કાવ્યાસ્વાદ/૨૩
પેટ્રો સેલિનાસ નામના સ્પેનિશ કવિની મૃત્યુ વિશેની કવિતા અહીં સંભારવા જેવી છે. એ કહે છે કે વિસ્મરણ તે જ મરણ. આપણે જ્યારે કોઈને ભૂલી જઈએ ત્યારે એની આપણે હત્યા કરી એમ જ કહેવાય. કાવ્યના શીર્ષકમાં મરણનું બહુવચન છે તે સૂચક કવિ કહે છે : સૌ પ્રથમ તો મને તારા અવાજનું વિસ્મરણ થયું, હવે તું જો મારી પાસે આવીને બોલે તો હું પૂછું, ‘આ કોણ બોલ્યું?’ પછી હું તારા પદરવને ભૂલી ગયો; જો કોઈ પડછાયો મારી પાસે થઈને સરી જાય, જો કોઈ છાયા પવનમાં લપાઈ જાય તો એ છાયા હતી એવું હું ન જાણું. તેં ફૂલની જેમ બધી પાંખડીઓ ખેરવી નાખી, એ તારી કાયા હતી તે મેં ન જાણ્યું. માત્ર તારું નામ – એના સાત અક્ષરો માત્ર મારી પાસે રહ્યા. તારી કાયા એ જ એ નામોચ્ચાર. અલ્ુ તારું નામ સુધ્ધાં હું ભૂલી ગયો. એ સાત અક્ષરો હવે, એ કશા સાથે કશો સમ્બન્ધ સ્થાપ્યા વિના, રઝળતા ફરે છે. એઓ એકબીજાને ઓળખતા નથી. પસાર થતી બસ પરથી જાહેરખબરના જેવા એ મારી આંખ આગળથી સરે છે. પરબીડિયાં પર બીજા કોઈનું નામ છે. આમ મારે હાથે તારો નાશ થયો છે. તારા નામના અક્ષરો હવે બારાખડીના કોઈ સ્વર્ગમાં જઈ ને મળી ગયા હશે.