કાળચક્ર/ક. બિલ્ડિંગની ટોચે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |ક. બિલ્ડિંગની ટોચે}} '''મુંબઈની''' એક ધીકતી બજારવાળા રાજમાર...")
 
No edit summary
 
Line 133: Line 133:
મોડેથી બારણા પરની ટકોરી વાગી. ઉઘાડવા જતા મનોહરલાલે કહ્યું  “આવી પહોંચ્યા જણાય છે!”
મોડેથી બારણા પરની ટકોરી વાગી. ઉઘાડવા જતા મનોહરલાલે કહ્યું  “આવી પહોંચ્યા જણાય છે!”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = માણેકબહેન
|next = ભૂતખાનામાં હું ક્યાંથી આવી પડી?
}}

Latest revision as of 09:58, 30 April 2022

ક. બિલ્ડિંગની ટોચે



મુંબઈની એક ધીકતી બજારવાળા રાજમાર્ગ પર ક. બિલ્ડિંગ ઊભું હતું. એને ત્રણ મજલા હતા. એને નિહાળો એટલે કોઈક અવ્યવસ્થિત અને બેદરકાર અમીર માણસના શરીરનો ખ્યાલ આવે. આવા માણસનાં જાકીટ અને ડગલાનાં બહાર તેમ જ અંદરનાં ખિસ્સાંમાંથી એકાદની અંદર કાગળચિઠ્ઠીઓ પડી હોય, એકાદમાં નોટો ને પરચૂરણ હોય, એકાદમાં ગંધાતો રૂમાલ, તો વળી એકાદમાં દવાની નાનકડી શીશી, ને બીજા એકમાં સિગારેટની ડબી પડી હોય. ક. બિલ્ડિંગ પણ, દેખાવે અને બાંધણીમાં આવું અમીરી હતું. એને દરેક મજલે દુકાનો, ઑફિસો, ગોદામો અને રહેઠાણનાં ઘર સામટાં ખદબદતાં હતાં. છતાં પેલા અમીર ગૃહસ્થના ઉપલા એકાદ ગજવામાં જેમ એકાદ કીમતી ફાઉન્ટનપેન અને ગુલાબ-ફૂલનું બટન શોભી રહ્યું હોય છે, તેવી અદાથી ક. બિલ્ડિંગની ટોચે માણેકબહેનનું પતિગૃહ દીપતું હતું.

વિક્ટોરિયા ગાડીમાંથી વિમળાની સાથે નીચે ઊતરી માણેકબહેને ઉપલે માળે નજર કરી. કોઈ ત્યાં ઊભું નહોતું, પણ ફૂલરોપનાં કૂંડાં મલકાઈ રહ્યાં હતાં. મન બોલી ઊઠ્યું ‘ઠીક, મહેરબાન ફૂલઝાડને પાણી તો નાખતા લાગે છે.’ મજૂર કરી દરવાજે દાખલ થતાં જ એક માણસની ને માણેકબહેનની આંખો મળી. દાંત કાઢીને પૂછ્યું “ક્યું, બેઠે હો ને, ભાઈ? બરાબર ચોકી કરતે હો ને?” માણસ શરમાઈ ગયો “ક્યા કરેં, બાઈ! જૈસા હુકમ ઉપરીકા!” “કરો કરો ચોકી. શેઠ હૈ ને ઉપર?” “હાં, બાઈ, અભી તો હૈ.” “દૂસરે સબ?” “સભી ગયે.” “અચ્છા! અચ્છા! હમેરેકું તો સરકારને મુફત ચોકીદાર દિયા હૈ. આનંદ કરો.” એટલું કહી, હસતેહસતે દાદર પછી દાદર ચડતાં માણેકબહેને વિમળાને પૂછ્યું “કાંઈ સમજી?” “હાસ્તો.” વિમળા પણ હસી. “શું?” “તમારી સરકારમાં આબરૂ!” “એટલે?” “પોલીસનું ખાનગી માણસ.” વિમળાની ગ્રહણશક્તિ સાહજિક હતી. કેરાળીમાં એને આવી સી.આઈ.ડી. પોલીસનો અનુભવ નહીં, તેમ છતાં, કેટલાંક માણસ હવાની સાથે જ નવી પરિસ્થિતિની સમજણ શ્વાસમાં પી શકે છે, તે માંહેલી હોઈને વિમળા આ માણસનું રહસ્ય પામી શકી. માણેકબહેને કહ્યું “તું બીતી નહીં.” “જરાકે નહીં. મજા પડે છે.” પોતાના બ્લૉકમાંના છેલ્લા ખંડમાં પહોંચીને માણેકબહેને ગળાનો હાસ્ય-ઘૂઘરો ખખડાવ્યો “લ્યો! આંહ્ય તો મે’રબાન એ-નો એ જ ધંધો લઈ બેઠા છે!” પતિને એ ‘મે’રબાન’ શબ્દે સંબોધતી. મે’રબાન તો બેઠા બેઠા રેડિયોની ચાવી ફેરવ્યા જ કરતા હતા. “રહે તો!” મે’રબાને ઊંચે જોયા વગર જ કહ્યું “એક નવું સ્ટેશન પકડાય છે.” ચાવીને ધીરે ધીરે ફેરવતો એ મે’રબાન રેડિયોના કાંટાને અમુક એક ઠેકાણે ઠેરવવા મથતો રહ્યો. “આ મિડિયમ વેવ પર 22મા મીટર પર એક નવું સ્ટેશન પકડાય છે… રહે તો!” “તમતમારે નવાં સ્ટેશન પકડજો, પણ કો’ તો ખરા, અમારો તાર શું નથી મળ્યો?” એમ કહી પતિનો કાન ઝાલ્યો. “મળ્યો છે.” ચાવી ઘુમરડતે ઘુમરડતે મે’રબાને મહેરબાની કહી. “તો પછી મોટર કેમ ન મોકલી?” “નહોતી.” “કેમ?” “ભાઈલાલને જોતી’તી, એના સગાને કોઈકને મળવા જવા.” “ઠીક! ઈ ય ઠીક! માંડ જતે જન્મારે મોટર પામ્યા, તે પણ આપણા માટે નહીં, મે’માનોને માટે, હ-હં-હં-હં.” ખૂબી જ આ હતી કે જે શબ્દો બીજાં માણસો રોષ ને કંટાળાની લાગણીથી બોલતાં હોય છે, તે જ શબ્દોને આ સ્ત્રીએ પોતાના કંઠ-ઘૂઘરાની અંદર કાંકરાની પેઠે રમાડ્યા. પણ પતિએ તો રેડિયોનો કાંટો ફેરવતે ફેરવતે ‘રહે તો લગીર! રહે તો જરા!’ એમ કહ્યા કર્યું. માણેકબહેન વરનો કાન આમળીને પછી ચાલ્યાં “ચાલો, ભાઈ! મોટર ઘેર આવી, પણ એ આપણા પ્રારબ્ધની નહીં હોય, મે’માનના ભાગ્યની હશે. અરે, પણ આ બાથરૂમમાં ગાંસડો લૂગડાં કેમ પડ્યાં છે?” “તમારે માટે રાહ જુએ છે.” રેડિયો પરથી જ મે’રબાને ટહુકો કર્યો. “કેમ, રામો નથી?” “ના. ચાલ્યો ગયો રત્નાગિરી.” “ક્યારે?” “પરમ દિવસે.” “પરમ દિવસનાં પડ્યાં છે લૂગડાં? બધાયનાં? કોઈએ પોતાનું ધોતિયું પણ નિચોવ્યું નહીં?” “ના, તમારી તો કાલે વાટ હતી ખરી ને?” “વા…આ…આ…રુ! ઘણી સારી વાત! ચાલ બે’ન ઘેલી, પ્રથમ તો આ ઘરણ ઘરમાંથી કાઢવા દે.” બેઉ જણીઓ કપડાં ધોવા બેઠી. એ ધોણ્ય ચિત્રવિચિત્ર હતી મલમલ, રેશમ અને ખાદી; સફેદ લેંઘા, ખાખી ચડ્ડીઓ, બારીક અને ધડકી જેવી જાડી ધોતીઓ સાડીઓ ને ચણિયા પણ હતાં. આ પોશાક પહેરનારાં આઠ-દસ માનવીઓની કલ્પના કરવી એ પણ એક તમાશો જોવા બરોબર હતું. “ત્યારે હું જાઉં છું કારખાને.” કહેતાં મે’રબાન સજ્જ થઈને નીકળ્યા; ને ધોતી પત્નીને જણાવ્યું “કાલે કૉંગ્રેસની મહાસમિતિની બેઠક માટે તમારી ટિકિટ આવી ગઈ છે.” “અને તમારી?” “હું નથી આવવાનો.” “કેમ?” “હું ક્યાં કૉંગ્રેસનો અનુયાયી છું? રાજકારણમાં આપણા રામને અંધારું ધબ!” “હં-અં, સીધા કો’ને, સરકારના ઑર્ડર મેળવવા આબરૂ આડે આવે છે! બેવડે દોરે સુખ છે.” “એવું કંઈ નહીં, તમારી ધોળી ટોપીને તો એ બાબતનું.” “પત્યું, ચાલો, બાથરૂમ તો ગાવાની જગ્યા છે, રાજકારણ ચર્ચવાની નહીં. પણ આંહ્ય જરા ડોકાતા તો જાઓ! આ એક વધુ મે’માનને તેડતી આવી છું.” “કોણ છે વળી?” એમ કહેતા ‘મે’રબાન’ અંદર દૃષ્ટિ કરતા ઊભા. વિમળાને માણેકબહેને કહ્યું “મોં તો બતાવ તારા બનેવીને!” બંને એકબીજા સામે જોઈ રહ્યાં. જોયાં હશે વર્ષો પૂર્વે. સ્મરણ નહીંવત્ હતું. પાતળી ઊંચી કાઠીના બનેવી મનોહરલાલને અકાળે બેઉ લમણાં પર ધોળાં આવી ગયાં હતાં, ચહેરો અક્કડ હતો, અને તીક્ષ્ણ આંખોમાં આછો મલકાટ એટલો તો ગુપ્ત હતો કે કોઈકને જ એ જોવા મળે. માણેકબહેને બહાર આવીને બારણાં સુધી જઈ મશિયાઈ બહેનની પિછાન દીધી અને અહીં લઈ આવવાનું પ્રયોજન કહ્યું. મનોહરલાલે ટકોર કરી “આ ઘરની અંદર તો કૈંક આવે છે ને જાય છે. છોકરી બાપડી ભોળી લાગે છે, એટલા પૂરતો તારે માથે બોજો થયો. બાકી તો સારું કર્યું. અને જો, રસોયો પણ આજથી કદાચ ન આવે, સવારે છણકો કરીને ગયો છે, અને મેં તો હવે ગૃહરાજ્ઞીને ઘરનો ચાર્જ ક્ષેમકુશળ સોંપી દીધો છે.” “વ…આ…આ…રુ, મે’રબાન! એમ કો’ ને ચોખ્ખું કે વીસ જણનું ભઠિયારું સાંજે કરી રાખજે!” “કહેવે કહેવે ફેર છે ના! માને કાંઈ સાચું છે છતાંય, બાપની બૈરી કહીને બોલાવાય છે?” “અરે તમારી ખૂબી!” કહેતાં માણેકબહેન વિદાય થતા વરને ચોંટિયો ખણવા ગયાં, ત્યાં તો ‘એ બધી રાતે વાત!’ એમ કહેતો મનોહરલાલ, જે ચાલાકીથી સીડી પર સરકી ગયો, તે ચાલાકી એનામાં આજે તો શું પણ જન્મારેય કદી હોઈ શકે નહીં, એવું સોગંદ પર કહેવા એના નજીકના સ્નેહીઓ પણ છાતી ઠોકીને બહાર પડ્યા હોત. કારણ કે એ ચાલાકીનું લીલાસ્થાન વરવહુ બે જ જણાંની વિશ્રંભપળોમાં જ હતું. જેમ જેમ સાંજ પડ્યા પછીનો સમય અંધારું ઘૂંટતો ગયો તેમ વિમળાએ માણેકબહેનના ઘરના દાદર પર અને દ્વાર પર નાનાંમોટાં ઘમસાણ ચાલુ થતાં સાંભળ્યાં. દાદરના પથ્થરો પર તડાક તડાક બોલતાં ચંપલો ને પઠાણી સૅન્ડલો પછડાતાં-ઘસાતાં આવે છે; અને જોશભેર હસવાના તથા ઉગ્ર રોષના ઉશ્કેરાટભર્યા સામસામા અવાજો બારણા સાથે અફળાટ કરે છે. એક કહે છે “નહીં, જવાહરના ભેજામાં ભૂસું ભર્યું છે. આઇડિયોલૉજી…” બીજો બોલે છે “મૉસ્કોના પઢાવ્યા તમે તો પોપટ છો પોપટ.” ત્રીજો “પંદર દા’ડામાં દેશભરમાં કૉન્ફ્લેગ્રેશન (દાવાનળ) સમજજો.” ચોથો “આ વખતે તો ફાઇટ ટુ ધ ફિનિશ!” પહેલો “કંઈ નથી થવાનું… આઇડિયોલૉજી.” ત્રીજો “આઇડિયોલૉજીની મોંપાટ શું લો છો, યાર! શું વલ્લભભાઈને આઇડિયોલૉજી નથી એમ કહેવું છે તમારું?” પહેલો “ઑફ કોર્સ, એમ જ.” ત્રીજો “આ સામ્યવાદીઓને તો મારીમારીને બોલતા બંધ કરવા જોઈએ.” પાંચમો “ધૅટ્સ ઇટ! ધૅટ ઇઝ અવર ટ્રાયમ્ફ! (વાહવાહ! એ જ અમારો વિજય!) તમારા ઉશ્કેરાટથી જ અમને જીત મળે છે.” ત્રીજો “હવે બેસો બેસો! હું તો કંઈ નથી ઉશ્કેરાયો.” આમ આ હા વા ને ધાબડિયો આસ્તેકદમ મુલાકાસ્તેકદમ મનોહરલાલ-માણેકબહેનના ઘરમાં દાખલ થયા અને એમાંના બે-ત્રણ જણાએ સીધા રસોડામાં પેસી માણેકબહેન પૂરીઓ તળતાં હતાં તેમાંથી એક્કેક ઉપાડતે ઉપાડતે માણેકબહેનના સમાચાર પૂછવા માંડ્યા. “અહો! કાઠિયાવાડ આવ્યું કે પાછું? આ વખતે કોઈ ડેકૉઇટ કે રૉબર કોઈ બહારવટિયો-લૂંટારો મળેલો ખરો કે, માણેકબે’ન?” “એ બધી વાતો હું તમને બધાને કહું, ખૂબ સાંભળવા જેવી છે, પણ પ્રથમ તો તમે અક્કેક પૂરી ઉપાડી લઈને રસોડાની બહાર નીકળો.” માણેકબહેન આ કહેતાં હતાં ત્યારે એ મિત્રમંડળની નજર વિમળા પર પડી. વધુ એક શબ્દ બોલ્યા વગર એઓ પોતાનાં ટોળટિખળ ચૂપ રાખીને બેઠકના ખંડમાં ચાલ્યા ગયા. વિમળાનું જિગર મજબૂત હતું એ વાત સાચી, પણ એક ગૃહસ્થીના ઘરમાં બહારના માણસો કાયમી વાસો કરતા હોય, વહેલામોડા ફાવે ત્યારે બહારથી આવી જમવાનું કે સૂવાનું પામી શકતા હોય, વાતોનાં સાદાં ટોળટપ્પાં મારી શકતા હોય તેમ જ દેશના સળગતા જાહેર પ્રશ્નો પર હળવી-ભારે ચર્ચા કરી શકતા હોય, માણેકબહેન અને એના પતિ મનોહરલાલ આ સઘળી બાબતોમાં સામેલ રહેતાં હોય, ગંભીર વાતોમાંથી એકાએક ગંજીપો લઈ સૌની જોડે આ દંપતી બ્રિજ-બિઝિક રમવા પણ બેસી જતા હોય, એ સઘળી લીલાએ વિમળાને ઠીકઠીક અકળાવી, વિસ્મિત બનાવી, અને ભયભીત સુધ્ધાં કરી. પહેલી જ રાત હતી, પંદરેક દિવસની ગેરહાજરી પછીનું પતિ-પત્નીનું મળવું થયું હતું, તેમ છતાં સૌની સંગાથે બેઠાં બેઠાં અધરાતનો સુમાર થયો. પછી બે-પાંચ ગયા, ત્રણ-ચાર રહ્યા. માણેકબહેને સૌની પથારીઓની વેતરણ કરવા માંડી. એમની ગણતરી આજે તો પોતાના શયનખંડને સલામત રાખવાની હતી. મનોહરલાલ હિંદુસ્તાનની અંદરના રેડિયો-કાર્યક્રમો ખલાસ કરીને, મુંબઈ, દિલ્હી, લખનૌ, કલકત્તા વગેરે બધાં સ્ટેશન પતાવી નાખીને પછી અલકમલકનાં સ્ટેશનો પર કાંટો ફેરવતા હતા, તરેહ તરેહની જબાનો સાંભળતા હતા. છેલ્લે પહોળું બગાસું ખાઈને માણેકબહેને પતિને કહ્યું કે “હવે તો બચાડા રેડિયાનો જીવ લેવો છોડો! ઊઠો, ઊંઘ ભરાણી છે મને તો.” “આ લગાર લગાર સાઇગોનને સાંભળીએ. જુઓ, કોઈ કૅપ્ટન મોહનસિંગ બોલે છે.” એમ કહેતા મનોહરલાલ એકાગ્ર બન્યા. ઘરમાં હાજર હતાં તે સર્વ હાજર થઈ જઈને એકકાને સાંભળતાં ઊભાં. ઇન્ડો-ચાઈનાના પાટનગર સાઇગોનમાંથી શુદ્ધ હિંદી સ્વરોની ધારા વહેતી હતી. મરદાઈના મરોડો વડે શોભતા શબ્દ કોઈ રણબંકડા હિન્દીવાનના હોઠ પરથી ટપકતા હતા “પ્યારા દેશબાંધવો, અમારી ફિકર કરશો નહીં. અમને હિન્દીવાન સૈનિકોને જાપાનને હાથે જબ્બે થવા સોંપી દઈને અંગ્રેજ ઠંડે કલેજે ચાલ્યા ગયા છે. પણ અમે આઝાદ હિન્દ ફોજની સ્થાપના વિચારી છે. જુઓ, સાંભળો, આ આઝાદ ફૌજી જુવાનો અહીંથી બોલે છે. પોતાનાં માતપિતાને ખુશખબર કહેવરાવે છે.” પછી કોઈ કોઈ બુલંદ ઘેરો પ્રૌઢ અવાજ, એ પછી કોઈક જખમી જનનો કંઠ, અને એ પછી કોઈક યુવાનીના પ્રવેશદ્વારે ઊભેલા છોકરાની તરડાતીભરડાતી જબાન અનુક્રમે બોલી ઊઠી ફલાણો પ્રાંત, ફલાણો જિલ્લો, ફલાણો તાલુકો, એમાં અમુક શહેર, ને એ શહેરની પાસે આવેલા અમુક ગામડાનો હું રહીશ બાપનું અમુક નામ એને કહેજો, કોઈક, કે હું અમુક નામઠામનો, અમુક પલટનમાંનો, માણસ ખુશીમજામાં છું, દેશની આઝાદી મેળવવા હું લડનાર છું, મારી ફિકર કરશો નહીં, મારી બહેનને બોલાવશો, મારી માને મારા પ્રણામ પહોંચાડશો અને તમે સૌ પણ ત્યાંથી અંગ્રેજોને હાંકી કાઢજો… વગેરે વગેરે ઓળખાણ આપીને અપાતા આ દેશાવરી સંદેશા સ્તબ્ધ હૃદયે સૌ સાંભળતાં હતાં, ને વિમળા પણ અધ્ધર શ્વાસે બેઠી હતી. તેને થતું હતું કે હજુ કોઈક નવું માણસ એ રેડિયો પર નીકળશે, જેનું નામ ને ગામ જાણીતું છે. પણ એ પોતાનો સંદેશો કોને પહોંચાડવાનું કહેશે? કોનું નામ લેશે? આ દસ-બાર માણસોની વચ્ચે વીંટાયલું જ્યોતિર્મય યંત્ર શું એકાદ કોઈક દિવસ પણ નહીં બોલી ઊઠે કે ‘કેરાળી ગામમાં એક વિમળા નામની કન્યાને…’ પણ હવે તો રેડિયો પર ‘વંદે માતરમ્’ ગવાતું સંભળાયું. સ્ત્રી-પુરુષોનો કોઈ મોટો સમૂહ મળીને દરિયાપારથી ગાતો હતો. અને એ ગાનની સન્મુખ પેલા, સાંજથી લઈ અધરાત સુધી ચર્ચાદલીલોના અવિરત બડબડાટ કરનાર પાંચ-છ જણા મંત્રમુગ્ધ હૃદયે, નિમીલિત નયને, પૂજ્યભાવપ્રેરિત ચહેરે, પ્રાર્થનાભરપૂર ઊભા હતા. અજાણી વિમળાને પણ વધારે સ્પષ્ટીકરણ વગર જ સમજાઈ ગયું હતું કે દુનિયાના બેઉ ગોલાર્ધોમાં ચાલી રહેલી માનવી-માનવીની કાપાકાપી વચ્ચે, પ્રલયના ઝંઝાગ્નિની વચ્ચે, આ કોઈક ગર્વભર્યા ખુવાર દેશવાસીઓ ગાતા હતા જે ગાન તેઓ ગાતા હતા, તે ગાન વિમળાએ પણ પોતાના ગામની કન્યાશાળાના મેળાવડામાં અન્ય સખીઓની જોડે ગાયું હતું, પણ આવું તો એ કદાપિ નહોતું સ્પર્શ્યું. આટલાં બધાં ઉષ્મા, ઉલ્લાસ ને ઉજાસ શું એકના એક જ શબ્દઝૂમખામાં અગોચર અને અણસુણ્યાં પડ્યાં હતાં! વિમળા, જેણે પ્રાર્થના કદી કરી નહોતી તે વિમળા, શૂન્યને પ્રાણમંદિરે પહેલી જ વાર નમી રહી. બધાં પોતપોતાને ઠેકાણે સૂવા ગયાં, અને માણેકબહેન પોતાનો નાનાં છોકરાંનો ને પતિનો સૂવાનો એ અલાહેદો ઓરડો બંધ કરતાં હતાં તે જ ટાણે દરવાજે ટકોરી વાગી. અંદર આવનાર હતાં એનાં દેર-દેરાણી. “ઓહો! અત્યારે? ક્યાંથી માટુંગાથી?” “ના, ના, એ તો બપોરે એક મિત્રને ત્યાં આવેલાં, મોડું થઈ ગયું, થયું કે હવે રાત જ રહી જઈએ.” બહાર પરામાં રહેતાં દેર-દેરાણીને આવી બેજવાબદાર વિશ્વાસવૃત્તિને માટે કશું જ કહ્યા વગર ભોજાઈએ ઘરમાં લીધાં. જગ્યા તો હવે કોઈ બીજી રહી નહોતી. પોતે દેરાણીની સાથે જ્યાં વિમળા હતી તે મોટાં છોકરાંવાળા ખંડમાં પથારી કરી, અને દેરને એના મોટાભાઈ સાથે પોતાના સૂવાના ખંડમાં સુવરાવ્યો. સાઇગોન રેડિયોના શબ્દ-ભણકાર સૂર-ભણકાર વિમળાને અંતરદ્વારેથી મોડી રાતે પણ શમ્યા નહોતા. પોતાને આ થોડા કલાકોની અંદર જીવનના ધરમૂળમાંથી કશોક ફેરફાર થયો જણાતો હતો. આ ઘરની ગૃહિણી માણેકબાઈ, ગૃહપતિ મનોહરલાલ, આ બહારથી આવનારા ચિત્રવિચિત્ર અને ભેદી સૃષ્ટિના કોઈક આગંતુકો, અને એ બહારવાળાઓની ખિદમત આડે જેમને ઘરમાં પોતાનો અલાયદો રમત-ઓરડો પણ નહોતો મળી શકતો તે ત્રણ-ચાર નાનાં બાળકોનું મૌનભર્યું જીવન બધું જ રહસ્યમય હતું. ને સૌથી વિશેષ વિસ્મયકારી તો વિમળાને માટે આ હતું કે પેલા પાંચ-છ ચર્ચાખોર આગંતુકો, એકબીજાની વિરોધી વિચાર-દુનિયાનાં પ્રાણીઓ હોવા છતાં, તે રાત્રિ-પહોરે એકબીજાની નજીક નિરાંતે ઊંઘતા હતા. એમાં એક એમ.એ.નો અભ્યાસ કરતો હતો. બીજો રૉયલ ઇન્ડિયન નેવીમાં જવા માટે ભણતો હતો. ત્રીજો ચારેક મહિનાથી મુંબઈમાં રહ્યો રહ્યો કાઠિયાવાડમાંની પોતાની એક હરિજન સંસ્થાને માટે ફાળો કરતો હતો, અને હજુ એ સંસ્થાને સંભાળવા પાછો પહોંચતાં પહોંચતાં બેએક મહિના કાઢી નાખશે એમ મનોહરલાલનું માનવું હતું. ચોથો મૂળ તો આસામનો વતની, મુંબઈમાં આવેલો અનાથ અવસ્થામાં, ઊછરેલ કોઇ બાવાની જોડે મંદિરમાં, ભણેલો એક વેશ્યાને ઘેર રહી. ભણીને નિશાળમાં માસ્તર થયો હતો. ભણતર ભણાવતે ભણાવતે કોઈક એકાદ ગુજરાતી કન્યાને પરણી લેવાના કોડ સેવતો હતો. એ કોડને પૂરનાર કોઈ ન મળ્યું એટલે કૉંગ્રેસ હાઉસમાં વગર વેતને સેવા આપતો હતો. એ સેવાની કદરરૂપે અને કાયમીપણાને ખાતર કોઈક આગેવાને એની જોગવાઈનો ભાર માણેકબહેન પર નાખ્યો હતો. કૉંગ્રેસના ખડા સૈનિક તરીકે એનું કામ લડત થાય ત્યારે જેલમાં જવાનું હતું, અને શાંતિકાળ દરમ્યાન સિગારેટો પીતાંપીતાં એક આગેવાનની વાતો બીજા આગેવાનને ઘેર જઈ મીઠુંમરચું ભભરાવીને કહેવાનું હતું. ચોરલૂંટારાને પણ ખાનદાનીના નિયમો હોય છે, તેમ આ માણસના સંબંધમાં પણ માણેકબહેનને માતૃતુલ્ય ગણવાની અને એમના ઘરની એક પણ સારીમાઠી વાત બીજે કોઇ સ્થળે ન કરવાની ડાકુ-નીતિ હતી. પાંચમા એક ભાઈ, એલ.એલ.બી. થઈને બે વરસ નોકરી કર્યા પછી પાછા ફિલસૂફીના વિષયમાં એમ.એ.નું કરી લેનાર, અને એમ.એ. તરીકે પોણાબે વર્ષ શાળા ભણાવ્યા પછી પાછા ગણિતમાં એમ.એ. થવાનો મનોરથ લઈ બેસનાર અલગારી હતા. આવાઓને મુંબઈમાં મુખ્ય જરૂર સૂઈ રહેવા અને બે ટંકનું પેટિયું મેળવી લેવાની હતી. માણેકબહેનનું ઘર એમને એ પૂરું પાડતું હતું. બદલામાં એ કશો કૃતજ્ઞતાનો ભાવ પણ નહોતા સેવતા, દબાઇસંકોડાઈને પણ નહોતા રહેતા, તેમ બીજી બાજુ આ પોતાનું ઘર જ છે એવો સહજભાવ સેવતા હતા. એક વાર વિમળાના આવ્યા બાદ ત્રણેક દહાડે, કૉંગ્રેસ મહાસમિતિની 1942ના ઑગસ્ટની 8મી તારીખની બેઠક પર ગુજરાતમાંથી બેએક પ્રતિનિધિ આવ્યા હતા. તેમનો ઉતારો પણ માણેકબહેનને ત્યાં હતો. એમણે અગાઉ અનેક વાર આવેલ એ વખતની માફક આ વેળાએ પણ ઘરમાં પડેલા આ બહારવાળાઓનાં બિછાનાંની અવ્યવસ્થિતતા ટાળવા માટે માણેકબહેનને મથતાં જોઈ જોઈને, પ્રભાતે ચા પીતાં પીતાં કહ્યું “આ તે કંઈ ઘર છે? આ તો ધર્મશાળા છે ધર્મશાળા!” કહેતા કહેતા એ કહેનાર હસ્યા. માણેકબહેનની આંખ એ સાંભળી એકાએક બદલી ગઈ. કહેનાર તરફ ફરીને એણે પૂછ્યું “શું બોલ્યા… ભાઈ? ફરી કહો તો! આ ધર્મશાળા છે? ધર્મશાળા છે મારું ઘર?” કહેનારના ચહેરા પરથી રુધિર સુકાઈ ગયું. એમનો ગર્ભિત હેતુ તો માણેકબહેનની દયા ખાવાનો હતો. પણ એ દયા ખાવા જતાં એમના પોતાના મનમાં પડેલી એક માન્યતા બહાર ડોકાઈ પડી કે આંહીં આ ઘરમાં તો કોઈપણ માણસ ધામા નાખી શકે છે; કોઈ ના પાડનાર નથી! માણેકબહેને એ દિવસે આ ભાઈને જમવાનું તો રોજના કરતાંય અધિક ચીવટથી પીરસ્યું, પણ રોજિંદું રોનકીપણું માણેકબહેનના પીરસવા-જમવામાંથી ઊડી ગયું હતું. એમણે પોતાના ગાંભીર્યનો વધુ કશો ઊહાપોહ કર્યો નહીં. બીજા કોઈની મગદૂર નહોતી મનોહરલાલની પણ નહીં! કે એમને આ વાત પર ટાઢાં પાડી શકે. મન એનું માંહી બેઠું બેઠું બોલતું હતું કે અહીં આ બધાને રહેવા-ઊતરવા દઉં છું અને એમની વિચિત્રતા તેમ જ બેદરકારી વગેરે બધું ચલાવી લઉં છું, એ તો એમને ઘરનાં બાળકો જેવાં જાણીને. એ પણ છો આ વિચિત્ર આદતો ને સંસ્કારો રાખીને રહે પણ એમને આટલું ભાન હોવું જોઈએ કે પોતે ઘરના જણ થઈને રહે છે, માટે આ લાલન પામી રહેલ છે. ધર્મશાળા સમજીને અહીં પડવાનો કોઈને જ અધિકાર નથી. કદી ન રડનાર માણેકબહેનની આંખો તે આખો દિવસ સુકાઈ નહીં, અને પેલા ‘ધર્મશાળા’ કહી ટીખળ કરનાર ભાઈ ફરી ઘેર ડોકાયા નહીં. આમ આ ઘરની અંદર બનતા નાનામોટા બનાવોની ઝીણી ઝીણી અસરોમાં વિમળા રંગાયે જતી હતી. દિનભરમાં એનો સૌથી વધુ રસભર્યો સમય સાંજરે, બપોરે કે વહેલી સવારે મનોહરલાલ જ્યારે રેડિયોનો કાંટો ઘુમરડતા બેસતા એ જ હતો. પોતે બાજુના ખંડમાં બારણા આડે લપાઈને બેઠી બેઠી કાન માંડતી. એમ પણ થતું કે દિવસે જ્યારે કોઈ ઘરમાં ન હોય ત્યારે, કદાચ છે તે સાઈગોન રેડિયો પર કોઈક જો પેલા, પોતે જેને માટે ઉત્સુક હતી તે, સમાચાર બોલી નાખશે, તો શું થશે! અને બીજો પ્રશ્ન એને આ પણ થતો કે જો સાઇગોન રેડિયો પરથી બોલાતા સંદેશા અહીં મળી શકતા હોય, તો પછી આ માણેકબહેનના રેડિયો પર હું જો બોલું કે ‘ભાઈ! કાઠિયાવાડના ફલાણા ફલાણા ગામના મૂળ રહેવાસી અને રિસાઈને મલાયા-સિંગાપુર ચાલ્યા ગયેલા એક સુમનચંદ્ર નામે વેપારી લાઇનના માણસને આટલા ખબર દેશો?’ તો ત્યાં સાઇગોન રેડિયો પર કોઈકને કોઈક તો સાંભળશે જ; અને સાંભળશે તો સિંગાપુર-મલાયામાં સમાચાર પણ દેશેસ્તો! આવી ગેરસમજણથી એણે 1942ના ઑગસ્ટની તા. 8મીના બપોરે એકાંતે માણેકબહેનની ગેરહાજરીમાં રેડિયોની સ્વિચ ઉઘાડી, ધીરે ધીરે એના કાચ પાછળ જલતી જ્યોતને સંબોધી કહ્યું પણ ખરું કે “કોણ છે ત્યાં? કોઈ છે? મારે સાઇગોન રેડિયોવાળાને સંદેશો કહેવો છે!” એની પાછળ કોઈક ખડખડાટ હસી પડ્યું. બાપડી હાંફળીફાંફળી ઊભી થઈ ગઈ. હસનારાં માણેકબહેનનાં નિશાળથી ઘેર આવેલાં છોકરાં હતાં. એમાંની મોટી છોકરીએ કહ્યું “માશી! શું કરતાં હતાં? સાઇગોન કોને સંદેશો કહેતાં હતાં? એમ કંઈ આ રેડિયા-સેટમાંથી કોઈ સાંભળી શકે? એ તો એના બ્રૉડકાસ્ટિંગના સ્ટેશને જવું પડે પણ ત્યાં તમને કોઈ બોલવા ન દે, એક હજાર શું, એક લાખ રૂપિયા આપો તો પણ નહીં, હાં કે માશી! ત્યાં સાઇગોનમાં તમારું કોઈ છે, માશી? કોઈ રહી ગયું છે? એને શું સ્ટીમર નહોતી મળી? પણ તો તો હવે એ ક્યાંથી રહ્યું હોય? એને તો મારી જ નાખ્યા હોય.” મુંબઈ શહેરનાં છોકરાંને માટે આ બાબતની સમજ સહજ હતી. કાચની પૂતળી સરખી પારદર્શક પ્રકૃતિની એ છોકરીના છેલ્લા શબ્દ વિમળાની કલ્પનાશક્તિને ઢંઢોળી ગયા. એણે જવાબ દીધો “અરે, એ તો હું અમસ્તી લહેર કરતી હતી. એ તો હું પણ જાણું જ ને કે આમાંથી તે કંઈ કોઈને સંભળાવી શકાય?” અધરાત વીતી ગયા બાદ મોટરગાડી આવી અને એમાંથી ઊતરેલાં એ માણેકબહેનને છેક દાદર પરથી બેકાબૂ થનગનાટ કરતાં આવેલાં દેખી પતિએ પૂછ્યું “કાં, શું સમાચાર છે? બેઠક પૂરી થઈ ગઈ?” એનો પ્રશ્ન ગોવાળિયા તળાવમાં ભરાયેલી કૉંગ્રેસ મહાસમિતિ વિશેનો હતો. “પૂરી થઈ શું, બાપુએ તો કમાલ કરી!” માણેકબહેને પાણીનો ગ્લાસ લઈ કંઠ-ઘૂઘરો રમતો મૂક્યો “કરેંગે-મરેંગેનું આખરીનામું આપ્યું. હવે સરકારના મોતિયા મર્યા જાણજો!” “હં-હં ” “કેમ તમે કંઈ વાત કહેતા નથી?” “મને તો માઠું થનારું લાગે છે.” “એટલે શું? સરકાર પકડી લેશે બધાંને?” “મને એમ જ લાગે છે.” બોલતાં બોલતાં પતિ હાથનાં આંગળાં ચોળતા હતા. એમણે વાત આગળ ચલાવી “ગાંધીજીએ ભલે ને હૈયાં હલમલાવી નાખે એવું છેલ્લું ભાષણ કર્યું, વાઇસરૉયને મિત્ર કહ્યા, મળવા દેવાની માગણી કરી, મળ્યા પહેલાં મારે તો કંઈ લડત ઉપાડવી જ નથી, એવું એવું મીઠું મધ જેવું ભલે ને કહ્યું પણ સરકાર હવે સમય આપે એમ મને તો નથી લાગતું.” “તો તો લડત ઊપડશે.” “ઊપડશે તે તો ઠીક પણ એમાં શું બળ્યું હશે!” “કેમ?” “કોઈને કશી ખબર નથી, કશી દોરવણી નથી, બધાં જ ધાંધિયાં છે.” પત્નીએ કહ્યું “અરે, વાત શી કરો છો? અત્યારે તે સરકાર શું મૂરખી છે કે આ દેશને છંછેડે? જાપાન મારમાર કરતું આવે છે એનો તો વિચાર કરો ને!” “શું વિચાર કરે?” “કેમ, શું વિચાર કરે? આખો દેશ સળગી ઊઠ્યા વિના રહેવાનો છે શું? મિલો-કારખાનાંને તાળાં દેવાય, ટ્રેનો, તાર, ટપાલના વ્યવહાર તૂટી પડે, એ ઉપરાંત આજે તો લશ્કરને વીફરી જતાં વાર નથી લાગવાની.” પત્નીના દોરેલા આ ચિત્ર ઉપર શાહીનો ખડિયો ઊંધો વાળી દેતો હોય એવી દર્દભરી હાંસી સાથે પતિએ કહ્યું “આ બધી તો તમારી ધોળી ટોપીની ફિશિયારી જ છે!” “નહીં, દરેક માણસ બોલે છે. અને અમે તો દેશના મોટા મોટાઓ પાસેથી જ સાંભળ્યું છે કે જવાહર પાસે તો મોટા લશ્કરી માણસો આવીને કહી પણ ગયા.” “શું કહી ગયા?” “કે લડત જગાડો, એટલે અમે ઝંપલાવવા તૈયાર જ છીએ.” “હા, એમ તો જમશેદપુરની તાતા-ફૅક્ટરી વિશે પણ એવા જ ગપાટા ચાલે છે કે તાતા પોતે મહાત્માજીને મળી ગયા આજે જ, અને જો લડત ઊપડે તો આખું કારખાનું બંધ કરી બેસવાનો કોલ દઈ ગયા! બધી બજારુ વાતો છે. સરકાર નહીં ડરે. પકડશે કદાચ છે ને રાતોરાત પકડશે.” પાણીનો ગ્લાસ માણેકબહેનના હાથમાં જ ભરેલો હતો, પણ એને મોંએ અડકાડવાનું વીસરીને એ વિમાસી રહ્યાં. મોં પર પતિના ભાખેલા આગમ-બોલની વાદળી છવાઈ ગઈ. એ બોલવા જતાં હતાં કે “તો તો મને…” “હા એ તો, લિસ્ટ તૈયાર જ હશે.” “હવે જાઓ જાઓ!” પત્ની ઊભી થઈને કહેવા લાગી “ઘેલા થશો ના. સરકારથી કશું બનવાનું નથી. મહાત્માજીએ ખરેખરી એના પગમાં આંટી નાખી છે. પકડે તો તો સરકારનું મોત હાથવેંતમાં સમજવું.” “ઠીક, ચાલો, જોઈએ, સવારે શું થાય છે.” પછી સવારે જ્યારે મનોહરલાલ ઊઠીને ટેલિફોન પર નંબર ઘુમરડવા લાગ્યા, ત્યારે યંત્ર ખોટકાઈ ગયેલું જણાયું. સામી બાજુએ આવેલા પાડોશીના ટેલિફોન પર ગયા, ત્યાં પણ કહે કે અમારો ફોન ખોટકાઈ ગયો છે. પાએક કલાકમાં તો આ ક. બિલ્ડિંગના એકેએક ફોન ખોટા પડી ગયા હતા. “આ તે શું!” બહાર નજર કરે છે, તો નજર પહોંચી શકી ત્યાં સુધી પોલીસ… પોલીસ! ચોકીપહેરા બેસી ગયા છે. માણસો ખબર લાવ્યા “ગાંધીજીને અને બીજા ઘણાને પકડી ઉપાડી ગયા…” “ક્યાં?” “ઈશ્વર જાણે!” માણેકબહેને પતિની સામે જોયું. પતિએ એમ તો બેશક ન જ કહ્યું કે ‘હું નહોતો કહેતો!’ પણ કહ્યું કે “બિરલા હાઉસ પર ફોન તો જોડો!” ફોન પાછા ચાલુ થઈ ગયા હતા. માણેકબહેને બિરલા હાઉસનો ફોન જોડી પૂછ્યું “એલાવ! ગાંધીજી પકડાઈ ગયા શું?” “બંધ કરો!” સામો ઉત્તર મળ્યો, અને રિસીવર ધબ દેતું નીચે મુકાયું એવું લાગ્યું. ફરી ફરી બિરલા હાઉસ ખાતે નંબર જોડવાનો પ્રયત્ન કરતાં, એક વાર સામેથી બહુ જ અસભ્ય જવાબ સાંભળવા મળ્યો. મોડેથી બારણા પરની ટકોરી વાગી. ઉઘાડવા જતા મનોહરલાલે કહ્યું “આવી પહોંચ્યા જણાય છે!”