એકાંકી નાટકો/‘પિયો ગોરી’, (1946) વિશે — ઝવેરચંદ મેઘાણી

‘પિયો ગોરી’, (1946) વિશે — ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીની ‘સ્મૃતિ’ સને 1943માં એક વખત અમે રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયના છાપખાના સ્ટોર-રૂમ સાફસૂફ કરાવતા હતા. કોણ જાણે કેટલાં વર્ષોનો જમા થયેલો એ 2દ્દી કાગળોનો, જરીપુરાણી પસ્તીનો અને છૂટાછવાયા છાપેલ ફરમાનો બનેલો જથ્થાબંધ કુથ્થો હશે! મૅનેજરે આવીને મને એ કચરાપટ્ટીમાં ઊંડે દટાયેલ પડેલા એક ઢગલામાંથી આણેલ ફરમા બતાવ્યા. મથાળે નામ હતું ‘પિયો ગોરી!’ વાંચતાં જ મારી સ્મૃતિમાં સળવળાટ થયો. આ તો એકદા કોઈક હસ્તપ્રતમાં વાંચેલું છે એવા ભણકારા જાગ્યા. ફરમા વાંચતો ગયો તેમતેમ સ્મૃતિપટમાં સાફ અજવાળું પડ્યું. દસેક વર્ષો પૂર્વે એક નમણો સોહામણો, રેશમની પીળી કફની અને ખાદીના ધોતિયાવાળો કુમા2 મુંબઈમાં આવ્યો હતો, અમેરિકા ભણવા જઈ રહ્યો હતો, જતાં પહેલાં પોતાનું ‘મોરનાં ઈંડાં’ નામનું એક નાટક મને વંચાવતો હતો, અને એ નાટક મુંબઈમાં ભજવાવવું છે, એની અમુક પાત્રભૂમિકા તો તમારી પાસે જ કરાવવી છે’ એવું મને પ્રેમભેર પટાવી પોરસાવીને કહેતો હતો. પછી તો એને અમેરિકા ઊપડવાનું ધાર્યા કરતાં વહેલું થયું. ગિરગામ બેક રોડ પર આવેલા હિંદુ સ્ત્રીમંડળના હોલમાં મુંબઈના લેખકવૃંદ તરફથી અમે એને સુખપ્રયાણ ઇચ્છતાં નાનાંનાનાં પ્રવચનો કરેલાં. એક છાપખાનાના કુથ્થામાં પડીપડી નિસ્તેજ બની ગયેલાં એ લખાણોએ, દશ વર્ષોથી અદૃશ્ય બનેલ એના લેખક શ્રી. કૃષ્ણલાલ શ્રીધરાણીની આવી યાદ અપાવી. પોતાનાં બે-ત્રણ પુસ્તકોનાં પ્રકાશનો બાબત એમણે સૌરાષ્ટ્ર કાર્યાલય સાથે ગોઠવણ કરી હોવાનું પોતે મને કહ્યાનું પણ યાદ આવ્યું. પણ આ ‘પિયો ગોરી’ નામનો ત્રણ નાટકોનો સંગ્રહ અહીં ક્યારે છપાયેલો હતો, અપ્રકટ કાં પડી રહ્યો હતો, પસ્તીને હવાલે શાથી સોંપાઈ ગયો હતો, તેની કળ પડી નહિ. સૌરાષ્ટ્ર કાર્યાલયમાં સ્ટાફનું પરિવર્તન થઈ ગયું હતું. કોઈ ભાળ આપી ન શક્યું. ‘તો પછી આપણે આ અકબંધ તૈયાર પડેલ પુસ્તકને બહાર કાં ન પાડીએ?’ મૅનેજરના એ પ્રશ્નની સાથે જ મારી સામે એક બીજી આકૃતિ ખડી થઈ : નવ વર્ષ પૂર્વે મુંબઈમાં વિદાય દીધેલી એ જ નમણી મુખમુદ્રા તો ખરી, પણ કફની ધોતીને બદલે કોટ-પાટલૂન-કોલર-ટાઈનો કડકો સ્વાંગ, હાથમાં હોકલી, અગર મોંમાં સિગારેટ સાથે ટાઇપરાઇટર પર આંગળાં રમાડતો સ્ફૂર્તિમાન તથાપિ ચિંતનગંભીર જુવાન, પડખે પુસ્તકોની અભરાઈ, ને એવી એવી તસ્વીરોની નીચે મોટાં અંગ્રેજી અખબારોને પાને નામ લખેલું — ડોક્ટર કૃષ્ણલાલ શ્રીધરાણી : હિન્દી લેખક — ફિલસૂફ : ‘વોર્નીંગ ટુ ધ વેસ્ટ’ ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ તેમ જ ‘વોર વિધાઉટ વાયોલન્સ’ના કર્તા — વગેરે વગેરે. મેં મૅનેજરને કહ્યું, એમ તો પ્રકટ ન કરી શકીએ. આજે એ ‘વડલો’, ‘પીળાં પલાશ’, ‘મોરનાં ઈંડાં’ કે ‘ઇંન્સાન મિટા દૂંગા’ નામની નાનીનાની ગુજરાતી ચોપડીઓના કેવળ ગુજરાતપ્રિય લેખક નથી રહ્યા, આજે તો અમેરિકા જેના ત્રણેક દળદાર અંગ્રેજ ગ્રંથો પર આફરીન છે અને જેનાં જાહેર પ્રવચનોના અહેવાલો અમેરિકાનાં લબ્ધપ્રતિષ્ઠ છાપાં મોખરાની મોભાદાર જગ્યાએ મૂકે છે, તેવા ચિંતક વિદ્વાનનું બિરદ પામી ચૂકેલ શ્રીધરાણી છે. એમના નામને ધક્કો પહોંચાડે તેવી એની કોઈપણ જૂની કૃતિની પ્રસિદ્ધિ ઇષ્ટ નથી. ઉપરાંત એમના નિવેદન વગર પણ આ ચોપડી બહાર ન જઈ શકે. દાયકા પૂર્વેનાં આ સર્જનો અલબત્ત આજની એની પરિપક્વતાએ પહોંચેલી લેખિનીની કક્ષાએ ન આવી શકે, તથાપિ કમમાં કમ એટલું તો દૈવત એમાં, આપણને તેમ જ એમને પોતાને દેખાવું જોઈએ, કે એમના વિકાસક્રમની એક વહેલેરી ભૂમિકાનો આ લખાણોમાં આછો એવો પણ રણકારો ઊઠે છે. અંતે આ બધા ફરમાની એક પ્રત, મારા અંગત કાગળની સાથે ભાઈ શ્રીધરાણીને અમેરિકા મોકલી, અને જવાબ એમના તરફથી મળ્યા પછી ‘પિયો ગોરી’નું પ્રકાશન કરવાનું નિરંતરાય બન્યું. વાચકોને વિસ્મય થશે, કે કર્તાના અનુમતિપત્ર પછીયે પૂરાં બે વર્ષોનો વિલંબ! કર્તાને પોતાને પણ, જેના પ્રકાશનની મોટી સાર્થકતા ‘પોતાના હિંદ સાથેના પૂર્વસંબંધોને પુનર્જીવિત કરી ભાંડુઓના પુનર્મિલનનો પડઘો જગવનાર તરીકે’ જણાઈ હતી, જેના પ્રકાશનની ઉમેદને પોતે ‘દસ વર્ષની ઊંડી કાળખીણ પર સેતુ’ બાંધવાની એક સામગ્રી રૂપે આવકારી હતી, તેની ફરી પાછી આવી વલે નિહાળી જે વ્યથા થઈ હશે તેની કલ્પના આજે છેક આ લખતે-લખતે આવે છે અને ભોંઠામણ થાય છે. અન્ય કશા પણ કારણ વગર, કેવળ મારા તરફથી બે શબ્દો જોડાય તેવી પ્રકાશકોની લાગણી હોવાથી કરીને, અને મારે પક્ષે તો નર્યા પ્રમાદ સિવાય કશું જ બચાવ-બહાનું ન હોઈને, આ વિલંબ અઘટિત તો અમસ્થોયે છે, પણ ભાઈ શ્રીધરાણીની લાગણીની દૃષ્ટિએ તો અક્ષમ્ય છે.

કે પછી કોને ખબર, આ પુસ્તકના પ્રકાશનનો અને કર્તાના સ્વદેશાગમનનો, એમના કાગળ પરથી મેં જે યોગ કલ્પ્યો હતો તે યોગ નહિ સચવવાનો હોય એવા કોઈ કારણે વિધાતાએ મને પ્રમાદજડ કરી રાખ્યો ન હોય! ‘હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું’ એ એમના પત્રનું સમાપ્તિવાક્ય હતું. એ ઉમેદ પર પણ બે વર્ષ આળોટી ગયાં. હવે તો આ કૃતિનું પ્રકાશન એના કર્તાના બાર વર્ષના પરદેશવાસની સમાપ્તિનું સ્મૃતિચિહ્ન નીવડે, અને એમનાં સ્વજનોને એમના ગૃહાગમનની વધામણી આપનારું ઠરે એવી ભાવના સાથે, ભાઈ શ્રીધરાણીની ક્ષમા પ્રાર્થતો વિરમું છું.

બોટાદ : જૂન: ’46 ઝવેરચંદ મેઘાણી