ઋણાનુબંધ/જાપાનીઝ મેપલ છોડ અને હું

જાપાનીઝ મેપલ છોડ અને હું


ધરતીમાં
ઊંડાં ફેલાયેલાં
મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસશે…

એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?

મને મુંબઈ યાદ આવે છે.