કંદમૂળ/રસ્તા પરનું ઘર

રસ્તા પરનું ઘર

હું મોટે ભાગે રસ્તા પરનાં મકાનોમાં રહી છું.
મોડી રાત્રે રસ્તા પરથી પસાર થતાં વાહનોના અવાજ
મેં સાંભળ્યા છે.
શહેરો બદલાયાં
તેમ એ ટ્રાફિકનો લય પણ બદલાયો.
ઘણી વાર અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે
હું બારીમાંથી જોયા કરું
રસ્તા પર દોડ્યે જતી
એ રંગબેરંગી ગાડીઓને.
તેમાં બેઠેલા લોકોમાં
કે તેમની મુસાફરીના કારણમાં
મને કોઈ રસ નથી.
મને ગમે માત્ર જોવાનું.
મારી બારીમાંથી દેખાતા
રસ્તાના એ ચોક્કસ ભાગમાં
સડસડાટ પ્રવેશતી ને ઓઝલ થઈ જતી ગાડીઓને જોવાનું.
પણ ગઈ કાલે રાત્રે થયું એવું કે,
હું તો ભરઊંઘમાં સૂતી હતી
ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટરગાડી
ફરી વળી મારા શરીર પર.
કોઈ કારણ નહીં, કશું જ નહીં.
મારા રૂમ અને રસ્તા વચ્ચેની એક દીવાલ જાણે કે તૂટી પડી.
રાતભર હું પડી રહી રસ્તા વચ્ચે
અને એક પછી એક
રંગબેરંગી મોટરો માર્ગ કરતી રહી મારા શરીર પરથી.
મને હજીયે ખબર નથી
કોણ હતા એ લોકો
અને ક્યાં જઈ રહ્યા હતા.