કાવ્યાસ્વાદ/૧૨


૧૨

આ સન્દર્ભમાં મને બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાયની એક કવિતા યાદ આવે છે. એમાં એ દોર ચાલનારા નટનું રૂપક યોજીને વાત કરે છે : નટ હાથમાં રંગીન રૂમાલ ફરકાવતો દોર પર ચાલે છે. આ તો આનન્દનો, અનાયાસતાનો જ સંકેત થયો! નટ દોર પર ચાલે છે. એવી વેળાએ કેટલા કુતૂહલથી આકર્ષાઈને જોવા ઊભા રહી જાય છે! ત્યારે કોઈ પ્રશ્ન પૂછે, ‘જીવન એટલે શું? શા માટે અને કેવી રીતે હું હજી જીવી રહ્યો છું?’ તો એ યોગ્ય કહેવાશે? લોકોનું એક ટોળું નીચે ઊભું ઊભું ખડખડ હસે છે. કેટલાક હું કેટલી ઊંચાઈએથી પડીશ તેનું માપ કાઢે છે. આકાશ અને દોર વચ્ચેનું અને દોર તથા પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? કેટલાક ભયભીત લોકો જોવા તો આવ્યા છે પણ એમનાથી આ જોવાતું નથી એટલે હાથ વડે આંખ ઢાંકી દીધી છે. કોઈ મને ઉશ્કેરતાં કહે છે, ‘કૂદકો મારી દે ને!’ કોઈ કહે છે, ‘ગળામાં દોરડું બાંધીને ઝૂલી પડ ને!’ જે લોકો મજા કરવા આવ્યા છે, જે લોકો બીજાને મજા પમાડવા આવ્યા છે તેઓ રહી રહીને તાળી પાડ્યા કરે છે. એથી ભયભીત લોકો કાનમાં આંગળી નાંખે છે. હું ધીમે ધીમે એક એક ડગલું ગોઠવતો ચાલું છું. આંખો ઊંચી કરીને એ લોકો અનન્ત કાળ સુધી ઊભા રહે છે!