ઓખાહરણ/કડવું ૧

Revision as of 07:24, 2 November 2021 by MeghaBhavsar (talk | contribs)
કડવું ૧

[ આખ્યાનના પ્રથમ કડવામાં મંગલાચરણ સ્વરૂપે વિઘ્નહર્તા ગણપતિ અને વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરી, ગ્રંથની રચના માટે આશીર્વાદની યાચના કરી છે. ]

રાગ રામગ્રી
શ્રી શંભુસુત[1]ને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચને સેવા સાધુ જી;
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧
ઢાળ
પાને લખ્યા જાયે નહીં શ્રીગણેશના ગુણગ્રામ,
સકળ કારજ સિદ્ધિ પામે, મુખે લેતાં નામ. ૨

ગિરિજાનંદન ગજ-નાસિકા, વળી દંત ઉજ્જ્વળ એક,
આયુધ ફરસી કર ધરી જેણે અસુર હણ્યા અનેક; ૩

શ્યામા બે સૂધ-બૂધ સંગે, સુત લાભ ને લક્ષ,
સિંદુર-લેપન શરીરે, મોદક વલ્લભ ભક્ષ; ૪

નીલાંબર પીતાંબર ધારી, ચડે સેવંત્રાંની સેવ,
મારા પ્રભુને પ્રથમ પૂજીએ, જય જય દુંદલ દેવ. ૫

સેવું બ્રહ્મતનયા[2]સરસ્વતી, જે રૂપ મનોહર માત,
તું બ્રહ્માચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬

શ્વેત વસ્ત્ર ને શ્વેત વપુ, શ્વેત વાહન હંસ,
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિઘ્નનો ધ્વંસ; ૭

કમલાક્ષી ને કમલવદની, કમલભૂ[3] કન્યાય,
વેદશાસ્ત્ર ને ઉપનિષદ, ધર્મશાસ્ત્ર ને ન્યાય; ૮

બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, પુરાણ અષ્ટાદશ[4],
ગાનતાન ને સાત સ્વર, એ સર્વ તારે વશ; ૯

દુહા, ગાથા, કવિત, કથા, વળી ભેદ, છંદ ને નાદ,
એ રાગ તારા, સરસ્વતી! બહુ વાણી તણા જે સ્વાદ; ૧૦

ચતુર્ભુજ ને ચાતુરી અર્ણવ, વર્ણવે છે સહુ દાસ,
વૈશંપાયન ને વાલ્મીકિ તુંને જાણે છે વેદવ્યાસ; ૧૧

જૈમિનિ ને સુત પુરાણી, તેને કૃપા તારી હવી,
તેં જડ ભટ આચાર્ય કીધા, કીધો કાલિદાસ કવિ. ૧૨

કરુણાળું તું ને દયાળુ તું, હું દીન કિંકર, માય!
હુંને રંક જાણી આપ વાણી, જેમ ગ્રંથ પુરણ થાય; ૧૩

સહકાર-ફળ વામણો ઇચ્છે, અપંગ તરવા સિંધ,
તેમ દાસ તાહરો હું ઇચ્છું છું બાંધવા પદબંધ. ૧૪

વલણ
પદબંધ બાંધું કથા કેરો, કહું આખ્યાન ઓખાહરણ રે;
વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫



  1. શંભુસુત-શિવપુત્ર ગણપતિ
  2. બ્રહ્મતનયા-બ્રહ્માની પુત્રી સરસ્વતી
  3. કમલભૂ-કમળની પૃષ્ઠભૂમિવાળી
  4. અષ્ટાદશ – અષ્ટકદશ એટલે અઢાર