કંદમૂળ/મીઠા ભાતનો પ્રસાદ

મીઠા ભાતનો પ્રસાદ

કાળા ડુંગરના ખરબચડા ઢોળાવોમાં
જો મળી આવે મારાં અંગ
તો એ છૂટા-છવાયા હાથ-પગ,
પીઠ ને આંખોને ભેગાં કરજો.
મારી આંખોમાં છે
મીઠા ભાતનો પ્રસાદ ખાવા
ટોળે વળતાં શિયાળ.
એ શિયાળવાંને સાદ દેનાર
કોઈ જો મળે તો કહેજો,
અંગ, આમ તો અધૂરાં
પણ અતૂટ એક નાતો
અંગ અને ઇજન વચ્ચે
છે, હજી.
લો, અંગ, હું આપું,
પણ કાળા ડુંગરના રુક્ષ રસ્તાઓ પર
તમારે ચાલવું પડશે.
મારું શરીર હું ધરું છું
કાળા ડુંગર પરથી પસાર થઈ રહેલી
એક અમાસી રાતને.
અજવાળ મારાં અંગોને.
પ્રગટ કર
ડુંગરાઓમાં છુપાઈ રહેલાં શિયાળવાંને.
આ મિજબાની છે મુક્તિની.

(લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન હોવાથી તેમણે લો અંગ, લો અંગ...એમ સાદ પાડીને શિયાળને બોલાવ્યાં હતાં અને ભૂખ્યાં શિયાળને પોતાનાં અંગ ખવડાવ્યાં હતાં. આ પ્રથા હજી જળવાઈ છે. કાળા ડુંગર પરના એ મંદિરમાં આજે પણ પૂજારી શિયાળને મીઠા ભાતનો પ્રસાદ ખાવા લોંગ, લોંગ...એમ બૂમ પાડીને બોલાવે છે. લો અંગનું અપભ્રંશ હવે લોંગ થઈ ગયું છે.)