કાવ્યમંગલા/સતિયાજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સતિયાજન

સતિયા જન રે હો, સતની શૂળીએ વીંધાય
રૂડા રંગમાં રંગાય,
એના ગુણ રે હો, ક્યમ રે ગવાય ! ધ્રુવ...
સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે,
નવલી ફૂટે એને આંખો ને પાંખો, અંગે અંગે જ્યોત જાગે.
સતિયા...

સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા,
મોહમમતને હોમી હોમી એ તો પ્રગટાવે ત્યાગની જ્વાળા.
સતિયા...
પ્રેમદયાના પાયા ઉપર એ સતનાં મંદિરિયાં ચણાવે,
જ્ઞાનના ઘંટ ગજાવી પ્રભુને પગલું દેવાને મનાવે.
સતિયા...
વૈરાગની વડલાડાળે બાંધે એ કાયાનો કર્મહિંડોળો,
અંગો ધોળે એ તો અંતર વલોવે, પાપીને પાથરે ખોળો.
સતિયા...
ચંદ્ર શો શીતળ, તીખો સૂરજ શો, પ્રેમપ્રતાપનો ગોળો,
એવા રે સતિયાને પગલે આ પૃથ્વીમાં કરુણાની ઊછળે છોળો.
સતિયા...

(૩૦ ઑગસ્ટ, ૧૯૩૨)