લબનો નોકર બોલાવવા આવ્યો. જઈને મેં તાર વાંચ્યો અને ઝટપટ નાહી, જમી પરવારીને બસની જગ્યાએ જઈને ઊભો પણ ઉતાવળમાં ટોપી પહેરવી રહી ગઈ હતી, તે સાંભરતાં દોડતો રૂમમાં ટોપી લેવા આવ્યો. પાછળથી બસ આવીને ચાલી ગઈ. ચાલીને સ્ટેશને પહોંચવાનો તે સમય નહોતો. ઘોડાગાડી નજીકમાં મળે તેમ નહોતું. કમભાગ્યે હૉસ્ટેલમાં બે સાઇકલો હતી તે પણ કામ ન આવી શકી. પરિણામે હું સ્ટેશને ન આવી શક્યો.’ પિતાશ્રી પત્ર જેમ જેમ વાંચતા જતા હતા, એમ સહુના મોં ઉપર ભાવ બદલાતા જતા હતા. કૉલેજમાં ભણવાવાળાઓ પ્રત્યે સહુના મનમાં પૂર્વગ્રહો તો હતા જ. આ પત્રે એની પ્રતીતિ કરાવી. પત્ર એક કોર મૂકી, સહુ પોતપોતાના અભિપ્રાયો આપવા લાગ્યા: ‘આખો દિવસ ટેનિસ જ રમે છે?’ ‘અને ટોપી વિના તો સ્ટેશને અવાતું જ નહીં હોય?’ ‘બસ તો કાલ સવારની થઈ છે, આટલા દિવસ ક્યાં હતી?’ આમ સહુ જેમ ફાવે તેમ ટીકા કરવા લાગ્યાં; પણ જમવાનો વખત થઈ ગયો હોવાથી નછૂટકે સર્વાનુમતે એક જ વાક્યથી એ ટીકાપુરાણની પૂર્ણાહુતિ કરવી પડી: ‘ભણેલા એટલા બધાય ઓટીવાળ.’ (આ વાર્તા ડિસેમ્બર, ૧૯૪૧માં પ્રગટ થઈ હતી.)