ઓખાહરણ/કૃતિપરિચય

Revision as of 11:46, 29 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિપરિચય|}} {{Poem2Open}} પુરાણોમાંથી ઓખાહરણની કથા લઈને અનેક કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિપરિચય

પુરાણોમાંથી ઓખાહરણની કથા લઈને અનેક કવિઓએ ‘ઉષાહરણ’ નામે વિવિધ આખ્યાનોની રચના કરી છે. પરંતુ, આ બધાંમાં મૌલિકતા અને કાવ્યશક્તિની દૃષ્ટિએ પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ વિશેષ રસિક, લોકપ્રિય અને લોકભોગ્ય બની શક્યું છે. અસુરરાજ બાણાસુરે શિવજીની કઠોર સાધના કરી. શિવ એને મહાબલિ થવાના આશિષ સાથે હજાર હાથની શક્તિ પ્રદાન કરે છે. પણ ત્રણેય ભુવનમાં તેનો સમોવડિયો કોઈ યોધ્ધો પ્રાપ્ત ન થતાં, તે પુન : શિવજીની ઉપાસના કરી ‘તમે વઢો કાં વઢનાર આપો’ એવું વિવેક વિનાનું વરદાન માંગીને પોતાના મૃત્યુનો અભિશાપ મેળવે છે. પુત્રી ઓખાની તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલાં પાર્વતી તેને સુંદર વરપ્રાપ્તિનું વરદાન આપે છે. બીજી બાજુ બાણાસુરને મૃત્યુનો ભય સતાવતાં તે દીકરીની હત્યા કરવાનું વિચારે છે, પણ નારદ મુનિની સલાહથી તે દીકરીને આજીવન કુંવારી રાખવા એકદંડિયા મહેલમાં કેદ કરે છે. પાર્વતીના વરદાન પ્રમાણે, સખી ચિત્રલેખાનીમદદથી, ઓખા-અનિરૂદ્ધનાં ગાંધર્વલગ્ન થાય છે. બાણાસુરને જાણ થતાં એ અનિરૂદ્ધ સાથે યુધ્ધ કરે છે. શ્રીકૃષ્ણને અનિરૂદ્ધ કેદ થવાના સમાચાર મળતાં બંને સેના વચ્ચે યુધ્ધ થાય છે. શિવજી બાણાસુરના પક્ષે આવે છે. પણ શ્રીકૃષ્ણ બાણાસુરને હણે છે, બ્રહ્માની વિનંતિથી હરિ-હર વચ્ચેનું યુધ્ધ વિરામ પામે છે. અંતે, ઓખા-અનિરૂદ્ધનાં ધામધૂમથી લગ્ન થાય છે. ઓખાહરણ પ્રેમાનંદની આરંભકાલીન રચના હોવાથી એમાં ક્યાંક પરિપક્વતાનો અભાવ જણાય પરન્તુ સમગ્ર કૃતિમાં એની કવિપ્રતિભાના ચમકારા તો અવશ્ય જોવા મળે. પોતાની કલ્પનાશક્તિથી રસસ્થાનોને અદ્‌ભુત રીતે ખીલવેે છે. વળી પાત્રાના ગુજરાતીકરણ દ્વારા પ્રજાનું મનોરંજન કરી તેમની ધર્મભાવના સંતોષવામાં પણ તે સફળ બને છે.

–હૃષીકેશ રાવલ