કાવ્યાસ્વાદ/૩૨

૩૨

હવામાં બધે જ વિદ્રોહની વાતો છે. મને જાપાની કવિ કાનેકો મિત્સુહારુની એક કવિતા યાદ આવે છે. એ કાવ્યનો નાયક કહે છે : કિશોરકાળમાં મને નિશાળે જવા સામે વાંધો હતો, અને હવે મને કામ કરવા સામે વિરોધ છે. સૌથી વિશેષ તો નરી તંદુરસ્તી અને સતવાદીપણા સામે મને અણગમો છે. માનવી પ્રત્યે સૌથી વિશેષ ક્રૂરતા કોઈ આચરતું હોય તો તંદુરસ્તી અને પ્રામાણિકતા. જેને આગવી જાપાની ચેતના કહે છે તેનોય હું તો વિરોધી છું. ફરજોની અને માનવીની લાગણીઓની વાત સાંભળીને મને ઉબકા આવે છે. કોઈ પણ સરકાર, ગમે ત્યાં રાજ કરતી હોય તેની સામે મારો વિરોધ છે. કહેવાતા સર્જકો અને કવિઓની ગોષ્ઠીને હું ડિંગો કરું છું. કોઈ મને પૂછે છે, ‘તમે જન્મ્યા શા માટે?’ તો હું વિના સંકોચે કહી દઉં છું, ‘વિરોધ કરવા.’ હું પૂર્વમાં હોઉં છું ત્યારે મને પશ્ચિમમાં જવાની ઇચ્છા થાય છે, કપડાં હું જાણીજોઈને અવળાં પહેરું છું, જોડા ખોટા પગમાં પહેરું છું, જેને બધા ધિક્કારે છે તેને હું ચાહું છું. મને સૌથી વધુ તિરસ્કાર એકસરખી લાગણી ધરાવતા લોકો માટે છે. મને શ્રદ્ધા છે કેવળ વિરોધમાં, વિરોધ જ જીવનમાં એક ઉત્તમ વસ્તુ છે. જીવવું અને વિરોધ કરવો એ એક બીજાના પર્યાય છે. વિરોધ કરો તો જ તમારી છટકિયાળ જાત પર તમારી પકડ બેસે.