એકોત્તરશતી/૯૬. મધુમય પૃથિવીર ધૂલિ


પૃથ્વીની ધૂલી મધુમય છે. (મધુમય પૃથિવીર ધૂલિ)


આ સ્વર્ગલોક મધુમય છે, પૃથ્વીની ધૂળ મધુમય છે—ચરિતાર્થ જીવનના સંદેશરૂપ આ મહામંત્ર મેં અંતરમાં ધારણ કર્યો છેઃ દિવસે દિવસે સત્યની જે કાંઈ ભેટ પામ્યો હતો, તેના મધુરસમાં ઘટાડો થતો નથી. તેથી, એ જ મંત્રવાણી મૃત્યુના અંતિમ છેડે બજી રહી છે—બધી હાનિને મિથ્યા કરીને અનંતનો આનંદ વિરાજે છે. જ્યારે ધરણીનો છેલ્લો સ્પર્શ લઈને જઈશ ત્યારે કહેતો જઈશ કે ‘તારી ધૂલિનું તિલક લલાટ પર ધારણ કર્યું છે; દુર્દિનની માયાને ઓથે ‘નિત્ય'ની જ્યોતિનું દર્શન કર્યું છે. સત્યનું આનંદરૂપ આ ધૂલિમાં મૂર્તિમંત થયું છે, એમ સમજીને આ ધૂળમાં મારા પ્રણામ મૂકતો જાઉં છું.' ૧૪ ફેબ્રુઆરી, ૧૯૪૧ ‘આરોગ્ય’

(અનુ. ઉમાશંકર જોશી)