કાળચક્ર/માણેકબહેન

From Ekatra Wiki
Revision as of 09:58, 30 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માણેકબહેન


વિમળાને ઘેર જઈ પોતાના વરના વાસી બની ગયેલા કુશળ ખબર આપવા હૂરબાઈ ઘણા દિવસથી ઇંતેજાર હતી. (એ ખબર વાસી હતા, કારણ કે ચાર-છ મહિના પહેલાંના હતા.) પણ ખેતર-વાડીનાં અટપટાં કામોએ એને રોકી રાખી હતી. વાડીમાં ઘઉંને પાણ પવાતાં હતાં, તો છેટે ખેતરમાં મગ-મઠ ઊંચકાતા હતા, ત્યાં પાછા તલ ઉમેળાતા હતા, કાલાં વીણાતાં હતાં. પોતાના આનંદની વાતને જાણે કે દાબડીમાં મૂકી દેવી પડી હતી. બહેનનો આ આનંદ રમજાનને ગમતો નહોતો, સમજાતો પણ નહોતો. ગુલઝારને એ કોઈક જાપાની કેદી-છાવણીમાં વગર પોષણે રિબાતોસબડતો અગર તો કે’ દા’ડાનો ઠાર થઈ ગયેલો માનતો હતો. ભાઈની દૃષ્ટિ ચૂકવીને એક દિવસ હૂરબાઈ બહેનપણીને ઘેર ગઈ. છોકરો સાથે હતો.

ઓશરીની કોર પર છોકરાને ઊભાડીને પોતે તો હજુ ફળિયામાં ઊભી હતી, ત્યાં એણે અંદરના ઓરડામાં એક નવી વ્યક્તિ દીઠી. ભરાવદાર શરીરનો પીઠભાગ જ એટલો વિચિત્ર હતો કે આ કોઈ સ્ત્રી છે કે પુરુષ તે સમસ્યા થઈ પડે. પણ એ પીઠ પર બહુ લાંબો નહીં કે બહુ ટૂંકો નહીં એવો ચોટલો ઝૂલતો હતો, ને ભુજા સુધીના ખુલ્લા હાથ ઊજળા હતા. હાથની કળાઈઓ ઉપર છૂંદણાંની હાર ને હાર હતી, જે પરથી કોઈક જૂના જમાનાનું માણસ લાગે. સફેદ ખાદીની જાડી સાડી જો અરધો બરડો ઉઘાડો મૂકીને ખભા પર પડી ન હોય, તો કોઈ પુરુષ ધોતિયું ઓઢીને ઊભેલો લાગત. કરચલી વળીને જરા ઊંચે ચડી ગયેલ એ સાડીની નીચેથી ચણિયો (તે પણ સફેદ ને જાડો) દેખાતો હતો. પગની પિંડીઓ સહેજ ડોકાતી હતી. પગનાં કાંડાં પર કાંઈ દાગીનો નહોતો. પગની પેશીઓમાં સુકોમળતા નહોતી. હાથને કાંડે ફક્ત અક્કેક પાતળી ચૂડી હતી. કમરે એક હાથ દઈને એ ઊભી ઊભી વિમળાની બાને કહેતી હતી “તમે મારો ભરોસો રાખો ને, માશી! મને એક વાર એને આંહ્યથી ખેસવવા દ્યો. પછી તમે જુઓ, શું થાય છે!” પોતાને માશી કહેનાર આ સ્ત્રીને વિમળાનાં બા ઓશિયાળી, રાંકડી ને ઉચાટભરી આંખે કહેતાં હતાં “તારા વિના એને બીજું કોઈ ઠેકાણે નહીં લાવી શકે, માંકુ! તારો મને ભરોસો છે. બીજા તો કોઈને ઘેર મોકલું નહીં; પણ તું એનું મન મનવીને ક્યાંક સારું ઠેકાણું ગોતી દે, બે’ન! તું જ મારો ઇષ્ટદેવ. બાકી આ મારાથી નથી ખમાતું. આ કુટુંબીઓના કડવા બોલ રાત-દા’ડો મારી છાતી છૂંદી રયા છે.” “મારો ભરોસો હોય તો ભરો ઘેલીનાં કપડાં.” “ક્યારે જાવું છે?” “તમે ઘેલીને તૈયાર કરી દ્યો, તો હું પરમ દી પાછી ફરું કે તરત.” “એને તેં પૂછ્યું છે?” “એ તો મને સામે ચાલીને કહી રહી છે કે બે’ન, મને મુંબઈ તેડી જા, કોઈ રીતે મુંબઈ ભેગી કર.” હૂરબાઈ સમજી ગઈ. બહેનપણી ઘેલીને મુંબઈ લઈ જઈ એનું ક્યાંક લગ્ન કરી નાખવાનો ઇરાદો આ કોઈ મહેમાન બાઈની સાથે ચર્ચાઈ રહ્યો છે. ઘેલીબે’ન ઘરમાં જણાતી નથી. બાજુમાં રસોડું હતું ત્યાં પોતે ગઈ. વિમળા રોટલી કરતી હતી. હૂરબાઈ દૂર બેઠી બેઠી વાતો કરવા લાગી; ગુલઝાર જીવતો હોવા વગેરેના ખબર દીધા. “સારું, બે’ન! ભગવાન તમને હેમખેમ પાછાં ભેટાડે.” “તમનેય.” હૂરબાઈએ સામી દુવા દીધી. “અમારું તો કોણ જાણે!” “કેમ કોણ જાણે?” “અમારે તો શ્યો સંબંધ ને શું સગપણ?” “સંબંધ-મોહબત ઈ તો મનની વાતું છે.” “પણ એકના મનની નહીં તો!” “એકના મનની વાત સામાના મનમાં ઊગ્યા વિના રહે નહીં.” “એમ?” “હા, આનો બાપ અમને ઝંખી રહ્યો છે ત્યાં કાળે પાણીએ ઠેઠ મલાયામાં.” “જે થાય તે ખરું, બાઈ!” “તમારાં તો ગાંસડાંપોટલાં બંધાય છે ને શું?” “હા, થોડા દી મન મોકળું કરી આવું.” “કોણ છે મે’માન?” “મારાં એક મશિયાઇ બે’ન છે.” “પરણાવી દેવાની પેરવી કરે છે?” “ના રે ના, એ તો મારી બાને ફોસલાવવા માટે.” “જબ્બર લાગે છે!” “મુંબઈમાં એને બધા જમાદાર કહે છે. બહુ જબ્બર છે.” “મરદ ઘડતાં ઘડતાં માલિકે અસ્ત્રી ઘડી લાગે છે.” “તેં એને જોયાં?” “વાંસો જોયો.” “મોઢું જોયું હોત તો ખબર પડત.” ત્યાં તો એ મરદ, સાધુડી અને સુભગા સ્ત્રીના મિશ્રણમાંથી બનેલી મહેમાન સ્ત્રી અંદરના ઘરભાગમાંથી રસોડા તરફ, ‘લે, ઘેલી, કર તૈયારી,’ એમ કહેતી કહેતી આવી. એનું મોઢું હૂરબાઈએ જોયું. ઘેલીબે’ન સાચું કહેતી હતી. આ ‘જમાદાર’ નામે મુંબઈ-મશહૂર સ્ત્રી સાચા અર્થમાં સુકોમળ, સોહામણી, બેશક ટાઢ-તડકા ને વરસાદમાં ટિપાઈ ટિપાઈ રીઢી બનેલી, પણ અમીરાતનાં ઊંડાં લક્ષણ લળકાવતી એક નરદમ નિર્ભેળ નારી જ હતી. એણે વિના પિછાને પણ હૂરબાઈના બાળકને બચકાર્યો; ઊંચે શીકા પરથી એક કેળું ઉતારીને આપ્યું; રસોડામાં ધસી આવતા બાળકને બીકથી રોકતી હૂરબાઈને એણે હસીને કહ્યું “બાળકનું કાંઈ નહીં, બે’ન!” “ના, બાપા, અભડાય.” હૂરબાઈ હસી. “કશુંય અભડાતું નથી. શું નાનું કે શું મોટું, કોઈ કોઈથી અભડાય નહીં.” “કરી મેલ્યું છે ને?” “એથી જ દાટ વાળ્યો છે ને? કર્યું તો કરનારે. કરનારા તો હજારું વરસ પહેલાં હાલ્યા ગ્યા, ને આપણને એકબીજાનાં ગળાં કાપતાં રાખ્યાં.” હૂરબાઈને પોતાનો ભાઈ રમજાન યાદ આવ્યો એ તો કહે છે કે હિંદુ પાણીનો છાંટોય ન લેવાય. એ કાફરનું પાણી કહેવાય. એ વિચારો કેમ જાણે વાંચી ગઈ હોય એમ આ મહેમાન બાઈ બોલી ઊઠી “અમે તમને હલકાં ગણ્યાં, તો હવે પાછાં તમે અમને કજાત ઠરાવેલ છે. સ્ટેશને સ્ટેશનેય હિંદુ પાણી ને મુસલમાન પાણી નોખાં નોખાં! અરે, હું મુંબઈથી આવી ત્યારે તરસે મરી જતી’તી; એક પણ સ્ટેશને હિંદુ પાણીવાળો ન મળે. મુસલમાન પાણીવાળાને મેં કહ્યું કે ભાઈ, લોટો ભરી દે; ત્યાં તો મારી જોડેનાં બધાં વાણિયાબામણ ચોંકી જ હાલ્યાં! એ તો ઠીક, પણ મુસલમાન પાણીવાળોય ‘નહીં મળે’ કહેતો ચાલ્યો ગયો.” હૂરબાઈને આ નારી પોતાના ગામમાં એટલે એ પોતાના જન્મારામાં નવી નવાઈની લાગી. એનો ઢીલોઢફ જાડો લેબાસ નખશિખ સફેદ રંગને લીધે કોઈ રાંડીરાંડ ચુસ્ત બામણી હોવાની શંકા કરાવતો હતો; ત્યારે એનું બોલવું કોઈ સુધરેલી વંઠેલીના જેવું હતું; નહીંતર હિંદુ ઊઠીને મુસલમાનનું પાણી પીવાની વાત કાં કરે! “તયેં તો મુંબીમાં જ જન્મ્યાં-ઊછર્યાં લાગો છો!” એણે પૂછી જોયું. “ના, બહેન,” મહેમાન સ્ત્રીએ એની લાક્ષણિક રીતે, ગળામાં ઘૂઘરો ખખડતો હોય એવા તોરથી ખડખડ હસીને જવાબ આપ્યો “આંહ્ય કાઠિયાવાડના ગામડામાં જ ઢેફાં ભાંગ્યાં છે. અઢારે આલમની હારે પાણી ભર્યાં છે, ને ઊભે વગડે છાણાં વીણ્યાં છે.” “કિયું ગામ પિયરિયાંનું?” “અત્યારમાં નરણાં નામ ન લેવાય. ઠીક, ઊભાં રયો.” એમ કહી, રોટલીનું બટકું મોંમાં મૂકીને પછી કહે કે “ભગતનું ગામ.” કાઠિયાવાડમાં કેટલાંક ગામ એવાં છે કે જેમનાં નામ ખાધાપીધા વગર લેવાઈ જાય તો ટાણાસર જમવા ન પમાય, એવી માન્યતા છે. સાયલા ગામને ‘ભગતનું ગામ’ કહેવાનો ચાલ એટલા કારણે જ પડ્યો છે. “ઈ તો શહેર વદે.” હૂરબાઈએ શહેર વિશેની પોતાની ગામઠી કલ્પના રજૂ કરી. “પણ મારે તો પિયરની દશ્ય જ બંધ પડી હતી, હું આઠ વરસની હતી ત્યારથી.” “તયેં પછી?” “મોસાળમાં ખોપાળે મોટી થઈ.” “તયેં તો સાસરું સુધરેલ શહેરનું હશે. વર હશે બાલિસ્ટલ!” “સાસરું સુધરેલ તો એવું હતું કે… હેં-હેં-હેં… રાતે વરને અરધી ઊંઘ પૂરી થયા પછી તો વહુથી ઓરડે પહોંચાય! એવાં સાત વરસ કાઢ્યાં.” ત્રણેય જણીઓ એકસામટી હસી પડી. “પછી?” હૂરબાઈથી પુછાઈ તો ગયું, પણ એવી શરમિંદી બની કે મોં આડે પાલવ નાખી દીધો. “પછી શું, એ કહું? જોજો હો, કહું છું, હં-હં-હં ” ગળાનો ઘૂઘરો રણઝણ્યો “વરની પથારીથી છેટે છેટે એક મેલું ફાટેલું ગોદડું પાથરીને પડું, તે વહેલું વાય વહાણું!” “વરને મળવાનુંય નહીં?” “કોક કોક વાર.” “ક્યારે?” એ પ્રશ્ન હૂરબાઈના નહીં, પણ વિમળાના હોઠમાંથી પડ્યો. પડતાં વાર તો વિમળા ઝબકી. એણે જીભ કચરી, “નહીં, નહીં, નહીં, હો! એમ બોલતી એ રોટલી કરતી ઊભી થઈ ગઈ. “કે’શો નહીં, મારા સમ! ભૂલ થઈ ગઈ.” એમ બોલતી એ ત્રણેયના હાસ્ય વચ્ચે બહાર નાસવા કરતી હતી, પણ મહેમાન બહેને એને પકડીને રોકી; પછી કહ્યું “સાંભળતી જા. જો, કહું, ક્યારે? જ્યારે જ્યારે સાસુએ તેમના દીકરાને અધરાત સુધી પાસે બેસાડીને મારા સામટા ગુનાની પારાયણ સંભળાવી હોય ને, ત્યારે, તે રાતે.” “તે દી શું વઢવેઢ કરે?” હૂરબાઈએ હિંમતથી પ્રશ્નાવલિ ચલાવી. “ના.” “તયેં?” “હેત કરે! હાં-હાં-હાં-હાં-હાં-” “કેવી રીતે?” “મર રે મર તું, હૂરકી!” કહેતી વિમળા શરમથી ગોટો વળી ગઈ, અને રોટલીનું ગોરણું પછાડતી પાછળ ફરી ગઈ એટલે મહેમાન બહેને કહ્યું “લે, ઘેલી! હવે રાતની વાતનો ખેલ ખલાસ કરી દીધો, હાંઉ? કર તું તારે રોટલી.” “લે હવે જા ને, બાઈ! તારે વાડીનું મોડું થાય છે.” વિમળાના એ જૂઠા જાકારાના જવાબમાં હૂરબાઈએ કહ્યું “આજ તો અમારી અગ્યારમી છે, ડાહી! ને તું તો હવે વનનું પંખેરું, કાલ્ય ઊડી જઈશ. થોડી વાર તો બેસવા દે! આ બોનને પાછી કે’ દી મળીશ? માયા લાગી ગઈ.” છોકરો માના પગ પાસે ઊંઘી ગયો હતો. એના મોં પરથી ખરેટા ઉખેડતી ઉખેડતી હૂરબાઈ બેસી રહી, ને પછી મહેમાન બહેનનું નામ પૂછ્યું. વિમળાએ કહ્યું “માણેકબે’ન.” “નામ હજી ગામઠી જ રાખ્યું છે ને શું?” “અરે બાઈ, નાની હતી ત્યારે તો મોસાળમાં માંકુડી કહેતા, ને આજ પાંચ છોકરાંની મા થઈને મોસાળ જઈશ તોય માંકુ કહીને બોલાવશે!” “કેટલાં વરસ થયાં?” હૂરબાઈ આશ્ચર્ય પામી. “તમને કેટલાં લાગે છે?” “ખબર ક્યાં પડે એવું છે!” “આડત્રીસ.” હૂરબાઈએ પચ્ચીસથી વધુ કલ્પ્યાં નહોતાં. “લે, ઘેલી,” માણેકબહેને અભરાઈ ઉપરથી થાળી ઉતારી કહ્યું “પીરસ ઝટ. હમણાં ઘોડાગાડીવાળો આવશે. ખોપાળું છે પૂરા સાત ગાઉ.” “એકલાં જાવાનાં છો?” હૂરબાઈએ પૂછ્યું. “હાસ્તો!” “કાઠિયા મલકમાં એકલાં!” “શો વાંધો છે?” “મોટા મરદોય એકલા ન જાય એવું બીકાળું છે ને!?” “મારે શી બીક? હું તો આ બધાં ગામડાંની ભાણેજ ખરી ને?” “કોઈ દી ગિયાં છો?” “દર બે સાલ થાય ને જાઉં છું.” “કોઈ વતાવે નહીં?” “ના રે! ભાણી છું સૌની. બાકી તો જે બીએ તેને જ વતાવે. આપણા રામને રાક્ષસનીયે બીક નહીં. ને પાછાં આ લૂગડાં જોઈનેય છેડતાં અચકાય.” “લૂગડાં?” “હા, ગાંધી બાપુનાં લૂગડાં.” માણેકબહેન ખાદીનો નિર્દેશ કરી કહેતાં હતાં “મારગમાં મળે તો બચારા ગાંધીજીની ને જવાહરલાલની, દેશપરદેશની વાતો પૂછે, જેલની વાતો પણ કઢાવે.” “જેલની?” “હાસ્તો. કોઈના ભાઈ-ભત્રીજા જેલમાં ગયા હોય, એ સૌના સમાચાર પૂછે.” “તમને?” “હાસ્તો! ત્રણ વાર જઈ ચૂકી છું. રીઢો ગુનેગાર છું.” “શી બાબત?” “ગાંધી બાપુની લડતમાં.” હૂરબાઈની મનોભૂમિમાં વળી એક નવો જ પ્રદેશ ઊઘડવા લાગ્યો. પ્રશ્નો પૂછી પૂછી એ અટવાતી જતી હતી. એને કાને ખેતરવાડીના એકસૂરીલા જીવનમાં, ગાંધી-સંગ્રામના ભણકારા અફળાયા તો હતા જ, પણ સ્પષ્ટપણે કશું સમજમાં આવ્યું નહોતું. ઉપરાંત એણે રમજાનભાઈના ભાંગ્યાતૂટ્યા ઉદ્ગારોમાંથી, અને હમણાં હમણાં તો પોતાની મુસ્લિમ કોમની વસ્તીમાં આછી આછી ચર્ચાતી વાતોમાંથી ગાંધીની લડત પ્રત્યે સૂગ, શંકા તેમ જ તિરસ્કારના વાયરા અનુભવ્યા હતા. ગાંધીની લડતમાં તો હિંદુ ઓરતો અને કેટલીક કાફર બની ગયેલી વંઠેલી મુસ્લિમ બાઈઓ ભ્રષ્ટાચારને માર્ગે ચડી ગઈ છે, એવી હવા ચાલી હતી. એ હવાએ હૂરબાઈને ચૂપ કરી દીધી. જમી ઊઠીને માણેકબહેને વિમળાને કહ્યું “અરે પણ, ઘેલી! મારે તો વાસીદામાં સાંબેલું ગયું!” “કેમ?” “મેં તો મારી જ વાત કહ્યા કરી, પણ આ બહેનની તો તેં ઓળખાણ જ ન આપી.” “એના વર લડાઈમાં ગિયા છે.” “ક્યાં? લશ્કરમાં?” “હા, મલાયા-સિંગાપુર. હમણાં જ ખબર આવ્યા કે એને ત્યાં જાપાનવાળાના હાથમાં સોંપી દેવાના હતા.” “ત્યારે તો બચી ગયા.” “કેમ?” હૂરબાઈનો ચહેરો ચમકી ઊઠ્યો. “રેડિયોમાં અમે સાંભળ્યું હતું.” રેડિયો શી ચીજ છે એ કશું સમજ્યા વિના હૂરબાઈએ પૂછ્યું “શું સાંભળ્યું?” “કે ત્યાં તો આપણા હિંદી કેદી સિપાઈઓની જુદી ફોજ ગોઠવાઈ છે. તમારા વર એમાં હશે.” “જાપાનવાળાએ કાંઈ જફા નહીં કરી હોય?” “ના, ઘણું કરીને તો નહીં જ.” “હીમખીમ હશે?” “હા.” હૂરબાઈએ આકાશ તરફ જોઈને પછી નેત્રો ધરતી તરફ ઢાળી દીધાં. ઊંઘતા બાળકને શરીરે એનો હાથ ફરવા લાગ્યો. એ વખતે માણેકબહેને એ હાથને પહેલી જ વાર નિહાળી જોયો. કેટલા કાળ પૂર્વે એ હાથ પર મૂકેલી મેંદીની આખરી આછેરી ઝાંય હજુ આંગળીઓના નખ ઉપર રોકાઈ રહી હતી. એણે દુવા દીધી “તમારા મોંમાં સાકર, બોન!” વધુ વાતનો સમય નહોતો. ટપાવાળાની બૂમ પડી. માણેકબહેન પોતાના એક ચાર વરસના છોકરા સાથે બેસી ગયાં; અને હૂરબાઈના કહેવા મુજબ સાચેસાચ જ્યાં એક જોડ ઊજળાં કપડાં પહેરેલા મરદો પણ વગર રક્ષણે મુસાફરી કરતાં અચકાતા હતા તે પાંચાળના કાઠિયા મુલકની વેરાન વાટ પર નિર્ભીક માણેકબહેનની ગાડી મજલ કાપવા લાગી. વળતે દિવસે વિમળાના બાપુની વરસી વાળી લેવામાં આવી અને એ પછી મોકળી બનેલી વિધવા ખૂણો મુકાવવા માટે પોતાની ભેંસો સહિત નજીકને ગામડે પોતાને પિયર ગયાં, અને વિમળા માણેકબહેન જોડે મુંબઈની ગાડીમાં બેઠી. વિમળાને હૂરબાઈએ વળાવતી વેળા એક બાજુ લઈ જઈને ખાસ ભલામણ કરી હતી કે “બોન, તારાં બોન ઓલ્યા રેડિયાની જે વાત કરતાં હતાં તેનું પૂરેપૂરું સમજીને મને જરૂર જરૂર સંધેસો મેલતી રે’જે; ને એમાં જો આ છોકરાના બાપુને કોઈ વાતે વાવડ પોકાડી શકાય તેવું હોય, તો પોકાડજે કે ‘અલા સઉ સારાં વાનાં કરશે; હરમત રાખજો’. ને તું પાછી વે’લી વે’લી વળી આવજે. હું આંઈ સાવ એકલી થઈ પડીશ.” વધુ કહી ન શકવાથી ને વારંવાર આંખો ભીંજવવાની શરમે મરી જવા જેવું થવાથી, એ ઉતાવળે ઉતાવળે માથે ભાત લઈને વાડીએ ચાલી ગઈ. ત્યાં ઊભાં ઊભાં એણે ઘઉંના ક્યારા વાળતે વાળતે મુંબઈ જતી ગાડીની દરેક બારી સામે જોયા કર્યું.