કંદમૂળ/દરિયાદેવ

દરિયાદેવ

સમુદ્રના પેટાળમાં
જેટલાં રત્નો છે
તેટલાં જ પ્રાણીઓ છે.
નાનાં-મોટાં, જાતજાતનાં જળચરો
આ દરિયા જેટલાં જ જૂનાં છે.
તેમાંના કેટલાક
દરિયામાં પેદા થતા પાણીનાં વમળમાંથી જન્મ્યાં છે
તો કેટલાંક
પાતાળે પડી રહેલાં
જળચરોના હાડપિંજરમાંથી જ સજીવન થયેલાં છે.
સૂર્યપ્રકાશ તો તેમણે જોયો જ નથી
પણ તેમની આંખોની રોશની
પાણીને વીંધી નાખે તેવી તેજ છે.
દરિયામાં ગરક થયેલાં વહાણોમાંની
કેટલીયે કીમતી ખજાનાની પેટીઓ
એમ જ બંધ પડી રહે છે અહીં.
પ્રવાહી બોલી બોલતાં જળચરો
કદી ખોલતાં નથી આ પેટીઓને.
તેમનાં તરલ સ્વપ્નો તરતાં રહે છે
આ પેટીઓની આસપાસ.
દરિયો ભર્યો ભર્યો લાગે છે
તે આ પ્રાણીઓના પુષ્ટ શરીરોને કારણે જ.
એક વાર સમુદ્રી તોફાનમાં
ખૂલી ગઈ ખજાનાની પેટીઓ
અને જળચરો ગળી ગયાં રત્નો.
ગળામાં અટવાયેલાં રત્નોએ
ગૂંગળાવી નાખ્યાં જળચરોને
અને ત્યારથી દરિયો હવે ખાલીખમ.
દરિયાદેવ સવાર છે,
એક મોટા મૃત માછલા પર.
દૂરથી જોતાં લાગે કે દરિયાદેવ
જઈ રહ્યા છે કશેક,
પણ ધારીને જુઓ તો જણાય કે
દરિયો છે સદંતર સ્થિર.
દરિયાદેવના એક ખોબામાં સમાઈ જાય છે દરિયો
અને એમ લોકો પૂજતા રહે છે દરિયાદેવને.