એકતારો/મોરપીંછનાં મૂલ

Revision as of 13:07, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોરપીંછનાં મૂલ|}} <poem> આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે જી ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મોરપીંછનાં મૂલ


આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે
જી રે એક! રાવટી તાણી,
રાવટીમાં એણે રંગની લાખો પ્યાલીઓ આાણી રે
જી રે ભાઈ! કૂરડી આણી. ૧

આભને પાદર એક ચિતારે છૂબિયું માંડી રે
જી રે કાંઈ છૂબિયું માંડી,
છૂબિયુંમાં એણે છેલ છોગાળાં માનવી આલેખ્યાં રે
છોગાળાં! માનવી આલેખ્યાં. ર

આભને પાદર છેલછોગાળાંની ભીડ જામી ગૈ રે
જી રે ભાઈ! ભીડ જામી ગૈ,
ભીડમાંથી એણે તારવ્યાં નેણાં કામણગારાં રે
નેણાં કો’ક કામણગારાં ૩

આભને પાદર આપમોહ્યાં કૈંક દોડતાં ઘાયલ રે
જી રે ભાઈ! દોડતાં ઘાયલ,

ઘાયલો કેરા સાદ સુણી જાગી શેરીએ શેરી રે
જાગી કાંઈ શેરીએ શેરી. ૪

'આભને પાદર હીંડ ’લ્યા ગાયક!’ કોણ બોલાવે રે
જી રે મુને કોણ બોલાવે!
એ રે બોલાવણહારને એક સંદેશડો આપું રે
સાદો સંદેશડો આપું. ૫

આભને પાદર કેમ આવું! મારી શામળી સુરત રે
જી રે! મારી શામળી સુરત,
શામળાં કાળમુખાં કેરાં ચીતર ક્યાંય ભાળ્યાં છે રે
જી રે ભાઈ! ક્યાંય ભાળ્યાં છે? ૬

આભને પાદર રંગ–ચિતારાને આટલું કે'જો રે
જી રે ભાઈ! આટલું કે’જો,
આટલું કે મુંને ચીતરી આપે મોરનું પીંછું રે
નાનું એક મોરનું પીંછું. ૭

આભને પાદર ગોતજે રે વીરા! નેણલાં એવાં રે
ઘેરાં ઘેરાં નેણલાં એવાં,
આસમાની જેની મોરપીંછાને કાળજે ઓપે રે
પીંછાને કાળજે ઓપે. ૮

આભને પાદર તે દિ’ લાવું મારા એકતારાને રે
જી રે મારા એકતારાને,
એકતારા, કેરે છોગલે ભરજો મોરનું પીંછું રે
નાનું એક મોરનું પીંછું. ૯

આભને પાદર ગેબ ચિતારાને મૂલ ચુકાવું રે
બીજાં તે શું મૂલ ચુકાવું!
છોગલાળો મારો એકતારો ગાશે ગીત, હું નાચું રે
પાયે બાંધી ઘુઘરૂં નાચું. ૧૦