કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧ર. ઘરનાં કાવ્યો


ઘરનાં કાવ્યો


રાત પડી છે.
હું મારા ઘરમાં છું.
ના ક્યાંય બહારથી આવ્યો નથી.
અહીં જ છું સવારનો
કે પછી ગઈ રાતનો અહીં જ છું.

આજે ફરી રાત પડી છે
ને હું મારા ઘરમાં બારી પાસે બેઠો છું
ને જોઉં છું બારીમાંથી બહાર દૂર
દૂર આકાશમાં તારા ટમટમે છે
આમ તો મોટા
પાસે જઈને જોઈએ તો
પણ અહીં બારીમાંથી દેખાય સાવ નાના
નાનકડી બારીમાંથી પાંચ-સાત
તારાનું ઝૂમખું દેખાય એકમેકની અડોઅડ
આમ તો એકમેકથી કેટલાય આઘા.

કોઈ જોતું હોય કે
આંખ બંધ કરી બેઠું હોય
આમ જ ટમકતા હોય ટ મ ટ મ સવાર સુધી.

સવાર પડે ઓલવાઈ ન જાય
ક્યાંય સંતાઈ પણ ન જાય
કેવળ દડી જાય પૃથ્વી પર
ને કદાચ મળી જાય
જે બારી પાસે બેઠા બેઠા
આખી રાત જોતું હોય તેની
આંખમાં ઝાકળનાં ટીપાં બની
ટપકતાં ટ પ ટ પ.



તમે ક્યાં જઈ શકવાના જઈ જઈને કેટલે દૂર ?
આ ઘરથી તો તમે દૂર જઈ શકશો જરૂર
ઘરથી પાદર સુધી પાદરથી ખેતર સુધી ખેતરથી સીમ સુધી
બીજા ગામ સુધી બીજા દેશ સુધી તમે જઈ શકશો ક્યારેક ને ક્યારેક
પણ એની આગળ ક્યાં જઈ શકશો તમે ?
પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવશો તમે
કોઈ ધૂસર સાંજે ત્યારે
નાટોરની વનલતા સેન જેમ ઘર તો ઊભું હશે એમને એમ
બારસાખે રજતકાય ટેકવી તમારી રાહ જોતું.

તમે એને ઝટ ઓળખી નહીં શકો એવી હાલત થઈ ગઈ હશે એની.
એય તમને ઓળખી નહીં શકે જોતાવેંત.
તોય તમે એકબીજાને જોઈ હરખાઈ જશો
તરત સમજી જશો એકમેકને જનમોજનમના પ્રેમીઓ જેમ
વળગી પડશો અરસપરસ એ સાંજે
આંખમાં ઝલમલતી ભીંતોના પડછાયા
અને ફળિયાની ધૂળમાં પડેલાં પગલાં છૂટાં પાડી શકાશે નહીં કોઈથી.

એ રાતે તમે નિરાંતજીવે ઊંઘી શકશો ઘસઘસાટ
અહીંથી ગયા પછી કદાચ પહેલીવાર તમે સપનાં જોઈ શકશો
ઘર વહાલથી તમારી પીઠ થપથપાવતું હશે
ઘરને તો એ રાતેય ઉજાગરો થશે.



તમારાં સપનાંની અડોઅડ એક ઘર હોય છે
તમે ઊંઘી ગયા હો ત્યારે એ જાગતું હોય છે
એ ઘરમાં તમે પણ જાગતા હો છો
હરફર કરતા હો છો ઊભા ઊભા પાણી પીતાં હો છો
ટી.વી. ચાલુ કરતા હો છો સપનાં જોતાં હો છો
બારી પાસે બેઠા હો છો ને બેઠાબેઠા ચા પીતાં હો છો
અને છાપું વાંચતા હો છો સવારે

ખરેખર રાત જામી હોય છે ઘરમાં
ત્યારે સપનામાં પડતી હોય છે સવાર

સવારની બધીય ધમાલથી દૂર
વરંડામાં ખુરશી નાંખી
છાપું વાંચતાં વાંચતાં ચા પીવાની
ને
ચા પીતાં પીતાં છાપું વાંચવાની
મઝા જ કંઈ ઓર હોય છે.

દરેક ચૂસકી ચૂસકીએ બોરસલી પર
સક્કરખોરનું ત્વિચ ત્વિચ સંભળાય
એટલે ખાંડ વગરની ચાય તમને ગળીમધ લાગે

આમ તો તમારા અડોશીપડોશી બધાને
ફક્ત રવિવારે જ આવો લાભ મળતો હોય છે
ને એની મઝા તો પાછા કો’ક કો’ક જ લઈ શકતા હોય છે
જ્યારે તમે એટલા ભાગ્યશાળી છો કે એકસાથે
સવારે ને રાતે બેય વખત હાજર હો છો તમારા ઘરે.

ઘર આમ સહેજમાં પીછો છોડતું નથી એનું
ઘરથી જે દૂર દૂર હોય છેને તેનું.



આ પૃથ્વી ભલેને ગમે તેટલી ફર્યા કરે એની ધરી પર
ઘર તો ત્યાં ને ત્યાં જ હોય છે હંમેશ હર.

પૃથ્વીમાં તો તમે ધોળે દિવસેય ગમે ત્યાં ભૂલા પડો
જંગલમાં અથડાવ અડાબીડ બધા રસ્તા
ગૂંચવાઈ જાય એકબીજામાં બધાં પગલાં ભૂંસાઈ જાય
ને બગીચા કરમાઈ જાય ને નદીઓ સુકાઈ જાય બધી
પછી ચારેકોર ઉજ્જડ મેદાનમાં ચાલ્યા જ કરવું પડે સતત
પહાડોની ચડઊતરથી થાકીને ઠૂંસ નીકળી જાય
છતાંય છેડો આવે નહીં ક્યાંય પૃથ્વીનો
ત્યારે થાય કે ઘર નજીક આવ્યું નથી હજીય

હજીય ચાલવું પડશે સૂરજ ડૂબે ત્યાં સુધી
ને ચાંદો ઊગે ત્યાં સુધી હજીય ચાલવું પડશે
એકલા એકલા આકાશની ધારે ધારે એક ઘર સુધી
પહોંચવા ચાલતા જ રહેવાનું ઘરને ધ્રુવતારો માની
સતત ચાલ્યા જ કરવાનું સતત દિવસોના દિવસ...

દિવસે તો તમે ક્યાંય પણ ભૂલા પડી શકતા હો છો પૃથ્વી પર
પણ રાતે તો તમે અંધારામાંય શોધી લેતા હો છો પોતાનું ઘર
ને ઘરનું ડોર ને ફ્રીજની બોટલ ને બાથરૂમની સ્ટોપર
ને પાછા ફરતા પોતાની પથારી પણ
અને પથારીમાં શોધી લેતા હો છો પોતાની સ્ત્રી
જેના હૃદયમાં ઘર ધબકતું હોય છે જીવનભર.



ઘરથી શરૂ થતી હોય છે દુનિયા
એમ કહેતા હોય છે દુનિયાભરના બધા પ્રવાસીઓ
પણ ખરેખર તો સૌ પ્રવાસીઓ શોધતા હોય છે એક ઘર
એ પ્રવાસીઓ સિવાય ભાગ્યે જ બીજું કોઈ જાણતું હોય છે અહીં
કોઈ કોઈ પ્રવાસીઓ તો એ પણ ભૂલી ગયા હોય છે કે ક્યાં છે પોતાનું ઘર
અને દર-બ-દર ભટકતા રહેતા હોય છે પોતાના ઘર જેવું ઘર શોધતા.

તમે જે પ્રવાસીઓને ઊંડા રસપૂર્વક નિહાળતા જુઓ છો કોઈ શહેર
ને શહેરની ગલીઓ ને એનાં ઊંચાં મકાનો ને બગીચા કે
એની જાણીતી સ્કૂલકૉલેજ ને કૉલેજને અડીને વહેતી નદી
ત્યારે ખરેખર તો તે આ બધી બાબતોનો તાળો મેળવતા હોય છે
પોતાના જ એવા કોઈ શહેર સાથે સરખાવીને એમ તમે માનજો.

ક્યારેક કોઈક પ્રાકૃતિક સ્થળે સનસેટ પૉંઇન્ટ પર ઊંચે બેસી
પગ હલાવતા આ પ્રવાસીઓ ધારીધારીને જોતા હોય છે સૂર્યાસ્ત
ત્યારે ખરેખર તો એ અક્ષાંશ-રેખાંશની ગણતરી કરી
પકડવા માંગતા હોય છે પોતાનો પહેલાનો જૂનો સમય
કે જેને તેઓ છોડીને આવ્યા હોય છે ક્યાંય પાછળ

આવા હજારો સૂર્યાસ્ત પછી તેઓ
કોઈ પ્રાચીન નગરના સ્થાપત્યને જોવા પહોંચી જતા હોય છે
ને એનાં બાંધકામને લગતા જાતજાતના સવાલો પૂછતા હોય છે
ક્યારેક તો એથીય જૂના કોઈ પ્રાગૈતિહાસિક ખંડેરના અવશેષોને
આજુબાજુમાં કોઈ જોતું ન હોય એમ હાથમાં ઊંચકી
હળવેથી પસવારી લેતા હોય છે પોતાનો બીજો હાથ
ને એમ યાદ કરી લેતા હોય છે
એની નીચે દટાયેલા કૈં કેટલાય હૂંફાળા સ્પર્શો

વર્ષોનાં વર્ષો વીતી ગયાં પછી આ પ્રવાસીઓ
તમને દરેકેદરેક મ્યૂઝિયમની અચૂક મુલાકાત લેતા જોવા મળશે
જાણે કે ક્યાંય પહોંચવું ન હોય એમ
ખૂબ ધીમે ધીમે ચાલી સાવ ઝીણી નજર કરી
તેઓ અક્કેક વસ્તુની આરપાર ઊતરી જવા માગતા હોય
તેમ જોતા રહે છે શા માટે? એ તમને સમજાવવાની જરાય જરૂર નથી.
અંદર ભલેને સદીઓ જૂનાં અંધારાં ઘેરી વળે ચારેકોર છતાંય
અહીંથી જતા રહેવાનું જરીકેય મન થાય અહીં આ પ્રવાસીઓને.

બાકી જે બચ્યા છે એમાંથી કેટલાક પ્રવાસીઓ જ એવા હોય છે
કે જે સૂરજના પહેલા કિરણને અજવાળે
પગ મૂકે સાવ નવાનક્કોર ટાપુની ફળદ્રૂપ જમીન પર અને
એમણે કોઈ અજાણ્યો દેશ શોધી કાઢ્યો છે પહેલી વાર
એમ આખી દુનિયા જાણે
પછી તો એ બધા ત્યાં જ ઘર બનાવીને રહેવા માંડે
એને ક્યારેય સપનાંમાં પણ યાદ ન આવે કે એ
પોતાનાં ઘર છોડીને આવ્યા છે છેક અહીં.

આમ એક દિવસ પોતાનું ઘર છોડીને નીકળેલા બધા પ્રવાસીઓ
એક દિવસ પાછા જરૂર પહોંચી જતા હોય છે પોતપોતાને ઘેર.