કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/રર. હમણાં હમણાં

હમણાં હમણાં

હમણાં હમણાં ઊંધ ઓચિંતા ઊડી જાય છે
ને વહેલા વહેલા જાગી જવાય છે કશા કારણ વગર
પહેલાં તો થોડી વાર પથારીમાં પડખાં ઘસતો રહું
ફરી ઊંઘ આવી જશે એમ માની
તૂટેલાં સપનાંનો તાર ફરી સાંધવા જઉં
પણ ગાંઠ માર્યેય રાત જોડી શકાતી નથી ફરી વાર.

ગઈ રાતે બે’ક વાગે ઝબકી જવાયું હશે
આજે તો હમણાં જ બે ડંકા થશે
એને સાંભળવા જાગતો પડ્યો છું પથારીમાં
પણ તરત યાદા’વે કે
ડંકા ઘડિયાળ બગડી ગયું એનેય ઘણાં વરસ થયાં
પહેલાં તો રોજ સવારે
એને ચાવી આપવાની મજા પડતી મને
હવે તો ચાવીવાળી ઘડિયાળેય કોઈ બાંધતું નથી કાંડે
બધાં મોબાઇલમાં જ સમય જોઈ લે છે આજકાલ
હું પણ ઓશીકા પાસે રાખેલો મોબાઇલ
ઑન કરી સમય જોઈ લઉં છું હવે
ઊંઘ નહીં જ આવે એમ માની બારણું ખોલું છું
મોબાઇલના સ્ક્રીન જેવું જ અજવાળું દેખાય છે બહાર.
આટલા વહેલા વહેલાય સામેવાળાની કાર
ઘસીઘસીને સાફ કરી રહ્યો છે એક યુવાન
હું એની આંખનાં સપનાં ઓળખવા મથું છું
એટલામાં તો છાપાવાળો છોકરો
છાપું નાંખીને ચાલી જાય છે સડસડાટ સાઇકલ પર
એની પીઠને તાકતો હું વિચાર કરું છું પાછળ
કે અમે આમની જેવડા હતા
ત્યારે તો
રાશવા સૂરજ ચડ્યે અમારી આંખ ઊઘડતી
પણ હવે વહેલા વહેલા જાગી જવાય છે
કારણ વગર.