એકતારો/મોરપીંછનાં મૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોરપીંછનાં મૂલ


આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે
જી રે એક! રાવટી તાણી,
રાવટીમાં એણે રંગની લાખો પ્યાલીઓ આાણી રે
જી રે ભાઈ! કૂરડી આણી. ૧

આભને પાદર એક ચિતારે છૂબિયું માંડી રે
જી રે કાંઈ છૂબિયું માંડી,
છૂબિયુંમાં એણે છેલ છોગાળાં માનવી આલેખ્યાં રે
છોગાળાં! માનવી આલેખ્યાં. ર

આભને પાદર છેલછોગાળાંની ભીડ જામી ગૈ રે
જી રે ભાઈ! ભીડ જામી ગૈ,
ભીડમાંથી એણે તારવ્યાં નેણાં કામણગારાં રે
નેણાં કો’ક કામણગારાં ૩

આભને પાદર આપમોહ્યાં કૈંક દોડતાં ઘાયલ રે
જી રે ભાઈ! દોડતાં ઘાયલ,

ઘાયલો કેરા સાદ સુણી જાગી શેરીએ શેરી રે
જાગી કાંઈ શેરીએ શેરી. ૪

'આભને પાદર હીંડ ’લ્યા ગાયક!’ કોણ બોલાવે રે
જી રે મુને કોણ બોલાવે!
એ રે બોલાવણહારને એક સંદેશડો આપું રે
સાદો સંદેશડો આપું. ૫

આભને પાદર કેમ આવું! મારી શામળી સુરત રે
જી રે! મારી શામળી સુરત,
શામળાં કાળમુખાં કેરાં ચીતર ક્યાંય ભાળ્યાં છે રે
જી રે ભાઈ! ક્યાંય ભાળ્યાં છે? ૬

આભને પાદર રંગ–ચિતારાને આટલું કે'જો રે
જી રે ભાઈ! આટલું કે’જો,
આટલું કે મુંને ચીતરી આપે મોરનું પીંછું રે
નાનું એક મોરનું પીંછું. ૭

આભને પાદર ગોતજે રે વીરા! નેણલાં એવાં રે
ઘેરાં ઘેરાં નેણલાં એવાં,
આસમાની જેની મોરપીંછાને કાળજે ઓપે રે
પીંછાને કાળજે ઓપે. ૮

આભને પાદર તે દિ’ લાવું મારા એકતારાને રે
જી રે મારા એકતારાને,
એકતારા, કેરે છોગલે ભરજો મોરનું પીંછું રે
નાનું એક મોરનું પીંછું. ૯

આભને પાદર ગેબ ચિતારાને મૂલ ચુકાવું રે
બીજાં તે શું મૂલ ચુકાવું!
છોગલાળો મારો એકતારો ગાશે ગીત, હું નાચું રે
પાયે બાંધી ઘુઘરૂં નાચું. ૧૦