કાવ્યમંગલા/રંગરંગ વાદળિયાં

Revision as of 02:39, 24 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રંગરંગ વાદળિયાં

હાં રે અમે ગ્યા’તાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે ઊડ્યાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આ શા ના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં. ૧૦

હાં રે અમે થંભ્યાં
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં. ૨૦

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે.
કે તેજના ફુવારે,
કુંકુંમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં
છલકતી છોળે,
દરિયાને હીંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં. ૩૦

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે આવ્યાં
હો રંગ રંગ અંગે,
અનંત રૂપ રંગે,
તમારે ઉછંગે,
કે રંગ રંગ વાદળિયાં.

(૨૨ ઑગસ્ટ, ૧૯૩૨)