કાવ્યાસ્વાદ/નિવેદન

નિવેદન

સુરેશ જોષીએ ક્યાંક નોંધ્યું છે કે જે દિવસે કવિતા સાથે શુભ દૃષ્ટિ ન થઈ હોય તે દિવસ નકામો જાય. ચંદ્રવદન મહેતા એક વખત નેધરલેંડના એક કવિનો સંચય લઈ આવ્યા ત્યારે તે આનંદથી ઝૂમી ઊઠ્યા હતા. અહીં દેશવિદેશની કવિતાઓના ક્યાંક આસ્વાદ છે, ક્યાંક દોહન છે, આને રૂઢ અર્થમાં કાવ્યવિવેચન ન કહી શકાય. પણ આપણી સંવેદનાઓની ક્ષિતિજોનો અનેકગણો વિસ્તાર થાય એવી મબલખ અને અમૂલ્ય સામગ્રી અહીં જોવા મળશે. એક રીતે જોઈએ તો ‘પરકીયા’નો આ વિસ્તાર છે. આપણા સર્જકોને, ભાવકોને પણ પડકાર છે. આપણને અપરિચિત એવું અદ્ભુત વિશ્વ અહીં ઊઘડી આવ્યું છે. રવીન્દ્રનાથની પંક્તિ પ્રયોજીને કહેવું હોય તો કેટલા બધા અજાણ્યાઓનો પરિચય અહીં છે. એકવીસમી સદીની ગુજરાતી કવિતાની નવી ક્ષિતિજો પ્રગટાવવામાં આ બધું થોડાં સમિધ પૂરાં પાડશે. સુરેશ જોષીના લખાણોમાંથી આ તારવણી કરવામાં આવી છે. શિરીષ પંચાલ
14-01-2012