કાવ્યાસ્વાદ/૧૫

૧૫

બાળપણની એક સંગિની હતી. દાડમડી. એના પર ફૂલ બેસતાંની સાથે જ આંખો આકર્ષાય. પછી દાડમ બેસે. માથે ઈંગ્લેંડના રાજાના તાજ જેવો આકાર. પછી ખિસકોલીની જ્યાફત શરૂ થાય એટલે દાડમને કપડાંથી ઢાંકી દેવામાં આવે. આ સંતાઈ જતું દાડમ ભારે કુતૂહલ જગાડતું. ક્યાંથી દાણા બંધાતા, ક્યાંથી રસ સીંચાતો, ક્યાંથી રંગ પુરાતો. આવા પ્રશ્નોનો બાળપણમાં તો એક જ જવાબ હતો : જાદુ. પછી સ્વર્ગની અપ્સરાનાં કર્ણપૂર ચોરીને સાજ સજીને બેઠેલી દાડમડી રવીન્દ્રનાથની કવિતામાં જોઈ. અહીં વળી બીજા જ પ્રકારનો જાદુ થયો. વચમાં અનારકલીની કરુણ કથની પણ આવી ગઈ. પછી સ્પૅનિશ કવિ લોર્કાની કવિતામાં દાડમનાં નવાં રૂપ જોયાં. સૌ પ્રથમ એ દાડમની સુગન્ધનો ઉલ્લેખ કરીને આનન્દોદ્ગાર કાઢે છે. એમાં રહેલી રતુમડી ઝાંયમાં, એક એક સૂર્ય આથમતો દેખાય છે. પછી વળી કલ્પન બદલાય છે, એ દાડમ મધપૂડા જેવું લાગે છે, પણ એમાં મધને સ્થાને જીવંત રક્ત સીંચાયેલું છે. એના દાણા નારીના મુખ અને ચુમ્બનમાંથી ઘડાયેલા છે. દાડમ જ્યારે એનામાં રહેલા પ્રાચુર્યથી ફાટે છે ત્યારે એની રતૂંમડી કાયામાં હજાર અધરો મધુરું મધુરું હસી રહે છે. દાડમ એ કિમતી ખજાનો છે. એનાં રાતાં કિરણોનું લીલાં પાંદડાંઓ ઢાંકીને રક્ષણ કરે છે. ઝાંખા દેખાતાં સુવર્ણનાં પાત્રમાં મૂકેલાં રત્નોએ રચેલી એ પ્રકારની કમાન છે. ધાનનાં કણસલાંમાં તો ઈસુ પ્રચ્છન્ન રૂપે રહેલા છે. ઓલિવમાં કઠિનતા છે, ખેતીનો પરિશ્રમ છે. સફરજન તો માનવીના આદિ પાપ સાથે સંકળાયેલું ફળ છે. એના સ્તનના જેવો આકાર કામુકતા પ્રેરે છે. એની ત્વચા પર સેતાનના સ્પર્શનો રંગ છે. એનો રસ, એનો આસવ આપણને ઈશ્વરવિરુદ્ધ બહેકાવે છે. નારંગી તો અકથ્ય વેદનાથી બળી રહી છે. એનાં શ્વેત કુસુમોનાં પાવિત્ર્યને ભ્રષ્ટ કર્યાનું એને દુઃખ છે. જે ડાઘ વગરનું અને કલંક વગરનું હતું તેમાં હવે અગ્નિ અને સુવર્ણના ડાઘ છે. ચેસ્ટનટ તો શિયાળામાં તાપણીએ બેઠા બેઠા ભૂતકાળને વાગોળતા હોઈએ. તેની સાથે સંકળાયેલું છે, જૂનાં લાકડાં બળતાં ફાટે તેનો અવાજ, યાત્રાએ નીકળેલા પણ ભૂલા પડી ગયેલા જાત્રાળુનો નિઃશ્વાસ એમાંથી સંભળાય… પણ દાડમમાં તો પવિત્ર સ્વર્ગલોકનું ઉગ્ર રક્ત પ્રકાશે છે. જળ પૃથ્વીને એની તીણી સોય જેવી ધારથી ભેેદે ને રક્ત એમાં પ્રકાશે છે. ખરબચડા પર્વતો સાથે આવેગથી ઉઝરડાયેલા પવનોનું રક્ત એમાં પ્રકાશે છે, સમુદ્રની પવન વગરની નિદ્રાનું રક્ત એમાં ઝળહળે છે. શાન્ત થઈને પોઢેલી તળાવડીનું રક્ત એમાં ચળકે છે. દાડમમાં આપણાં પોતાનાં રક્તનો પૂર્વ ઇતિહાસ આલેખાયેલો છે, એ પ્રાચુર્યથી ફાટી પડે છે ત્યારે એનો દુઃખી ગોળાર્ધ ખોપરી અને હૃદય બંનેનું રહસ્ય પ્રકટ કરે છે. લોર્કામાં છેક આદિમતા સુધી પહોંચી જતો ઇન્દ્રિયવ્યાપ છે. પણ વાલેરીમાં આથી જુદા જ સ્તર પર દાડમનો કાવ્યજગતમાં પ્રવેશ થાય છે. લોર્કાની દાડમના ગોળાર્ધની ખોપરી સાથેની તુલના એમ માનવા પ્રેરે છે કે એણે વાલેરીની કવિતા વાંચી હશે.