કાવ્યાસ્વાદ/૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬

દાડમ વિશેનું વાલેરીનું સોનેટ એની સઘન કાવ્યરચનાના એક ઉત્તમ નિદર્શન રૂપ છે. અહીં કવિ દાડમને સમ્બોધીને કહે છે, હે કઠિન દાડમ, તું તારા દાણાનાં પ્રાચુર્યથી જ બે ભાગમાં છેદાઈ ગયું છે. પોતાની શોધોથી જ તસતસ થઈને ફાટી જતાં કોઈ ભવ્ય લલાટનું તું મને સ્મરણ કરાવે છે. હે છેદાયેલા દાડમ, તેં જે સૂર્યો સહી લીધા તેણે જો તારા સારભૂત સત્ત્વને ગર્વથી ઘડીને રત્નખણ્ડોમાં ભેદી નાખ્યું હોય અને જો તારા કોચલાનું શુષ્ક સુવર્ણ કશીક શક્તિના આદેશથી તરડાઈ જઈને રસનાં રાતાં રત્નોને દેખાડતું હોય તો એ તારો ઉજ્જ્વળ સ્ફોટ એક આત્માને એનાં ગુપ્ત સ્થાપત્ય વિશે સ્વપ્નો જોતો કરી દે છે. મૂળ કાવ્યમાં દાડમ હંમેશાં બહુવચનમાં વપરાયું છે. અહીં યોજવામાં આવેલાં સાદૃશ્યોમાં બે વસ્તુઓ દેખાય છે : એક તો દાડમ અને બીજો આત્મા. આત્માનો પ્રથમ ઉલ્લેખ, મૂળ કાવ્યમાં, સામાન્ય સ્વરૂપનો અને બહુવચનમાં ‘ભવ્ય લલાટ’ના નિર્દેશથી થયો છે. અન્તમાં ‘સ્વપ્ન જોતો આત્મા’માં એકવચનમાં વિશિષ્ટ સ્વરૂપે એનો ઉલ્લેખ થયો છે. આ સાદૃશ્યોને સ્પષ્ટ રૂપે સમીકરણ માંડીને યોજેલાં નથી. સાદૃશ્યવાચક શબ્દનો ઉપયોગ થયો જ નથી. કાવ્યનો વક્તા જ ‘તું મને સ્મરણ કરાવે છે’ અને ‘આત્માને સ્વપ્નો જોતાં કરી દે છે’ એવી ઉક્તિ દ્વારા સાદૃશ્યનો નિર્દેશ કરે છે. આથી આ સાદૃશ્ય સાદી ઉપમામાં કે રૂપકમાં હોય છે તે પ્રકારનું નથી. અસાધારણ સ્વરૂપની આ બે વસ્તુની સહોપસ્થિતિ આખા કાવ્યમાં સાદૃશ્યની યોજનાને, અણસરખાપણાને ટાળ્યા વિના, શક્ય બનાવે છે. આ સાદૃશ્યનો પાયો શો છે? આત્મા અને દાડમમાં સરખામણું શું છે? બે વસ્તુને જોડનારું તત્ત્વ કાવ્યનાં સ્થાપત્યની તપાસમાં પણ મહત્ત્વનું બની રહે છે. આ સાદૃશ્ય ભૌતિક ભૂમિકા પરનું હોય, આકારગત હોય કે બે પદાર્થોથી ઉદ્ભવતી સમાન લાગણીના સ્વરૂપનું હોય, બેમાંથી ઉદ્ભવતા સરખા વિચારનું હોય. અહીં ‘દાડમ’ અને ‘આત્મા’માં પાપ અને પાપગત વસ્તુ પરત્વેની વિભાવનાનું સાદૃશ્ય દેખાય છે. બંને પદાર્થો જુદા જ પ્રકારના છે, પણ બંનેનાં કાર્યો સરખાવી શકાય એવાં છે. દાડમમાં પાત્ર તે એક કઠણ કોચલું છે અને એમાં રહેલી વસ્તુ તે દાણા છે. ભવ્ય લલાટ અથવા ‘આત્મા’ પરત્વે પાત્ર તે મસ્તક છે. એ પણ કઠણ છે, મજબૂત હાડકાંથી બનેલી એની રચના છે. એમાં રહેલી વસ્તુ તે મગજમાં ચાલતી બુદ્ધિની પ્રવૃત્તિ છે. સાદૃશ્યની દૃષ્ટિએ દાડમમાં રહેલી વસ્તુનું સ્વરૂપ પણ પ્રવૃત્તિનું હોય એવી અપેક્ષા રહે છે. એ અંદર રહેલા દાણાનો જ વિકાસ અને વિસ્તાર હોય એવું લાગવું જોઈએ. તો જ બન્ને પદાર્થો વધુ સમાન્તર લાગે. બહારનું કઠણ કોચલું અને અંદર ચાલતી પ્રવૃત્તિ જે કોચલાને ભેદી નાખે એવી હોય. અહીં ‘ભેદી નાખવું’ અને શબ્દશ: કે ઔપચારિક એમ બંને અર્થમાં લઈ શકાય. પ્રવૃત્તિનું આ વલણ એ બન્ને પદાર્થો વચ્ચેનું મહત્ત્વનું સાદૃશ્ય છે. જે કાંઈ ભેદ છે (જે કાવ્યના અન્તમાં સૂચવાયો છે) તે પણ પાત્રગત વસ્તુ (એટલે કે અંદર ચાલતી પ્રવૃત્તિ) પરત્વેનો છે, પાત્ર પરત્વેનો નથી. આમ જો સાદૃશ્યના પાયામાં પ્રવૃત્તિ રહી હોય તો પ્રવૃત્તિ કાળના પરિમાણમાં થતી હોવાથી એમાં સમયના તત્ત્વનો પ્રવેશ થવાનો જ. પ્રવૃત્તિનો પ્રારભ, પ્રવૃત્તિનો ગાળો અને એનો અન્ત-આટલો-સમય-વિસ્તાર એમાં રહેવાનો. સાદૃશ્ય અને વિરોધનાં તત્ત્વો પણ આ પ્રવૃત્તિને આશ્રયે જ રહેલાં દેખાશે. વાલેરીના કાવ્યમાં સંક્ષેપ અને એેને કારણે આવતી સઘનતા નોંધપાત્ર છે. સાદૃશ્ય અને વિરોધનાં તત્ત્વોની, એના વિકાસની પ્રક્રિયા વાલેરીએ સૂક્ષ્મતાથી આલેખી છે. એમાં સમયનું તત્ત્વ અનુસ્યૂત થઈને રહ્યું છે. કાવ્યનો પ્રારમ્ભ ઉપમાનના વર્ણનથી થાય છે, અને એમાં જ એના ઉપમેય સાથેનાં સાદૃશ્યને નભાવી રાખે એવી ‘કઠિનતા’નો ઉલ્લેખ આવી જ જાય છે. કોચલાની કઠણતા જ એની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિની નોંધપાત્ર ઉત્કટતાનું સૂચન કરે છે. પ્રથમ પંક્તિમાં ‘કઠિન’ અને ‘ભેદાયેલું’, એ બે વચ્ચેનો વિરોધ ઊપસી આવે છે. જે કઠણ હતું તે ભેદાયું અને એમ થવામાં અમુક સમયનો ગાળો પણ અંદર પ્રવેશ્યો. આ સમયનો ક્રમ પહેલી પંક્તિમાં સૂચવાયો છે. પણ બીજામાં એ કંઈક વધુ સ્પષ્ટ રૂપે વર્ણવાયો છે. અંદરની ઉત્કટ પ્રવૃત્તિનો એમાં વિજય દેખાય છે. ‘પ્રાચુર્ય’ શબ્દ એ તરફ આંગળી ચીંધે છે. જે અંદર સમાઈ શકે એવું હતું તે હવે અંદર સમાઈને રહી ન શકે એવા પ્રાચુર્યવાળું બની ગયું છે. એ દાડમની અંદર રહેલા દાણાનો ગુણ છે, એના વિકાસની પ્રવૃત્તિનું એ લક્ષણ છે. આ પ્રાચુર્ય ભૌતિકમાંથી બૌદ્ધિક એવી ભૂમિકા પર થતાં સંક્રમણને ચીંધે છે. પ્રથમ બે પંક્તિઓ વક્તાએ દાડમને સમ્બોધેલી છે. પછીની શ્લોકની બે પંક્તિઓ ઉપમેયને (અથવા સાદૃશ્યયોજનાને બીજે છેડે રહેલા પદાર્થને) ઉલ્લેખે છે. અહીં દાડમ સાથે સંકળાયેલા સંસ્કારનો ઉલ્લેખ છે, ‘તું મને સ્મરણ કરાવે છે’ એમ કહીને એ સંસ્કારનો ઉલ્લેખ વક્તા કરે છે. આ સંસ્કારથી રચાતું સાદૃશ્ય યદૃચ્છાથી નહીં તો સ્વેચ્છાએ આરોપેલું છે. સાદૃશ્ય સર્વથા યોગ્ય છે કે કેમ એ પરત્વેની શંકાનું પણ અહીં સૂચન છે. ‘સાદૃશ્ય’માં એ સંજ્ઞા સૂચવે છે તેમ જે દૃશ્યમાન છે તેના પર એમાં વધુ ભાર છે. પણ અહીં વાલેરીએ યોજેલા સાદૃશ્યમાં જે દૃશ્ય છે તેના પર ઓછામાં ઓછો ભાર છે. વધારે પડતું ઉઘાડું સાદૃશ્ય કેળવાયેલી રુચિને અરુચિકર કે હાસ્યાસ્પદ પણ લાગે. અહીં તો સાદૃશ્ય દ્વારા ભૌતિક નહીં એવી પ્રવૃત્તિનું કવિ સૂચન કરવા ઇચ્છે છે. જે લલાટ છે તે ભવ્ય છે. આ વિશેષણ અને અન્ય મગજ કે મન (જે સાધારણ, અનુત્પાદક કે અવિશિષ્ટ છે) થી જુદું પાડે છે. જે પોતાની શોધોથી, નવા નવા આવિષ્કારોથી તસતસ થઈને ફાટી પડે છે એવા લલાટમાં જ કવિને રસ છે. પ્રથમ શ્લોકની છેલ્લી પંક્તિમાં ‘ફાટી પડતાં’ એ પ્રથમ પંક્તિમાં ‘બે ભાગમાં છેદાઈ જતા’ સાથેનું ભૌતિક સાદૃશ્ય પ્રકટ કરે છે. એમાં અંદરની બળ શક્તિના વિકાસ સામે ટકી રહેવા મથતા, ફાટી પડવાની અણી પર આવેલા છતાં એ શક્તિને ખાળી રાખવા મથતા બાહ્ય સ્વરૂપની વાત છે. અંદર ચાલી રહેલો ક્રમિક વિકાસ અને આખરે ફાટી પડીને એ શક્તિને માર્ગ કરી આપવો, શરણે જવું દેખાય છે.