કંદમૂળ/રોટોરુઆ

રોટોરુઆ

એક ઊંચાઈ પર ઊભી હતી હું
અને મારી આસપાસ ઊછળી રહ્યા હતા
ઊકળતા પાણીના ઝરા.
એક મુલાકાતીની જેમ,
નિઃસ્પૃહ ચહેરે હું જોઈ રહી હતી
રોટોરુઆની વલોવાઈ રહેલી જમીન.
પણ અંદરથી જાણે ખૂબ પોતીકી લાગતી હતી
એ અશાંત જમીન.
ઊકળતી માટીની તીવ્ર ગંધ
સ્મૃતિ સોંસરવી જઈને
ઓગાળી દે છે તમામ આવરણ -
એ શરીર, એ સ્પર્શ, એ સમય.
જ્વાળામુખીની જમીન પર ઊભેલી હું
કલ્પના કરી શકતી હતી
માત્ર કંઈક તૂટવાની, કંઈક ઓગળવાની.
ધગધગી રહી હતી એ જમીન
ને હું ત્યાં સમાઈ જવા આતુર,
ફરી વળી હતી ચારેકોર, વરાળ બનીને.
                  * * *
રોટોરુઆ પાછળ છોડી દીધા પછી
હું હજીયે યાદ કરું છું,
મારા વગર પણ
ત્યાં હજી
એમ જ ઊછળતા હશે
ગરમ પાણીના ઝરા.
ને એમ જ ધગધગતી હશે માટી,
વર્ષોથી, અવિરત.
હું અહીં મૃત્યુ પામીશ
એક આભાસી શાંતિ વચ્ચે
પણ ત્યાં,
સક્રિય જ્વાળામુખીની એ જમીન પર
ખદબદી રહેલી માટીની ગંધમાં
ભળી ગયેલો મારો ઉચ્છવાસ,
પોતાના શ્વાસમાં લઈને,
એ માટી શરીરે ચોપડીને,
પરત જઈ રહ્યા હશે
કંઈ કેટલાય પ્રવાસીઓ.

(રોટોરુઆ, ન્યૂઝીલેન્ડની એક્ટિવ વોલ્કેનો સાઇટ છે જયાં જ્વાળામુખીની સતત ધગધગતી જમીન પર સહેલાણીઓ મડ થેરપી (માટીચિકિત્સા) માટે આવે છે.)