ઉવેખાયેલી વાર્તાઓ/ભાયખળા બ્રિજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાયખળા બ્રિજ

ડેપોમાંથી કિચૂડ કિચૂડ અવાજ કરતી ડબલડેકર બસ બહાર નીકળી અને એના આરંભિક સ્ટેશન કોલાબા પર આવી ઊભી. વહેલી પરોઢે શરૂ થનારી આ પહેલી જ બસ હોવાથી બહુ ઝાઝા પેસેન્જરો નહોતા. એક સ્ત્રી, એક પુરુષ અને એક કિશોર ક્યારનાં રાહ જોતાં, શેડ તળે ઊભેલાં. એમણે કશીય ઉતાવળ કે જરાયે ઉચાટ વિના સુસ્તીભર્યાં પગલે બસના ફૂટબૉર્ડનું આરોહણ કર્યું અને ખાલીખમ બસને જુદે જુદે ત્રણ ખૂણે પોતપોતાની જગ્યા લઈ લીધી. આ ત્રણ ઉતારુઓની બસમાં બેસવાની આ યંત્રવત્ થતી ક્રિયા આજે નવીનવાઈની નહોતી. આ તો એમનો રોજિંદો કાર્યક્રમ હતો. નર્યા અકસ્માતથી જ આ ત્રણેય જીવો આ એક જ બસ-રૂટ માટે આ એક જ વાહનમાં બેસીને પોતપોતાના મુકામ ભણી મજલ ખેડતા. નર્યું આકસ્મિક ગણાય એવું આ મિલન એવું તો નિયમિત બની ગયેલું કે રફતે રફતે એમાંથી અકસ્માતનું તત્ત્વ ઓસરી ગયેલું અને કોઈક પૂર્વયોજિત ઘટના જેવું એ બની રહેલું. એ ટર્મિનસ નજીક ફરજ પર ખડો રહેતો પોલીસ કોન્સ્ટેબલ પણ આ ત્રિપુટીથી પરિચિત થઈ ગયેલો. સવારની વહેલી પાળીવાળા બસ-કંડકટરો પણ આ પ્રવાસીઓને જાણે જુગજૂની પિછાણ હોય એમ ઓળખતા થઈ ગયેલા અને સાવ અલાયદી કૅબિનમાં બેસીને પ્રવાસીઓ ભણી પીઠ ધરીને જ વાહન હાંકવા બંધાયેલા કેટલાક બસ-ડ્રાઇવરો પણ લાંબા અનુભવે આ રોજિંદા ઉતારુઓના અણસાર યાદ રાખતા થઈ ગયેલા. સુસ્ત પગલે ને સુસ્તીભરી આંખે આ ઉતારુઓ પોતપોતાની રોજની આદત મુજબ, પોતે જ નિયત કરેલી બેઠકો પર ગોઠવાઈને બસ ઊપડવા માટેની કંટકટરની ઘંટડીની પ્રતીક્ષા કરવા લાગ્યા. કંટ્રોલ કૅબિનમાંથી ‘સ્ટાર્ટ’ની સંજ્ઞા સૂચવતી સિસોટી વાગવાને હજી થોડીક મિનિટ અને માથે થોડી સેકંડની વાર હતી. એ દરમિયાન કંડકટરે એક લાંબું બગાસું ખાઈ લીધું અને ડ્રાઇવરે એક સિગારેટનો દમ ખેંચી કાઢ્યો. પ્રવાસી-ત્રિપુટીને બીજું કશું ન સૂઝતાં, બસમાં બન્ને બાજુએ તથા નજર સન્મુખ ટિંગાતાં જાહેરખબરોનાં પાટિયાં પર નજર ફેરવવા માંડી. એ જાહેરાતોમાં પણ કશું જ નવીન નહોતું. અમુક માર્કાની ટૂથ-પેસ્ટ તમે નહીં વાપરો તો તમારા દાંત સડી જશે અને એમાંથી શરીર આખું રોગિષ્ઠ થઈને ખતમ થઈ જશે એવી ધમકી આપવામાં આવી હતી. બીજા એક પાટિયામાં મુંબઈના એક છબીઘરમાં ચાલતી ફિલ્મની જાહેરાત હતી. એની તારિકાનાં ઘાટીલાં અંગોને ઉઠાવ આપીને એ જાહેરાતને સચિત્ર બનાવવામાં આવી હતી. અને નીચે મોટા અક્ષરે બોલપટનું નામ છપવામાં આવ્યું હતું: ‘જવાની કા નશા.’ પેલી સ્ત્રીએ આ જાહેરાત નિહાળીને ઉપહાસભર્યું આછું ફિક્કું સ્મિત વેર્યું. એ સ્મિત જાણે પેલી છાપેલી સુંદરીને કહી રહ્યું હતું: જોયો તારો ઠસ્સો! બધીયે કરામત હું કરી ચૂકી છું. એ જાહેરાતોનાં સાઇનબૉર્ડમાં એક નાણાંબચત માટે અનુરોધ કરતું લખાણ પણ હતું, ‘નાની બચત’ વડે તમે રાષ્ટ્રના નવનિર્માણમાં તમારો ફાળો આપી રહો એવો નમ્ર આદેશ વંચાતો હતો. એ નાણાંબચત સાથે પણ આ પ્રવાસી-ત્રિપુટીને કશી નિસબત નહોતી; કેમ કે ત્રણમાંથી એકેયને કશું બેંકબેલેન્સ નહોતું, એટલું જ નહીં એમના ગજવામાં પણ થોડી મામૂલી રકમ સિવાય વધારે ભાર રહેતો નહોતો. પરિણામે એ નાણાંબચતનો અનુરોધ આ ત્રિપુટી માટે તો તદ્દન બેકાર હતો. ઉપરાંત, શક્તિની દવાની જાહેરાતમાંનું સ્નાયુબદ્ધ પહેલવાનનું ચિત્ર પણ આ પ્રવાસીઓનો ઉપહાસ જ કરી રહ્યું હતું. કન્ટ્રોલ કૅબિનમાંથી ‘ગાડી છોડો!’ સૂચવતી સિસોટી વાગી અને કંડકટરે આદત મુજબ દોરી ખેંચીને ઘંટડી વગાડી. ડ્રાઇવરે એંજિન શરૂ કરવા એકબે ચાંપ દાબી અને ખેંચી. અંદર ઊંડે ઊંડેથી દબાયેલ ઘરઘરાટી સંભળાઈ, અને એકાએક બંધ થઈ ગઈ. ફરી ચાંપ ખેંચી, ફરી એ અવાજ ઊઠ્યો અને શમી ગયો. આવો ખડખડપંચમ જેવો ખટારો પોતાને સોંપવા બદલ ડ્રાઇવરે પંજાબી માતૃભાષામાં કચવાટભર્યો ગણગણાટ કર્યો. કંડકટરે પણ આ વિલંબ બદલ અર્ધ મરાઠી, અર્ધકાનડી બોલીમાં પોતાનો રંજ વ્યક્ત કર્યો. આવું ‘સિક’ વાહન શા માટે હજી ખેંચાવે છે એ અંગે સંચાલકોને પણ એણે ભાંડી નાખ્યા. દરમિયાન ડ્રાઇવરે યંત્ર ખોલી નખ્યું અને એમાં ક્યાં ખોટકો છે એની તપાસ શરૂ કરી. એંજિન સુધી પેટ્રોલ પહોંચતું નથી એમ જણાતાં ફરી એણે આવા ઘસાઈ ગયેલા વાહન ઉપર ખીજ ઠાલવતાં ઠાલવતાં એની મરામત શરૂ કરી. ત્રણેય ઉતારુઓ વિલંબથી ત્રાસી ગયા. આમેય એ થાક્યાપાક્યા તો હતા જ, એમાં વળી આખીય રાતના ઉજાગરાથી એમની આંખમાં ઊંઘ ઘેરાતી હતી; તેથી ઝટપટ પોતપોતાને મુકામે પહોંચી જઈને થોડો આરામ, થોડી આસાએશ, થોડો કરાર તેઓ ઝંખી રહ્યા હતા, એવામાં જ આ યંત્રના બગાડાએ એમની ધીરજની કસોટી કરવા માંડી. રખેને વાહનમાંથી ઊતરીને ખુદ વાહનને ધક્કા મારવા પડે, એવા ભયથી તેઓ આ પછીની બીજી બસ પકડવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યાં જ પેલું હઠીલું યંત્ર આખરે ચાલુ થયું અને એક જોસભેર ઘરઘરાટી ગુંજી ઊઠતાં, ખખડી ગયેલી એ આખીય બસ પણ આછી ધ્રુજારીએ ધ્રૂજી ઊઠી. આનંદસૂચક ઉદ્ગારો વડે ડ્રાઇવર ઠેક મારીને પોતાની બેઠક પર ચડી ગયો. કંડકટરે પણ છુટકારાનો દમ ખેંચતાં ફરી વાર હર્ષસૂચક ઘંટડી વગાડી, અને બ્રેક છૂટતાં આ તોતિંગ વાહન મંથર ગતિએ આગળ વધતાં ઉતારુઓએ પણ રાહત અનુભવી. વાહન મંથર ગતિએ ચાલતું હોવા છતાંય એનું એકેએક અંગ હચમચી રહ્યું હતું. ટાઢિયા તાવની અસહાય ધ્રુજારીથી કંપી રહેલ કોઈ માયકાંગલી કાયા જેવી એની સ્થિતિ હતી. વાહન યંત્રચાલિત હોવા છતાંયે અતિવપરાશે અશક્ત થઈ ગયું હતું. એના યંત્રમાં જ નહીં, અંગેઅંગમાં હઠીલી ધાંસણી જેવો ઘસારો લાગી ચૂક્યો હતો. એ જડ પદાર્થ સાંધેસાંધામાં કચડ કચડ જેવા કર્કશ અવાજ સિવાય બીજું કશું બોલી-ઉચ્ચારી શકતો નહોતો. જડ વાહનનો એ વાચિક કકળાટ આ પ્રવાસી ત્રિપુટીની શારીરિક-માનસિક સ્થિતિ સાથે સારો મેળ સાધતો હતો. પ્રવાસીઓ સચેતન હોવા છતાંય મૂંગા હતા. એમનો ઘસારો અને એમની વેદનાઓ નિજનિજના નિસ્તેજ ચહેરાઓ ઉપર અંકિત થઈ ગયાં હતાં. કંડકટરે ત્રણેય પરિચિત પ્રવાસીઓને એમના અલગ અલગ મુકામ માટેની ટિકિટો કાઢી આપીને પૈસા ઉઘરાવી લીધા. એમને ક્યાં જવું છે, એ પૂછવાનીય હવે તો જરૂર નહોતી રહી. લગભગ બધા જ કંડકટરો એમને ઓળખાતા, એમને કેટલી લાંબી સફર ખેડવાની છે એ તેઓ જાણતા, અને તેથી જ વગર પૂછયે જ, ટિકિટ ‘પંચ’ કરીને એમના હાથમાં ધરી દેતા. ફાઉન્ટન પર થોભીને બસ આગળ ચાલી ત્યારે વળી ઉતારુઓએ વધારે આંચકા અનુભવ્યા. અહીંથી ચડેલા નવા ઉતારુઓ માટે આ અનુભવ નવો હતો, પણ પેલા ત્રણ રીઢા મુસાફરો માટે એમાં કશું નવું નહોતું. એમની જિંદગીની રફતાર આ ‘સિક’ વાહનની રફતાર સાથે મેળ સાધતી હતી. એમનો ઘસારો - તનનો તેમ જ મનનો - આ વાહનના ઘસારા જોડે સમકક્ષ હતો. પેલો કિશોર એક નાનકડી ફૅકટરીમાં રાતપાળીએ જતો. અખંડ ઉજાગરા એ એની જીવનશૈલી હતી. દિવસે એને રજા મળતી, પણ પોતે પરેલ પરની જે ચાલીમાં વસતો, ત્યાંની ખોલીમાંનો અને ખોલીની આસપાસનો ઘોંઘાટ એને દિવસ દરમિયાન કદીયે જંપવા ન દેતો; પરિણામે એનું શરીર કંતાતું ચાલેલું. અપૂરતો ખોરાક અને આરામના અભાવને કારણે એની શક્તિ ક્ષીણ થતી હતી. થોડા મહિનાથી એને જીર્ણ જ્વર લાગુ પડેલો અને તબીબી તપાસમાં આરંભમાં તો એના શરીરમાં ‘વિટામિન’નો અભાવ જણાયેલો, પણ પછીથી એના ડાબા ફેફસામાં ક્ષયરોગનાં જંતુઓની હાજરી પણ માલૂમ પડેલી. અત્યારે એ વારે વારે પેલા જાહેરખબરિયા પહેલવાનના ચિત્ર ઉપર નજર નાખીને આંખો ઢાળી દેતો હતો. એનો સહપ્રવાસી પેલો પ્રૌઢ ઉંમરનો પુરુષ એક અખબારનવીશ હતો. સમાચાર-સંપાદનની રાતપાળીમાં એ સતત ત્રણ દાયકાથી સેવા આપતો આવેલો. એની મુખ્ય કામગીરી પ્રૂફરીડરની હતી. એને પત્રકારત્વનો વ્યવસાય સદી ગયેલો એટલું જ નહીં, એ માટેની રાતપાળી પણ સદી ગયેલી, કેમ કે દિવસ દરમિયાન એ ટ્યૂશનો કરી શકતો. ટ્યૂશનો એને કરવાં જ પડતાં; કેમ કે બચરવાળ કુટુંબના નિભાવ માટે માસિક આવકમાં આ રીતે પૂર્તિ કર્યા વિના એને છૂટકો જ નહોતો. ત્રણ ત્રણ દાયકા સુધી એકધારી રાતપાળીમાં આ રીતે પ્રૂફરીડિંગ કર્યા કરવાનો ઘસારો એના શરીરમાં જ નહીં, એના પહેરવેશમાં પણ છતો થયે જતો હતો. કામકાજ વેળા મેજ ઉપર ટેકવાતી એની જમણી કોણી ખરેખર બહુ જ ઘસાતી હોવી જોઈએ, કેમ કે રાતપાળી વેળાનો એનો પંદર વરસનો જૂનો કાળો ડગલો વારે વારે કોણીએથી જ ફાટતો હતો. એની ઘરરખ્ખુ પત્ની વારંવાર એ જર્જરિત સ્થળે ટાંકા-ટેભા વડે થાગડથીગડ કર્યા કરતી હશે, એ તો, એ સ્થળે જામેલા બખિયાના થર ઉપર થર જ કહી આપતા હતા. થોડાં વર્ષથી તો, એ કોણી પાસેના મૂળ કાપડને બદલે ત્યાંનાં થીંગડાં જ ઘસાતાં રહ્યાં હતાં અને હવે તો એ થીંગડાં ઉપર નવાં થીંગડાં લગાવાતાં હતાં, અને એ પણ જ્યારે જર્જરિત થવાં લાગેલાં ત્યારે એણે તાજેતરમાં જ રફૂગરને રોકડો રૂપિયો આપીને એ ધાગાઓ ઉપર મજબૂત રફૂ કરાવેલું. સીધા સમાંતર મૂળ તાણાવાણા વચ્ચે રફૂગરે આંકેલા આ આડાઅવળા તાણાવાણા આ માણસના પોશાકમાં કોણી નજીક એક ગજબ વિચિત્ર અને અળખામણી ભાત ઉપસાવતા હતા, છતાં એ ઘસાઈ ચૂકેલો ડગલો ‘કન્ડમ’ કરીને કાઢી નાખવાનું એનું ગજું નહોતું. એ જરી ગયેલા ‘કોટ’ કરતાંય વધારે જર્જરિત તો હવે એની કાયાનું ખોળિયું થઈ ગયું હતું. ગીતાએ બોધેલા ઉપદેશ અનુસાર, એનો આત્મા આ જીર્ણશીર્ણ ખોળિયું ઉતારીને નવા ખોળિયામાં પ્રવેશ કરે તોયે એને નવો ડગલો તો કોઈ રીતે લાધે એમ જ નહોતો; કેમ કે એના ઘરખર્ચના માસિક અંદાજપત્રમાં એ અંગેની જોગવાઈ જ નહોતી. ત્રીજા સહપાન્થ તરીકે પ્રવાસ કરી રહેલી પેલી સ્ત્રીની સ્થિતિ વળી જુદી જ હતી. એનો પહેરવેશ ભભકાદાર હતો. એની કાયા કંગાલ હતી, પણ પહેરવેશમાં કંગાલ દેખાવાનું એને પોસાય એમ નહોતું, કારણ કે એ એંગ્લો ઇન્ડિયન રૂપજીવિની હતી. પોતાના રૂપ ઉપર જ એના રોટલાનો આધાર હતો. એને અફસોસ એટલો જ હતો કે આજે એ રૂપ અને યૌવન બધું જ ગુમાવી બેઠી હતી. ક્રૂર મહાકાળે એની કાયાનાં કામણ હરી લીધાં હતા. દોઢેક દાયકા પહેલાં, વિશ્વયુદ્ધ દરમિયાન એના જીવનની વસંત પુરબહારમાં જામેલી. એ વેળા આ સુંદરીની બોલબાલા હતી. આ જ લત્તામાં વિદેશી સોલ્જરો સામે ચાલીને એની રૂપજ્યોતમાં પતંગિયાંની જેમ કૂદી પડતા. આજે સ્થિતિ સાવ ઊલટી જ છે. આજે એના યૌવનની આગ ઠરી ગઈ છે. એણે સામે ચાલીને ગલીને નાકે ઊભવું પડે છે. કોઈક રાહદારી મારી સામે ભૂલેચૂકે પણ નજર નાખે એવી ઝંખનાથી એણે તરેહ તરેહનાં નખરાં કરવાં પડે છે. પોતાના કરમાયેલા કૃશ ચહેરાને લાલી વડે રંગવો પડે છે. ઊંડી ઊતરેલી નિસ્તેજ ને શૂન્ય આંખોને કૃત્રિમ રીતે ચમકીલી બનાવવી પડે છે. પોતાના હૃદયમાં જે ઉષ્માનો અંશ પણ નથી એના ઓઘેઓઘ ઠાલવવાનું નાટક ભજવવું પડે છે. રોજેરોજ આ નાટકની ભજવણી થાય છે. પોતાને ભાગે એમાં એક જ અદાકારી છે: પ્રેમિકાની. આ પાત્ર હવે એને ફાવતું પણ નથી. એનો અભિનય કઢંગો લાગે છે. અને છતાં રોજેરોજ એનું નીરસ, એકધારું, યંત્રવત્ પુનરાવર્તન કરવું પડે છે. એની કાયાને બેહદ થાક લાગ્યો છે. વીતેલાં વરસોનો સામટો થાક આજે એને હતપ્રાણ બનાવી રહેલ છે. છતાં હરરોજ સાંજે એણે સઘળા સાજસજાવટ સાથે આ લત્તામાં હાજર થઈ જવું પડે છે, સાંજથી સવાર... સાંજથી સવાર એ એની જિંદગીની દિનચર્યા છે. એનામાંથી શક્તિ અને સ્ફૂર્તિ ઓસરી ગયાં છે છતાં, સાંજથી સવારની આ ઘટમાળમાંથી એ મુક્ત નથી થઈ શકતી. આ વ્યવસાયમાંની કેટલીક આજકાલની તરુણીઓ એની મૂંગી હાંસી કરે છે, કોઈ કોઈ વાર તો મોટેથી ક્રૂર ઠઠ્ઠામશ્કરી પણ કરી લે છે, છતાં તે સઘળા ઉપહાસની હીણપતને એ હસતે મુખ ગળી જાય છે અને તરુણીઓ પ્રત્યે સ્વાનુભવપ્રેરિત અનુકમ્પાથી નિહાળીને મૂંગી નજરે કહી રહે છે: ‘મુજ વીતી તુજ વીતશે... ધીરી બાપુડિયાં...’ ક્રાફર્ડ માર્કેટથી પેલી બાજુએ પહોંચતાં બસનો ખખડાટ-ભભડાટ વધી ગયો. યંત્રમાં ફરી કશોક બગાડો થતો હોય એવું લાગ્યું. થોડી થોડી વારે આંચકા પણ લાગવા માંડ્યાં. એકબે વાર તો યંત્રમાં ધડાકા-ભડાકા જેવું પણ થયું. કોઈ જાણકારે કહ્યું કે પૅટ્રોલની ટાંકીમાં કચરો ભરાયો છે. કોઈએ અનુમાન કર્યું કે એ તેલમાં પાણીનો ભેગ હોવાને કારણે આમ બને છે. એક સરલ બુદ્ધિએ તો એવું સરલ તારતમ્ય કાઢ્યું કે બસમાં પેસેન્જરોની સંખ્યા વધી ગઈ હોવાથી એનો ભાર ખેંચી શકાતો નથી. સદ્ભાગ્યે ક્રાફર્ડ માર્કેટ પછી વાહન સરલ ગતિએ આગળ વધ્યું તેથી આ બધાં જ અનુમાનો ખોટાં ઠર્યાં. ઉપરાંત, પેલા ત્રણેય શ્રમજીવીઓની આજુબાજુની બેઠકો ઉપર તાજગીભર્યાં તરુણ-તરુણીઓ, શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ વગેરે ગોઠવાઈ ગયાં હોવાથી વાહનમાં ચેતનાનો સંચાર થયો હતો. મજલના આરંભમાં જે મૂંગી સ્તબ્ધતા હતી એને સ્થાને જીવનનો કિલકિલાટ સંભળાતો હતો. સહુ પ્રવાસીઓની આખરી મંજિલ તો આ વિશાળ ટાપુ પર વિવિધ સ્થળોએ પડી હતી. પણ અત્યારે આ યાંત્રિક વાહનમાં તેઓ સાત ડગલાંનું સખ્ય માણી રહ્યા હતા. પેલા ત્રણ શ્રમજીવીઓ આ સઘળી ચેતનાથી સાવ અલિપ્ત જ રહ્યા હતા. તેઓ પોતપોતાના ઉદરનિર્વાહની ચિંતામાં માનસિક રીતે એવા તો ગળાબૂડ હતાં કે ક્રાફર્ડ માર્કેટથી આવી ચડેલ ભૂલકાંના મસ્તી-તોફાન કે પેલા નાનકડા શિશુનો રુદનનાદ સાંભળવાની પણ એમને નવરાશ નહોતી. બસની બેઢંગી રફતારનો પણ એમને કશો રંજ નહોતો. મુશ્કેલીઓમાં જીવવાના લાંબા મહાવરાને કારણે આવી મામૂલી મુશ્કેલીઓ તો એમને મન કશી વિસાતમાં જ નહોતી. તેઓ આ વાહનમાં આનંદપર્યટને નહોતાં નીકળ્યાં. આ સફર તો એમના જીવનની રોજિંદી ઘટમાળનો જ એક ભાગ હતો. અને તેથી જ, તાબૂતની જેમ આમતેમ ડોલતી, અવારનવાર આંચકા આપતી અને મનસ્વી ઢબે આગળ વધતી બસ સામે એમને કશી રાવફરિયાદ નહોતી. એમને તો યેન કેન પ્રકારે પોતપોતાના મુકામે પહોંચી જઈને રાતભરના પરિશ્રમનો થાક ઉતારવાની, એક પ્રલંબ જીવન-મજલમાં ઘડીભર આરામ લેવાની જ ઝંખના હતી. એથી વધારે સગવડ કે સુખ એમણે કદી ઝંખ્યાં નહોતાં; કેમ કે તેઓ એવું ઝંખે તો પણ એમાંનું કશું સાંપડે એમ નહોતું. તેથી જ તેઓ અજબ આશુતોષ થઈને જીવતાં હતાં. ભાયખળા નજીક પહોંચતાં વાહનની ગતિમાં એકાએક ફેરફાર થઈ ગયો. રબરના ફુક્કામાંથી હવા સરી જતી હોય એવો એ અનુભવ હતો. બસનું ચાલકબળ ધીમે ધીમે ઓસરી ગયું. અત્યાર સુધીની ગતિના થોડાશા જોર ઉપર એ થોડાંક ફૂટ આગળ વધી પણ પુલનું સીધું ચઢાણ ચડી ન શકતાં એને પીછેહઠ કરવી પડી. સાવધ ડ્રાઇવરે સમયસર સજ્જડ બ્રેક દાબી દીધી અને કંડકટરે ઉતારુઓને આદેશ આપ્યો: ‘યહ બસ ખાલી કીજિયે.’ એંજિનમાં શક્તિ સીંચી રહેલો પૅટ્રોલનો પ્રાણપ્રવાહ એકાએક અટકી પડ્યો હતો અને હવે આ ઢાળ ચડવા માટે એંજિનની શક્તિ અપૂરતી સાબિત થઈ હતી. કોઈએ કહ્યું કે પૅટ્રોલનો પુરવઠો તો પૂરતો છે, પણ એંજિનમાં કશોક બગાડો થયો હોવાથી બસ પાછી ડેપોમાં મરામત માટે લઈ જવી પડશે. ‘પીછે દૂસરી બસ આયેગી, ઇસમેં જાઈએ’, કંડકટરે આદેશ આપ્યો, અને સાથે સધિયારારૂપે ઉમેર્યું: ‘યહી ટિકટ વો બસમેં ચલેગી.’ આ છેલ્લી સવલત સાંભળીને પેલાં ત્રણેય શ્રમજીવીઓએ સાંત્વન અનુભવ્યું. આપણે ખરચેલા ટિકિટના પૈસા છૂટી નથી પડ્યા, મજલ ભલે અંતરિયાળ અટકી પડી છતાં નવું વાહન આવતાં મંજિલે પહોંચી શકશું, એટલું આશ્વાસન છે. જૂની, ચોળાઈ ગયેલી ટિકિટને મોંઘાં જરઝવેરાતની જેમ જતનપૂર્વક હાથમાં ઝાલી રાખીને, ભાયખળા બ્રિજના બસસ્ટૅન્ડ ઉપર પેલી પ્રવાસી ત્રિપુટી નવી બસની પ્રતીક્ષા કરી રહી ત્યારે ઉગમણા આભમાં ઊગતા સૂરજની પ્રથમ કિરણ-ટશરો ફૂટવા લાગી.