કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૧. રાત્રિસંસાર
૧
એક રાતે
હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
જેનું એક પણ ઝાડ
કપાયું નહોતું.
ટેબલ તો દૂરની વાત છે
હજી હોડીય બનાવી નહોતી કોઈએ
આ જંગલની બહાર જવા
ઊંડી નદી વટાવવી પડે એવું નહોતું.
વળી માંસ શેકવા
બળતણનીય કડાકૂટ નહોતી
કાચેકાચું પચી જાય એવી
મજબૂત હોજરી હતી ત્યારે.
ત્યારે
આખો દિ’ શિકારની શોધમાં
રઝળવું પડતું
પછી પેટ ભરાયે
ઘારણ ન ચડે તો જ નવાઈ
ગુફામાં ઊતરી
આડે પથરો અઢેલી દેવાનો
કડી સાંકળ કે
આગળિયો ઇસ્ટાપડી કશ્શુંય નહીં.
બારણાં ખખડે ને આંખ ઊઘડે
એ પ્હેલાં
ઘસઘસાટ ઊંઘી શકાય ધરાઈને
એવા ગાઢ જંગલમાં હું
ભૂલો પડ્યો. ગઈ રાતે.
ર
ગઈ રાતે
મારા સપનામાં
આખું આકાશ ઊતરી આવ્યું.
એક એક
તારાનો પગથિયાં ચડી
હું ત્યાં પહોંચી ગયો.
સપ્તર્ષિની પૂંછડીએ લટકીને થોડી વાર
પતંગની જેમ આમતેમ
ઊડતો રહ્યો
થોડી વાર હરણિયાની શિંગડી ઝાલીને ઘસડાતો રહ્યો
અડધી રાત સુધી તો
આ બધું ચાલતું રહ્યું હેમખેમ
પછી ખબર નહીં
કોણ જાણે કેમ
ત્રાજવાનાં બેય છાબડાંમાં
પગ બરોબર થિર ઠેરવી શકાયા નહીં
ને તીર નિશાન ચૂકી ગયું
માછલીની આંખ વીંધ્યા વિના
સીધું
ચન્દ્રની વચોવચ
જઈને ખૂંપી ગયું ઘચ્ચ
...ત્યારની ઘડી ને આજનો દિ’
રોજ રાતે
ઘરના છાપરામાંથી સપનાં
ટપકતાં રહે ટપ ટપ ટપ
એને ચાંદરણાં જેમ
હથેળીમાં ઝીલી
મુઠ્ઠી બંધ કરી લઉં છું.
રોજ રાતે.
૩
રોજ રાતે
વાળુમાં વધી રહી છે
ગુજરાતીમાં બોલી ન શકાય એવી વાનગીઓ
નૂડલ્સ કે પિત્ઝા એમ ચીની કે ઇટાલિયનમાં
બોલવામાં આવે ત્યારે જ
એનો પૂરેપૂરો સ્વાદ લઈ શકાય
જો કે ક્યારેક મને બહુ યાદ આવી જાય છે
ગુજરાતી થાળી ત્યારે
હું ‘પૃથ્વીચંદ્રચરિત’ ઉઘાડી વાંચું છું આ કડી :
ઉપરિ કૂરકરંબા દહીં વાપરઈ,
ઈણ પરિ લોક ભોજન કરઇં.
જોકે નેટ ઉપર ક્યાંય ઑનલાઇન મૂકવામાં
આવી નથી આ રચનાની રેસિપી.
અને લાઇબ્રેરી તો બધી હસ્તપ્રત ભંડારો જેવી
બની ગઈ છે આજકાલ એટલે
હું ટેરવે ટેરવે સર્ચ કરતો રહું છું મધ્યકાલ
પછી મોડી રાતે શોધવા નીકળી પડું છું
સિદ્ધરાજ જયસિંહને મુનશીની આંગળી ઝાલી
‘ગુજરાતનો નાથ’ વાંચતાં વાંચતાં
આંખમાં ઊંઘ ઘેરાવા લાગે
ઊંઘરેટી આંખે ગુજરાતનો સુવર્ણયુગ
ચમકારા કરી ઝબકાવી દે
છેવટ બેય પાંપણો વચ્ચે ગુજરાતનો નાથ બંધ કરી
મૂકી દઉં છું ઓશીકા નીચે
કે તરત સપનાંઓ મને તાણી જાય
ક્યાંના ક્યાંય જ્યાં ખંભાતનો અખાત તરીને
ઊપડેલાં વહાણ ચાલ્યાં જાય છે
અંધારાં પાણીમાં
અધમધરાતે.
૪
છે ને
કાલ રાતે મારાં સપનાંમાં
એક જંગલ ઊગી નીકળ્યું
જંગલમાંથી એક ઝાડ
ચાલવા માંડ્યું
ચાલતાં ચાલતાં
નદીને કાંઠે પહોંચ્યું
નદીનું પાણી પીધું
ને ત્યાં જ રોકાઈ ગયું
પછી
હવામાં તરતું એક પંખી આવ્યું
ઝાડે એને ખભા પર બેસાડી દીધું
બેઠાં બેઠાં એને થયું કે
ઝાડનાં ફળ ખાઉં
એણે ફળ ખાધું ને
ત્યાં જ રોકાઈ ગયું.
થોડી વાર પછી
તડકાની ગુફામાંથી એક માણસ
બ્હાર કૂદ્યો
એના ખભે પથ્થરનો થેલો હતો
એમાં પંખી ને નદી ને ઝાડ
બધું ભરીને
એ ચાલવા લાગ્યો
ચાલતાં ચાલતાં મારી આંખમાં
ભૂલો પડ્યો.