ઓખાહરણ/કડવું ૧૨

કડવું ૧૨

[અનિરૂધ્ધને જોતાં જ પ્રસન્ન થયેલી ઓખા એની સાથે મનોમન પ્રેમાલાપ કરે છે. અનિરૂધ્ધને પોતાનું અપહરણ અને ગાંધર્વલગ્નનું સ્વપ્ન આવતાં સ્વપ્નમાં જ ગુસ્સે થઈને જાગી જાય છે, ઓખા એના ક્રોધને શાંત કરે છે.]


રાગ મારુ

ઓખા કહે ચિત્રલેખાને, ‘તેં આપ્યું પ્રાણનું દાન જી,
સખી કહીને ક્યમ બોલાવું? તું તો દેવી સમાન જી.’ ૧

દીપક જાગતો કરીને કન્યા હિંદોળા પાસે આવી જી;
સૂતા છે નિદ્રાવશ સ્વામી હિંદોળો શોભાવી જીઃ ૨

‘કામકુંવરને આ શી નિદ્રા! સૂતાં સારું લાગે જી;
દૂર પંથથી પ્રભુજી પધાર્યા, તે સૂતા નવ જાગે જી. ૩

અલ્પ રેણી રહી, રાણાજી! ઊંઘ તમને આ શી જી?
શકે સખી! આ ભિયા[1] દીસે છે કુંભકર્ણના ઉપાસી જી.’ ૪

ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી,
મસે[2] મસે હિંદોળો હલાવે, તોહે આંખ ન ઉઘાડે જી. ૫

વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી;
એવામાં અનિરુદ્ધને નિદ્રામાં આવિયું છે સ્વપન જી : ૬

કોએક કન્યા મુજને લાવી છે, હિંદોળો કરી હરણ જી;
એકાંત માળિયે રાજકન્યાનું કીધું છે પાણિગ્રહણ જી; ૭

તેનો પિતા મુજને બાંધે છે, હાક ચોદિશ[3] વાગી જી;
‘લાવ ભોગળ, હણું સેનાને,’ સાચે ઊઠ્યો જાગી જી. ૮

હસીહસી ઓખા અળગી રહી, હાકીને ઊઠ્યો શુંય જી?
અનિરુદ્ધ ગાભરો[4] થઈ જોતો, ‘કાંહાં આવ્યો છું હુંય જી? ૯

આ હિંદોળો નિશ્ચે મારો, પણ મેડી ન હોય મારી જી;
દાસી ચાર દીસે નહિ ને કોઈ આ રાજકુમારી જી! ૧૦

તવ ચિત્રલેખા અનિરુદ્ધ પ્રત્યે બોલી છે શીશ નામી જી,
‘હું તમને હરી લાવું છું, ક્રોધ ન કરશો, સ્વામી જી! ૧૧

આ કન્યા છે બાણાસુરની, ઓખા એહનું નામ જી,
સ્વપ્નાંતરમાં પરણી ગયા છો, તમો આવ્યે થયો વિશ્રામ જી. ૧૨

આ નારી છે પ્રભુ તમારી, એનો સમાવો તનનો તાપ જી;
સ્ત્રી-ભરથાર રહો બે છાનાં, ના જાણે એનો બાપ જી.’ ૧૩

વાયક સાંભળી વિધાત્રીનાં ચડી અનિરુદ્ધને રીસ જી,
‘શું કરું જે ખડ્‌ગ નથી? - નહિ તો છેદું બેહુનાં શીશ જી. ૧૪

ગામ મુકાવ્યું, ધામ મુકાવ્યું, મુકાવ્યાં સ્વજંન જી;
કેમ વરું અસુરની કન્યા? હું જાદવકુળનો તંન જી,’ ૧૫


તવ અવળું જોઈને ઓખા બોલી, ‘જાદવકુળ પવિત્ર જી!
વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી. ૧૬

રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી[5] જી,
પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી.’ ૧૭

અનિરુદ્ધને તવ હસવું આવ્યું, રીસ ગઈ છે ઊતરી જી,
‘અવળે મુખે શું બોલો, મહિલા? તમો જુઓને સવળું ફરી જી.’ ૧૮

તેણે સમે ઋષિ નારદ આવ્યા, ઈશ્વરી ઇચ્છાય જી;
ગાંધર્વવિવાહ તત્ક્ષણ કીધો, પરણાવ્યાં વરકન્યાય જી. ૧૯
વલણ
વરકન્યા પરણાવી નારદ હવા[6] અંતર્ધાન રે;
નરનારી સુખ ભોગવે ઇંદ્ર-ઇંદ્રાણી સમાન ૨. ૨૦



  1. ભિયા-ભાઈ
  2. મસે-મસે–ધીમે ધીમે
  3. ચોદિશ-ચારેય દિશાઓ
  4. ગાભરો-ગભરાયેલો
  5. નરતી-ઊતરતી
  6. થયા