કાવ્યાસ્વાદ/૨૨

૨૨

એલિઝાબેથ બિશપની કવિતામાં આવા જ એક પ્રસંગનું આલેખન થયેલું છે. પ્રસંગ કંઈક આવો જ છે : દૃશ્ય સાદું છે. ઘર, દાદીમા, શિશુ, ચાની ઊકળતી કીટલી અને પંચાંગ. આ બધી તો ઘરેળુ વીગતો છે, એમાં એક વિલક્ષણ વીગત ઉમેરાય છે અને એકાએક બધું અસાધારણ બની જાય છે. એ તત્ત્વ છે દાદીમાંનાં આંસુ, દાદીમા ચા માટે શિશુને બોલાવે છે ત્યારે આંખનાં આંસુને સંતાડીને માત્ર એટલું જ બોલી શકે છે, ‘ચાલો, ચાનો વખત થયો.’ શિશુ આંસુ જોતું નથી, પણ એની સાહજિક સૂઝથી આંસુને અનુભવી લે છે. પછી એની કલ્પના અથવા એની શિશુસહજ વાસ્તવિકતામાં એ આંસુ બધે વ્યાપી જાય છે. કીટલી પરની વરાળમાંથી બાઝતાં અને પાણી ઊકળવાના લય સાથે નાચતાં જળબિન્દુમાંથી એની દાદીનાં આંસુ જ દેખાય છે, બહાર ઘરના છાપરા પર વરસાદનાં ટપકતાં જળબિન્દુમાંયે આંસુ જ ટપકી રહ્યાં છે, દાદીમાના પ્યાલામાંની ચા એ આંસુથી જ બનેલી છે. ‘… શિશુ ચાની કીટલી પરનાં નાનાં કઠિન આંસુને જોઈ રહ્યું છે, એ કાળા ગરમ સ્ટવ પર પાગલની જેમ નાચી રહ્યાં છે, ઘરના છાપરા પર વરસાદનાં ટીપાં નાચે છે તેમ….. શિશુના માથા પર અધખુલ્લું પંચાંગ ફરફર્યા કરે છે. દાદીમાના માથા પર ફરફર્યા કરે છે, એમની ચાનો પ્યાલો ઘેરાં ભૂખરાં આંસુથી ભરાઈ ગયો છે.’ શિશુના આ અનુભવને એ કેવી રીતે પ્રકટ કરે છે? શિશુ ઘરનું ચિત્ર દોરે છે. એણે જોયેલાં આંસુને એમાં ક્યાંક એ પ્રકટ કરવા ઇચ્છે છે. આથી એ એમાં એક માણસ દોરે છે. એના ખમીસનાં બટન આંસુ જેવાં છે. પંચાંગનાં પાનાં વચ્ચેથી ચન્દ્રની જુદી જુદી કળાઓ આંસુ જેમ ટપક્યા કરે છે. એ શિશુની ફૂલની શય્યા પર પડે છે જેને એણે ઘરના આંગણામાં કાળજીપૂર્વક સજાવીને રાખી છે. પંચાંગ કહે છે : હવે આંસુને વાવવાનું મુહૂર્ત આવી ગયું છે. ઊકળી રહેલી કીટલી અને બળતા સ્ટવના અવાજ સાથે લય મેળવીને દાદીમા ગુંજે છે અને બાળક બીજું ઝટ ન પારખી શકાય એવું ઘર દોરવા મંડી પડે છે. આ શિશુનાં માતાપિતાની અનુપસ્થિતિ જ આંસુનું કારણ છે તે અહીં વ્યંજિત થાય છે. એથી આવતાં આંસુ ખાળી શકાય કે છુપાવી શકાય એવાં નથી, છતાં છુપાવવાં પડે છે. દાદીના બધા પ્રયત્ન છતાં, બાળકના મૌન છતાં, સ્ટવની ગરમી છતાં આ ઘર વેદનાથી થીજી ગયેલું જ લાગે છે. એલિઝાબેથ બિશપની કવિતાની એક લાક્ષણિકતા એ છે કે ઘરેળુ અને એને સામે છેડેની વિલક્ષણ એમ બે સૃષ્ટિમાં એઓ લીલયા વિહાર કરી શકે છે. અહીં સાવ પરિચિત ઘર, એની પરિચિત વીગતો : દાદીમા, સ્ટવ, ચાનો પ્યાલો સંતાડેલાં આંસુને કારણે નવું રહસ્ય પામે છે ને અન્તે બાળકના ચિત્તમાં ઝટ ન પારખી શકાય એવું વિલક્ષણ બની જાય છે. એમનાં પ્રવાસનાં કાવ્યોમાં અપરિચિત વિલક્ષણ વિશ્વનું નિરૂપણ છે. આ બેને ક્વયિત્રી જુદાં પાડીને જોતાં નથી. એકમાંથી બીજામાં એમની કવિતા સહજ સંક્રાન્તિ કરતી રહે છે.